વૃદ્ધો, વૃદ્ધાશ્રમ વિશે ઘણું લખાય છે, લખાતું રહેશે. આ મોટી સામાજિક સમસ્યા છે જ. દીકરા-વહુને એ માટે જવાબદાર ઠેરવાય છે એ મહદઅંશે સાચું હોઈ શકે પરંતુ સિક્કાની બીજી બાજુ પણ જોવી જોઈએ, વિચારાવી જોઈએ. કેટલાક વડીલો અસહાય સ્થિતિમાં હોય તે પૂર્વથી યુવાન દીકરા-વહુ પર પોતાના વિચારો-અભિપ્રાયો થોપવાનો પ્રયાસ કરતા હોય છે. નાની નાની બાબતોમાં ટોકવું, વણમાંગી સલાહ આપવી, ઈર્ષ્યા કરવી જેવી બાબતો ધીમે ધીમે નફરતના બીજ રોપે છે. સમય જતાં પોતાનું કોઈ સાંભળતું નથી, માનતું નથી એવો ભાવ વડીલોમાં પેદા થાય છે. વડીલોએ સમજવું જોઈએ કે પોતે જિંદગીભર જે કંઈ કર્યું, ભોગવ્યું હોય એના વારંવારના વર્ણનોમાં નવી પેઢીને રસ નથી.
નવી પેઢી પોતાની જિંદગી પોતાની રીતે જીવવા માંગે છે. વડીલોનો ભરપૂર ખ્યાલ રાખીને પણ પોતાની સ્વતંત્રતા ઈચ્છે છે. દીકરા-વહુની પોતાની જિંદગી છે, પોતાનું મિત્ર વર્તુળ છે. પ્રસંગો, ઉત્સવો, કાર્યક્રમો માટે ઘરના વડીલને ઘરમાં એકલા મૂકીને જવું પડે છે ત્યારે એ એકલતામાં વડીલો અસલામતી અનુભવે છે એ સ્વાભાવિક છે પણ એનાથી ટેવાવું પડે તો જ સંબંધોની મધુરતા જળવાય. એ માટે ઘણા વડીલો તૈયાર નથી હોતા અને એનાથી પ્રશ્નો ઉભા થાય છે. દીકરા-વહુને પોતાના આનંદ, ખુશીમાં વડીલો બાધારૂપ લાગવા માંડે ત્યારે સમસ્યાની શરૂઆત થાય છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપનો અંત હોતો નથી અને એમાં ગુમાવવાનું તો વડીલોના પક્ષે જ આવે છે. પરસ્પરની જરૂરિયાત સમજીને અનુકૂળ થવાનો પ્રયત્ન થાય એ પરિવારના સુખનો પાયો છે.
વડસર, વડોદરા- અનિરુદ્ધસિંહ રાઉલજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.