તા.૧૩ સપ્ટેમ્બર,૨૦૨૫ના રોજ ‘ગુજરાતમિત્ર’ તેની સ્થાપનાનાં ૧૬૨ વર્ષ પૂરાં કરી ૧૬૩ માં વર્ષમાં પ્રવેશ કરશે. કોઈ પણ દૈનિક વર્તમાનપત્ર તેની સ્થાપનાનાં ૧૬૦ વર્ષ કરતાં વધારે વર્ષ પસાર કરે તે સ્વયં એક અનેરી અને અત્યંત વિરલ સિધ્ધિ ગણાય અને તે માટે ‘ગુજરાતમિત્ર’ ને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા પડે. હું પોતે ૧૯૫૯થી નિયમિત રીતે ‘ગુજરાતમિત્ર’ નું વાચન કરું છું અને જો સવારે ઊઠીને પહેલાં ‘ગુજરાતમિત્ર’ ન વાંચું તો ચેન ન પડે, અર્થાત્ તે એક વ્યસન થઈ ગયું છે. મારા જેવી સ્થિતિ અન્ય વાચકોની પણ હશે જ તે વાત મીનમેખ ગણાવી જોઈએ. ‘ગુજરાતમિત્ર’ એક તટસ્થ વર્તમાનપત્ર હોવાની છાપ છોડે છે અને તે વાંચનાર દરેકને તેનો અનુભવ થતો જ હશે.
અંતરિયાળ પ્રદેશોથી લઈને શહેર, રાજ્ય, દેશ અને વિદેશના સમાચારો જાણવા મળે, ઉપરાંત દરરોજ જુદા જુદા વિષયને લઈને આગવી કક્ષાની પૂર્તિઓ સોનામાં સુગંધ ભળે તેવી હોય છે. પૂર્તિઓ દ્વારા પણ ઘણા બધા વિષયોનું જ્ઞાન દરેક વાચકોને મળી રહે છે. ઉપરાંત ઉત્તમ કોટિના કહી શકાય તેવાં કટારલેખકોના લેખો પણ વિશિષ્ટતા કહેવાય અને સૌથી વિશેષ તે તેનો ચર્ચાપત્ર વિભાગ. આ એક માત્ર એવું વર્તમાનપત્ર જે રોજેરોજ વાચકોના વિચારોને ચર્ચાપત્ર રૂપે પ્રકાશિત કરે છે. ‘ગુજરાતમિત્ર’ ને તેના ૧૬૩ માં સ્થાપના દિવસની વધાઈ અને અભિનંદન. આવનારાં અનેક વર્ષો દરમ્યાન આ જ પ્રતિષ્ઠા સાથે આગળ વધતું રહે તેવી અનેકાનેક શુભેચ્છાઓ.
નાનપુરા, સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.