ગુજરાત રાજ્ય સુરક્ષિત રાજ્ય તરીકે દેશમાં જાણીતું છે. અહીં અડધી રાત્રે મહિલાઓ ફરી શકે છે તેવું અન્ય રાજ્યના લોકોમાં માન્યતા છે, પરંતુ હવે એવું લાગે છે કે ગુજરાત પાસેથી સેફ સ્ટેટનો ખિતાબ લાંબો સમય ટકશે નહીં. કારણ કે હવે દારૂ, ડ્રગ્સ, મારામારી, બળાત્કાર, હત્યાના ગુનાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થયો છે.
હદ તો એ થઈ ગઈ છે કે હવે ગુનેગાર બદમાશોને પોલીસનો કોઈ ડર રહ્યો નથી. હવે ગુનેગારો પોલીસ સ્ટેશનની નજીક જ ગુના આચરવા લાગ્યા છે.
આજે 12 સપ્ટેમ્બરની મળસ્કે રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલિ ઓવરબ્રિજ નીચે પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર એક યુવકની જાહેરમાં ક્રુર હત્યાનો સનસનીખેજ બનાવ બન્યો છે. નંબર પ્લેટ વિનાની કારમાં આવેલા 7થી 8 ઈસમોએ અહીંના કુખ્યાત નૈસલ ઠાકોર પર હુમલો કર્યો હતો. પહેલાં તેને ટક્કર મારી નીચે પાડી દીધો ત્યાર બાદ ધારીયા અને છરી લઈ ગાડીમાંથી ઉતરી સીધા નૈસલ પર તુટી પડ્યા હતા. સંખ્યાબંધ ઘા મારી નૈસલને પતાવી દીધો હતો.
ક્રુર હત્યાનો વીડિયો સામે આવ્યો
આ ક્રુર હત્યાની ઘટના વહેલી સવારે 3.30 કલાક આસપાસ બની હતી. સ્વીફ્ટ કારમાં આવેલા હત્યારાઓએ નૈસલને ટક્કર મારી પાડી દીધો હતો. ત્યાર બાદ હથિયાર લઈ તેની પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ક્રુરતાપૂર્વક ધારિયાના ઘા નેસલને માર્યા હતા. તેના શરીરમાં હથિયાર ખૂંપી જાય તો બહાર કાઢી પાછું મારતા હતા. એક યુવકે નૈસલના માથા પર સતત ધારિયાના વાર કર્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હત્યારાઓની ક્રુરતા જોઈ શકાય છે. વાત અહીંથી અટકતી નથી. હત્યારાઓ જઈ રહ્યાં હતાં ત્યારે નૈસલનો પગ હલ્યો હતો. તે જોઈ ફરી હત્યારાઓએ ગાડી ઉભી રાખી તેની પાસે ગયા હતા અને ફરી ઘા મારી તે મરી ગયો હોવાનું કન્ફર્મ કર્યું હતું.
નૈસલ જમીન લે-વેચનો વ્યવસાય કરતો
ઝોન 7ના ડીસીપી શિવમ વર્માએ કહ્યું કે, મૃતક નૈસલ ઠાકોર જમીન લે-વેચના વ્યવસાય સાથે જોડાયેલો હતો. જૂની અદાવતમાં હત્યા થઈ હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. 2011માં નૈસલે એક હત્યા કરી હતી. તેનું વેર વાળવા મૃતકના સગાઓએ નૈસલને મારી બદલો લીધો હોવાની આશંકા છે. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલી રહી છે.