સ્પાઇસ જેટ એરલાઇન્સની કાર્ગો કંપની સ્પાઇસ એક્સપ્રેસના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ એમએમ ગહરીએ આજે સ્થાનિક ફ્રેન્ચાઇઝીના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા જણાવ્યું હતું કે, સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં ઈન્ટરનેશનલ કાર્ગો સર્વિસ શરૂ થશે.
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ કાર્ગો સર્વિસની મંજૂરી મળે કે તરત જ સ્પાઈસ એક્સપ્રેસ દ્વારા કાર્ગો ફ્લાઈટ શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સુરતમાં ખૂબ જ પોટેન્શિયલ છે. અહીં ડોમેસ્ટિક કાર્ગોને સારો ટ્રાફિક મળી રહ્યો છે. સુરતમાં ડાયમંડ, ટેક્સટાઈલ ઉપરાંત હેવી એન્જિનીયરિંગનો મોટો વેપાર છે. ડાયમંડ વિદેશોમાં નિકાસ કરવામાં આવે છે.
હાલમાં સુરતના હીરા ઉદ્યોગકારો મુંબઈ મારફતે વિદેશમાં હીરા નિકાસ કરી રહ્યાં છે, પરંતુ સુરતમાં ડાયમંડ બુર્સ બને ત્યાર બાદ સુરતમાંથી જ વિદેશમાં હીરાની નિકાસ શરૂ થાય તેવી શક્યતા છે, ત્યારે ઈન્ટરનેશનલ કાર્ગોની સેવા અતિઆવશ્યક બનશે.
જો સરકાર દ્વારા ઈન્ટરનેશનલ કાર્ગો માટે સુરત એરપોર્ટને મંજૂરી અપાય તો સ્પાઈસ એક્સપ્રેસ ઈન્ટરનેશનલ કાર્ગો ફ્લાઈટ શરૂ કરવા તૈયાર છે. તે અંગેનો કંપની દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ પણ તૈયાર છે. તેમણે, હેવી એન્જિનિયરિંગના નાના-મોટા પાર્ટ્સની ડિલીવરી માટે સર્વિસ આપવા માટે પણ તૈયારી દર્શાવી હતી.