Comments

દુનિયામાં સૌથી મહત્ત્વનું શું?

એક વાર એક રાજાએ પોતાના દરબારમાં દરબારીઓને એક સવાલ પૂછ્યો. રાજાનો સવાલ હતો કે, ‘દુનિયામાં સૌથી મહત્ત્વની વસ્તુ કઈ છે? સૌથી તાકાતવર વસ્તુ કઈ છે? કઈ વસ્તુ તમારી પાસે હોય તો તમે દુનિયાના સૌથી શક્તિશાળી મનુષ્ય બની શકો છો?’ આ સવાલ સાંભળીને સેનાપતિ તરત બોલ્યા, ‘ સૌથી મહત્ત્વની છે ‘તલવાર’ તાકાત હોય ને હાથમાં તલવાર હોય તો તમે દુનિયાના સૌથી શક્તિશાળી છો.’ કોષાધ્યક્ષે કહ્યું, ‘ સૌથી મહત્ત્વનો છે ‘ખજાનો.’ સોના ચાંદી ઝવેરાત તમારી પાસે ભરપૂર હોય તો તમે સૌથી શક્તિશાળી મનુષ્ય છો.’ એક સૈનિકે કહ્યું, ‘સૌથી મહત્ત્વના છે સૈનિકો.

જેટલી મોટી સેના તમારી પાસે હોય, જેટલી મોટી લડવાની તાકાત તમારી પાસે હોય તમે સૌથી શક્તિશાળી છો.’ આવા એક પછી એક અનેક જવાબો મળ્યા પણ રાજાને કોઈ જવાબથી સંતોષ થયો નહીં. દરબારમાં રાજાના વૃદ્ધ મંત્રી ચૂપ બેઠા હતા. રાજાએ તેમની તરફ નજર કરી. તેમણે કહ્યું કે, ‘આવતી કાલે મારો સૌથી નાનો પૌત્ર આવીને આ સવાલનો જવાબ આપશે.’ બીજે દિવસે વૃદ્ધ મંત્રી પોતાના નાના પૌત્રને લઈને દરબારમાં આવ્યા. પૌત્રે રાજાને પ્રણામ કર્યા. રાજાએ તેને પૂછ્યું, ‘શું તને ખબર છે કે દુનિયામાં સૌથી શક્તિશાળી બનવા માટે શું હોવું જોઈએ.’

દુનિયાની સૌથી મહત્ત્વની ચીજ કઈ છે. નાના બાળકે પોતાનું પુસ્તક અને પાટી પેન બતાવીને કહ્યું કે, ‘દુનિયામાં સૌથી મહત્ત્વની વસ્તુ છે. ‘જ્ઞાન’ તમને સૌથી શક્તિશાળી અને તાકાતવર બનાવે છે. જ્ઞાન સૌથી મહત્ત્વની વસ્તુ છે. જ્ઞાન સાથે હોય તો તમે ક્યારેય હારતા નથી.’ રાજાને જવાબ ગમ્યો પણ બાળકની કસોટી કરવા રાજાએ કહ્યું, ‘બેટા, મારી હજારોની સેના, તલવાર, ખજાનો એ બધું મહત્ત્વનું નહીં? જ્ઞાન જ સૌથી મહત્ત્વનું શા માટે છે?’ નાના બાળકે હસીને જવાબ આપ્યો, ‘રાજાજી, તલવાર, સોના ચાંદી, ઝવેરાતનો ખજાનો, સેના બધું ક્યારેક આપણું હોય, ક્યારેક બીજાનું થઈ જાય છે. આપણું પોતાનું જ્ઞાન ક્યારેય બીજાનું થતું નથી. આપણું જ્ઞાન આપણી પાસેથી કોઈ જ છીનવી શકતું નથી. રાજા બાળકના જવાબથી એકદમ ખુશ થઈને તેને ઇનામ આપ્યું અને દરબારમાં બધાને સમજાવ્યું કે જેની પાસે જ્ઞાન છે તે જ સૌથી શક્તિશાળી છે. જ્ઞાન સૌથી મહત્ત્વનું છે, જ્ઞાન મેળવવા માટે સતત આતુર રહો. સતત શીખતાં રહો.

Most Popular

To Top