Vadodara

નિઝામપુરા મેઈન રોડ પર ફરી ભુવો પડ્યો

ચોમાસા પહેલાં જ બનેલો રોડ તૂટી પડતા ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા
વડોદરા: વડોદરા શહેરના નિઝામપુરા મેઈન રોડ પર, પોલીસ સ્ટેશન નજીક ફરી એકવાર ભૂવો પડતા કરોડોના ખર્ચે બનેલા રોડની ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. હજી ચોમાસા પરંપૂર્ણ રીતે શરૂ પણ થયા નથી ત્યારે જ વારંવાર ભૂવો વધતા તંત્રની બેદરકારી અને રોડ નિર્માણના કામોમાં ભ્રષ્ટાચારની શંકા નાગરિકોમાં મજબૂત બની રહી છે.

સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં આ રોડ પર અનેક વખત નવા ડામર ચઢાવાયા છતાં થોડા જ સમયમાં રોડ તોડી ભૂવો પડી જાય છે. તંત્ર દ્વારા તાત્કાલિક સમારકામ કરીને મામલો ટાળી દેવામાં આવે છે, પરંતુ યોગ્ય ગુણવત્તા પરીક્ષણ વગરના કામોનું પરિણામ હવે ફરી એકવાર સામે આવતાં નાગરિકો ભારે નારાજગી જાહેર કરી રહ્યા છે.
રોજિંદા પ્રવાસીઓ, વાહનચાલકો તથા દુકાનદારોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શહેરવાસીઓએ તંત્ર સામે આક્ષેપ કર્યો છે કે, “કરોડો રૂપિયાના ખર્ચ છતાં રોડની હાલત ખરાબ બની રહી છે. ચોમાસાની એકાદ બે જ વરસાદી ઝાપટાંમાં ભુવો પડી જાય તો એ નિર્માણકર્તા કંપનીની ખોટી કામગીરી અને તંત્રની બેદરકારી સાબિત થાય છે.”
આ બનાવ પછી પ્રજામાં તંત્રના કામકાજ પર વિશ્વાસ નબળો પડ્યો છે. વિસ્તારના લોકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે રોડ નિર્માણના કામોમાં ભ્રષ્ટાચાર છુપાયેલો છે અને તેને બહાર લાવવા માટે ઉચ્ચ સ્તરે તપાસ કરાવવી જરૂરી છે. નાગરિકોએ આ બનાવ અંગે મ્યુનિસિપલ કમિશનર તથા મેયરને તાત્કાલિક જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

ભૂવો પડતાં વાહનોને ખાસ જોખમ રહે છે. ટ્રાફિક પોલીસને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો તાત્કાલિક મજબૂત સમારકામ નહીં થાય તો અકસ્માતના બનાવો વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ બનાવ અંગે તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આપવામાં આવી નથી. જોકે, શહેરમાં ચર્ચા ચાલી રહી છે કે રોડના કામમાં ગુણવત્તા સાથે મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. નાગરિકો કહી રહ્યા છે કે “જો સમયસર કડક પગલાં નહીં લેવાય તો વડોદરા શહેરની રસ્તા વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઘૂંટણિયે આવશે.”

Most Popular

To Top