દર વર્ષે શિક્ષકદિન ઉજવાય છે તે વિશે ખૂબ લખાય અને ચર્ચાય છે. મારે એ ‘દિન’ની નહીં, પણ ‘દીન’ની વાત કરવી છે. ત્યારનાં શિક્ષકો ‘દીન’ હતા. શિક્ષકો અને ટપાલીને કદી સાયકલ ઉપર નોકરીએ જતા જોયા છે? તેમના નસીબમાં સાયકલ પણ નહતી. એવા દીન હતા, પણ નમાલા નહીં, ખુમારી અને ખમીરવંત હતા. શિક્ષણ આપવું એક માત્ર ધ્યેયને વરેલા હતા. 1960ની આસપાસના અમારા ‘ગુરુજન’ હતા. તેઓ આદર્શ, ખાદીધારી, અનેક સિદ્ધાંત વાળા અને સમય પાલનમાં ચુસ્ત, સાદાઇ, ચોખ્ખાઇ અને ઉચ્ચાર શુદ્ધીનો આગ્રહ રાખનારા હતા. માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં, તેઓ સમાજ, કુટુંબ, દેશ અને વિદેશની માહિતીઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરતાં.
સ્કૂલમાં 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરાવી, ગામમાં પ્રભાત ફેરી કરતા, સ્કૂલમાં ખેતીના વિષય વખતે ઓજારો વડે સ્કૂલની ખુલ્લી જમીનમાં અનાજ ઉગાડવાનું, લણવાનું, કાપવાનું, નીંદવાનું વગેરે પ્રત્યક્ષ જ્ઞાન આપતા. ખાદી ઉદ્યોગના તાસમાં ચરખો, તકલી અને રેંટિયો કાંતવાનું અને ખાદીની આંટી બનાવી શાળ ઉપર લઈ વણાટકામ પણ શીખવાડવામાં આવતું. તોફાની વિદ્યાર્થીઓને ઊભી ફૂટપટ્ટી કે ગોળ કાળી આંકળી લઈ હથેળી નીચે પથ્થર મૂકી ઉપર મારતા. વળી ચૂંટી ખણવી, ધોલ-ધપાટ પણ ખરી, મજાલ છે કે કોઈ વાલી આવી વિદ્યાર્થીઓની વહાર તાણે. આજે અમારા જેવા વિદ્યાર્થીઓને જ્યાં પણ એ ‘સાહેબો’ મળે તો અમે તેમને પગે લાગીએ છીએ. જે ‘મા’ ના સ્તરે પહોંચી, શિક્ષા પ્રદાન કરે અને પ્રેમ પણ અર્પે તે માસ્તર. ગુરુજનોને વંદન હજો…
રાંદેર રોડ, સુરત – ઈશ્વર સી .પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સ્વચ્છતા માટે નંબર વન- સુરત
આપણા ગુજરાતમિત્રમાં, છેલ્લા કેટલાક દિવસોથી, માત્ર કાગળ પર નહીં, ખરેખર નંબર વન-સુરત, રંગીન ફોટા સાથેની કોલમ પ્રસિધ્ધ થઈ. શહેરનું પોતાનું એક જાગૃત અને નિષ્પક્ષ વર્તમાનપત્ર, શાસકોને સ્વચ્છ શહેર માટે મળેલા માનસન્માનને કોઈ પણ શેહશરમ વિના ઉઘાડા પાડી રહ્યું છે, જે યોગ્ય જ છે. જ્યાં ને ત્યાં પડેલા કચરાનાં ઢગલા જોતાં થાય છે કે, કંન્ટેનર મુક્ત શહેર બનાવવામાં ઉતાવળ કરી હોય એવું નથી લાગતું? ફરી વિચાર કરી શકાય અથવા અન્ય શહેરની આ પ્રકારની વ્યવસ્થાને ખાતાનાં નિષ્ઠાવાન કર્મચારીઓ દ્વારા અભ્યાસ કરાવી યોગ્ય સુધારા કરી શકાય. બાકી સમયાંતરે રેલીને યાત્રા યોજી નાગરિકો નાં ટેક્ષનાં પૈસાને ધુમાડો કરી મોટાભા થવાનું બંધ કરો અને જાગો તો સારું. ‘મિત્ર’ ને ખૂબ ખૂબ અભિનંદન
સુરત – ભુપેન્દ્ર રાયજી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.