Business

ઘર સંસ્કારનું નિરૂપણ કરે અને શાળા કૌશલ વધારે

હવે ગુજરાતની શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ સ્કૂલ બેગમાં પેન, પેન્સિલ સાથે હથિયાર લાવી રહ્યાં છે. જે ઉંમરે માત્ર અને માત્ર આનંદ સાથે બાળક નવું શીખી શકે તેવા વાતાવરણને સ્થાયી કરવાનું છે તે સમાજમાં હવે નર્યો તણાવ વ્યક્ત થઇ રહ્યો છે. ગુજરાતી સમાજનું ભવિષ્ય ડામાડોળ થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. ત્યારે મોઢાનાં ચાંદા કેન્સરનાં લક્ષણોમાં ન ફેરવાય તેની કાળજી લેવા અને નવી પેઢીમાં પેસી ગએલાં વ્યસનો દૂર કરવા નવી વ્યવસ્થાઓને સ્વીકારવી પડશે.

વિદ્યાર્થીઓનાં ડી.એન.એ.માં સહિષ્ણુતા, સ્નેહ, સદ્ભાવ હોવાં ઘટે, જેના સ્થાને આજે સ્પર્ધા, દ્વેષભાવ, સતત અગ્રતા જાળવી રાખવાનો અહમ અને અભાવ જોવા મળે છે, જે સ્વસ્થ સમાજ માટે ભયરૂપ બની રહ્યો છે. પરિસ્થિતિ સામે ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના અધ્યક્ષશ્રીએ નિવેદન આપતાં જણાવ્યું કે “પેન ઉપાડવાની જગ્યાએ છરી કેમ! આ સવાલ આપણા સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ શિક્ષણનું વ્યવસાયીકરણ થતાં મૂલ્યોનું સ્થાન ગુણ અને ટકાવારીએ લીધું છે. આજના શિક્ષણમાં વિદ્યાર્થીઓને ડિગ્રી તો મળે છે પરંતુ બાળકના ઘડતરમાં સંસ્કાર અને જીવનમૂલ્યોનો અભાવ રહી જાય છે.’’ શિક્ષક મહાસંઘ જણાવે છે કે આજના બાળકને પુસ્તકિયું જ્ઞાન તો આપવામાં આવે છે પરંતુ તેમને જીવન જીવવાની સાચી રીત શીખવવામાં આવતી નથી. સ-વિશેષ શાળા પરિસરમાં સંસ્કાર અને મૂલ્યોનું વાવેતર થતું નથી ત્યારે સમાજમાં હિંસા, અસહિષ્ણુતા અને ગુનાઓનું પ્રમાણ વધે છે. આજે આપણે યુવાનોને વ્યસન અને મોબાઇલની કુ-ટેવમાં ફસાએલાં જોઇએ છીએ તે પણ આ જ મૂલ્યશિક્ષણના અભાવનું પરિણામ છે.

શાળા આચાર્ય સંઘના પૂર્વ અધ્યક્ષ વિનંતી કરતાં જણાવે છે કે ‘શાળામાં એક તાસ મૂલ્યશિક્ષણ માટે અનિવાર્ય કરાતાં માતા-પિતા અને રાષ્ટ્ર માટે વિદ્યાર્થીઓમાં પૂજનીય ભાવનું નિર્માણ થશે.’’ મોંઘી ફી વસૂલ કરી શાળામાં ૬-૬ કલાક બાળકોને રોકી રાખતાં શાળા સંચાલકો માટે આ વ્યવસ્થા પડકારરૂપ બને છે. પરંતુ પ્રશ્નોની ગંભીરતા સામે પ્રથમ પગલે ‘વર્ગખંડથી ભારતનું ભવિષ્ય ઘડાઇ રહ્યું છે’ તેનો સ્વીકાર થશે તો જ શાળા રાષ્ટ્રનિર્માણનું કેન્દ્ર બનશે.

જો કે આ વિચાર સામે ઉદ્યોગો માટે થઇ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટને પસંદ કરતા વ્યવસ્થાપનનાં નિષ્ણાંતોનું માનવું છે કે આજકાલ વિદ્યાર્થીઓમાં વધતી જતી સ્વચ્છંદતા, વ્યસન અને વર્ચ્યુઅલ બેડ હેબીટ જેવી બિન ઉત્પાદકીય પ્રવૃત્તિઓ દૂર કરવા શાળા કે શિક્ષકોની પારંપારિક તલવાર બુઠ્ઠી થઇ છે. આરોગ્ય અને માનવ ચિકિત્સાની ૧૭૦૦-૨૦૦૦ વર્ષ જૂની આયુર્વેદ પ્રણાલીની સામે ૧૫૦-૨૦૦ વર્ષથી પ્રચલિત એલોપથી વિશ્વભરમાં પ્રચલિત બની છે તે રોગનાં કારણો નહીં પણ રોગનાં લક્ષણ અને દર્દીની સ્વ-ફરિયાદને સારવારનું કેન્દ્ર બનાવાયું, તે છે! આથી મેનેજમેન્ટ નિષ્ણાતો ટુલ બદલવાની સલાહ આપે છે.

વર્ષ ૧૯૦૮માં હિન્દ સ્વરાજ નામની પુસ્તિકામાં મહાત્મા ગાંધીએ અંગ્રેજો સ્થાપિત શિક્ષણ પ્રણાલીની મર્યાદાઓ સ્પષ્ટ કરી છે ત્યારથી લઇ ૧૧૭ વર્ષોમાં અનેકોએ શિક્ષણવ્યવસ્થામાંથી બહાર આવતાં પરિણામ માટે નિરાશા વ્યક્ત કરી છે. કારણ બાલમંદિરનાં ૨ વર્ષ તે પછી શાળાનાં ૧૨ વર્ષ અને અનુસ્નાતક માટેનાં ૫ તેમ ૧૯ વર્ષમાં લગભગ લગભગ ૨૮૫૦૦ માનવ કલાકો, એક જ બાળક પછી મા-બાપનું લગભગ લગભગ રૂા. ૩૮૦૦૦૦૦ નું રોકાણ સમાજલક્ષી ઇચ્છિત પરિણામદાયી રહેતું નથી ત્યારે નવી પેઢીને પારંપારિક ઉપચારમાંથી બહાર કાઢવાની આવશ્યકતા જણાય છે. આઝાદીના ૭૫મા વર્ષે નવી શિક્ષણ નીતિમાં કૌશલ તાલીમને પ્રાધાન્ય અપાયું છે અને બીજા તબક્કામાં આત્મનિર્ભર અને મેઇક ઇન ઇન્ડિયાની દિશા નવી પેઢી માટે માર્ગદર્શક બની રહી છે ત્યારે ખ્યાલ રહે ‘‘નાના છિદ્રમાંથી સંપૂર્ણનું દર્શન શક્ય નથી. કોઇ રામબાણ ઇલાજ હવે કામમાં આવનાર નથી.’’

એક સમયે માહિતીની આપ-લે માટે શિક્ષણ સશક્ત માધ્યમ હતું પરંતુ આધુનિક યુગમાં જ્યારે જ્ઞાનને શક્તિ તરીકે જાણવામાં આવે છે તેવા યુગમાં શાળામાં નોકરી કરતો, સરકારે માન્ય કરેલ અભ્યાસક્રમ ભણાવતો અને નિયત માળખામાં પરીક્ષા લેનાર નિયમો અને સમયમાં બંધાએલ શિક્ષક શાળા અને શિક્ષણ વિભાગ સ્વયં એક મર્યાદિત વર્તુળ બને છે. આવી જમીની હકીક્ત સાથે શહેરીકરણ, નાના આવાસો, નોકરી કરતાં મા-બાપ, ઊંચા જીવનધોરણને જાળવી રાખવા અને અપેક્ષિત દેખાદેખીમાં ખેંચાતું સમાજજીવન વિદ્યાર્થી માટે તણાવસભર બને છે.

આ સ્થિતિમાં હવે શાળાના પરિસરને ભારતના ભાવિની નિર્માણભૂમિ કહેવાનું અને શિક્ષકને ગુરુ બ્રહ્મા કહેવાનો પારંપારિક વિવેક છોડી શાળા પરિસરને માત્ર જીવનને આનંદદાયી રાખનાર કૌશલવિકાસના કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરીએ. જ્યારે ઘર અને મા-બાપને પોતાના પરિવાર માટે અનિવાર્ય મૂલ્યોની કેળવણીના સંસ્કાર કેન્દ્ર તરીકે સ્વીકારીએ, વિકસાવીએ. આર્ટીફિશ્યલ ઇન્ટેલીજન્સ ફેકચર જીન્સ, વર્ચ્યુઅલ એપ્લીકેશન પ્રકારના વધુ અને વધુ કોમ્પ્લેક્સ સમાજમાં હવે શિક્ષક અને શાળા પાસે અનુકૂળ સામાજિક પરિણામોની અપેક્ષા અર્થહીન છે તેનો સ્વીકાર કરી મા-બાપ પોતાના બાળક પાછળ પૈસા ખર્ચી જવાબદારીમાંથી મુક્ત થવાનો વ્યવહાર છોડી દે.

બાળકના જૈવિક અસ્તિત્વની જવાબદારી મા-બાપની છે. તો પોતાના દેશ, ધર્મ, સંપ્રદાય, કુટુંબ કે વૈયક્તિક મૂલ્યોના ઘડતર માટેની પૃષ્ઠ ભૂમિ તૈયાર કરવાનું કાર્ય પણ મા-બાપનું છે. હવે શાળા અને શિક્ષકોનાં ગળામાં મૂલ્ય ઘડતરનો ઘંટ બાંધવાની અપેક્ષા ન રાખીએ. કૌશલવિકાસ અને રોજગારી તે આધુનિક યુગનો મોટો પડકાર બની રહી છે ત્યારે જીવનને આનંદસભર રાખનાર વિવિધ કૌશલના વિસ્તાર પૂરતી જવાબદારી શાળા લે અને કુટુંબ પોતાને અનુરૂપ વારસો તૈયાર કરવાની જવાબદારી લેશે તેમજ ભારતનું ભાવિ ઘડાશે તે નિશ્ચિત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top