Columns

પંજાબનાં પૂર માટે ડેમમાંથી અચાનક છોડવામાં આવેલું પાણી જવાબદાર હતું?

વરસાદ કુદરત સર્જિત હોય છે, પણ પૂર માનવ સર્જિત હોય છે. નદીઓ જ્યારે કુદરતી રીતે વહેતી હતી ત્યારે પૂરો આવતાં હતાં, પણ નદીના કિનારે વસતા લોકો તેના માટે તૈયાર રહેતા. જૂના જમાનામાં કોઈ પણ બાંધકામો કરવામાં આવતાં તો તે નદીના પટમાં કે તેની નજીક નહીં પણ નદીના વહેણથી દૂર ટેકરા પર કરવામાં આવતા હતા, જેથી ભારેમાં ભારે પૂરમાં પણ કોઈ જાનહાનિ થતી નહોતી. હવે નદીઓ ઉપર વિરાટ બંધો બંધાઈ ગયા છે, જેમાં અબજો લિટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે.

આ પાણી સમયસર છોડવામાં ન આવે અને જથ્થો વધી જાય ત્યારે અચાનક છોડવામાં આવે તો પણ ભયંકર પૂર આવી શકે છે. ઉકાઈ ડેમ બન્યા પછી સુરત શહેર ઘણી વાર આવાં પૂરનો શિકાર બન્યું છે. આવાં પૂરના સમયે જો નદીના પટમાં મકાનો કે દુકાનો બાંધવામાં આવ્યાં હોય તે તણાઈ જાય તો જાનમાલની હાનિ થઈ શકે છે, જેના માટે ક્યારેક માનવ જાતને બદલે કુદરતને દોષ દેવામાં આવતો હોય છે. પંજાબમાં તાજેતરમાં જે વિનાશક પૂરો આવ્યાં છે તે પણ રણજીત સાગર અને ભાખરા-નાંગલ જેવા ડેમમાંથી અચાનક છોડવામાં આવેલાં ચિક્કાર પાણીને કારણે આવ્યાં છે, પણ તેના માટે કુદરતને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.

પંજાબ માટે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પોર્ટલ પર ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ પ્રકાશિત અહેવાલમાં સ્પષ્ટ જણાવાયું છે કે પંજાબના પઠાણકોટ જિલ્લામાં રણજીતસાગર ડેમમાંથી પાણી છોડવાથી રાવી અને બિયાસ નદીઓનાં પાણીનું સ્તર વધ્યું અને તેના કારણે પંજાબના કુલ પાંચ જિલ્લાઓ ગુરદાસપુર, અમૃતસર, ફરીદકોટ, બર્નાલા અને કપૂરથલા, પૂરથી પ્રભાવિત થયા હતા. રણજીતસાગર ડેમમાંથી લગભગ ૧.૧૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

તેને કારણે કુલ ૧૦૭ ગામો પ્રભાવિત થયાં હતાં. લગભગ ૫૦૦ લોકોને સ્થળાંતર કરીને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા હતા. સરહદી જિલ્લાઓમાં કેટલીક BSF ચોકીઓ પણ પૂરથી પ્રભાવિત થઈ હતી. સેના, વાયુસેના, NDRF, BSF, SDRF, પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શોધ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હકીકતમાં રાજ્ય અને કેન્દ્ર સરકારો વચ્ચે પૂરવિષયક માહિતીના આદાનપ્રદાન કે રાહત અંગે કોઈ સંકલન નહોતું.

પંજાબનાં લીલાછમ્મ ખેતરો પાણીની ચાદરથી ઢંકાઈ ગયાં છે. સતલજ, બિયાસ અને રાવી નદીઓએ પંજાબના ખેતરોને ડૂબાડી દીધાં છે. પંજાબ સરકારના જણાવ્યા અનુસાર આ નદીઓના કારણે આવેલા પૂરને કારણે અત્યાર સુધીમાં ૧,૬૯૮ ગામો પ્રભાવિત થયા છે અને ૩૯ લોકો મૃત્યુ પામ્યા છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે રાવી, સતલજ અને બિયાસ નદીઓના ઉપરના કેચમેન્ટ વિસ્તારોમાં પૂર આવ્યું છે.

પરિણામે રણજીત સાગર, ભાખરા અને પોંગ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું, જેનાથી પંજાબનાં મેદાનો ડૂબી ગયાં હતાં. આ નદીઓમાં આવેલાં પૂરે ગુરદાસપુર, અમૃતસર, પઠાણકોટ, તરનતારન, ફિરોઝપુર, ફાઝિલ્કા, કપૂરથલા અને પંજાબના અન્ય જિલ્લાઓમાં વિનાશ વેર્યો હતો. રાવી નદી પરનો રણજીત સાગર ડેમ ઓગસ્ટના અંત સુધીમાં તેની મહત્તમ ક્ષમતા ૫૨૭ મીટરની નજીક પહોંચી ગયો હતો. ૨૬-૨૭ ઓગસ્ટના રોજ, ડેમમાંથી ૨ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું હતું.

આ જંગી પ્રવાહ માધોપુર બેરેજ સુધી પહોંચ્યો હતો, જ્યાં જૂની માળખાકીય સુવિધાઓની જાળવણીના અભાવે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. માધોપુર બેરેજના દરવાજા જામ થઈ ગયા હતા, જેના કારણે ગુરદાસપુર, પઠાણકોટ અને અમૃતસરનાં ગામડાંઓ પાણીમાં ડૂબી ગયાં હતાં. રાવી નદીએ ઘણી જગ્યાએ નદીથી લગભગ ૨ કિ.મી. દૂર આવેલા સંરક્ષણાત્મક પાળાઓ તોડી નાખ્યા હતા. રાવીનું પાણી સરહદ પારના પાકિસ્તાનના વિસ્તારમાં પહોંચી ગયું હતું, જેના કારણે પાણી કરતારપુર કોરિડોર અને લાહોર શહેરમાં પ્રવેશ્યું હતું.

રાવી નદીમાં આવેલાં પૂરને કારણે ગુરદાસપુરનાં ૩૨૪ ગામો, અમૃતસરનાં ૧૯૦ અને પઠાણકોટ જિલ્લાનાં ૮૮ ગામો પ્રભાવિત થયાં હતાં. રાવીની જેમ પંજાબની સતલજ અને બિયાસ નદીઓએ પણ લાખો લોકોને અસર કરી છે. સતલજ નદી પરના ભાખરા ડેમ પર પણ પાણીનું ભારે દબાણ હતું. ૨૫ ઓગસ્ટના રોજ તેનું પાણીનું સ્તર ૧,૬૬૮.૫૭ ફૂટ પર પહોંચી ગયું, જે ભયના નિશાનથી માત્ર ૧૧ ફૂટ નીચે હતું. પાણી છોડવા માટે ડેમના દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા, જેના કારણે સતલજનો પ્રવાહ ૨.૬ લાખ ક્યુસેક જેટલો થયો હતો.

૨૬-૨૭ ઓગસ્ટના રોજ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી નીચે તરફ વહેતું થયું હતું, જેનાથી ફાઝિલ્કાનાં ૭૭, ફિરોઝપુરનાં ૧૦૨ અને રૂપનગરનાં ૪૪ ગામો ડૂબી ગયાં હતાં. ૨૫-૨૬ ઓગસ્ટના રોજ બિયાસ નદી પરના પોંગ ડેમનું પાણીનું સ્તર પણ ૧,૩૯૩ ફૂટ પર પહોંચી ગયું, જે તેની ક્ષમતા કરતાં વધુ હતું. ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે, કપૂરથલાનાં ૧૨૩, હોશિયારપુરનાં ૧૨૫, જલંધરના ૬૪ અને તરનતારનનાં ૭૦ ગામોમાં પૂર આવ્યાં હતાં. બિયાસનો પ્રવાહ તેની સામાન્ય ક્ષમતા ૮૦ હજાર ક્યુસેક કરતાં વધી ગયો હતો, જેના કારણે ખેતરો અને વસાહતો ડૂબી ગઈ હતી. જો ડેમમાંથી વહેલું પાણી છોડવામાં આવ્યું હોત તો આટલી તારાજી ન થઈ હોત.

રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પોર્ટલ પર ૧ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધીના કુલ ૩૩ દિવસના અહેવાલોનું વિશ્લેષણ દર્શાવે છે કે આ વરસાદની મોસમ દરમિયાન પંજાબની મુખ્ય નદીઓમાં પાણીનું સ્તર ક્યારેય તેના ઐતિહાસિક સ્તર સુધી પહોંચ્યું નહોતું. પંજાબની પરિસ્થિતિમાં કેન્દ્રીય જળ આયોગે નદીઓના વધેલા પાણીના સ્તરને ફક્ત ચોમાસાને કારણે ઊભી થતી પૂરની પરિસ્થિતિ તરીકે ગણ્યું હતું. સેન્ટ્રલ વોટર કમિશનના જણાવ્યા અનુસાર પંજાબમાં નદીઓની ખૂબ જ ગંભીર સ્થિતિ ૧ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર દરમિયાન ઊભી થઈ ન હતી, જ્યારે સ્થાનિક લોકો દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે ૧૪ અને ૧૫ ઓગસ્ટથી પૂર જેવી પરિસ્થિતિ શરૂ થઈ ગઈ હતી, જેનું ભયાનક સ્વરૂપ ૨૫ ઓગસ્ટથી સામે આવ્યું હતું. આ ઉપરથી ખ્યાલ આવે છે કે કેન્દ્રીય જળ આયોગ સબ સલામતનું ગાણું ગાતું રહ્યું અને પરિસ્થિતિ વણસી ગઈ હતી. જો કેન્દ્ર સરકારે સમયસર પગલાં લીધાં હોત તો પરિસ્થિતિ આટલી બગડી ન ગઈ હોત, પણ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર હોવાથી કેન્દ્ર સરકારે પૂરની ઉપેક્ષા કરી હતી.

પંજાબમાં સ્થાનિક પૂરને કવર કરતા એક વરિષ્ઠ પત્રકારે જણાવ્યું હતું કે પૂર આવ્યા પછી અને ગંભીર સ્તરે પહોંચ્યા પછી સરકારી એજન્સીઓ પાસે પૂર નિવારણ કાર્ય કરવા માટે ૧૦ દિવસનો સમય હતો. આ ૧૦ દિવસમાં કંઈ નક્કર કામ કરવામાં આવ્યું ન હતું. પંજાબમાં પૂરની પરિસ્થિતિ ૧૪ ઓગસ્ટથી ગંભીર બનવા લાગી હતી, પણ સરકારી તંત્ર ૨૫ ઓગસ્ટ પછી જ પૂર માટે ખરેખર ગંભીર બન્યું અને પછી સરકારી એજન્સીઓ સક્રિય થઈ હતી. જો આપણે કેન્દ્રીય જળ આયોગના અહેવાલ પર નજર કરીએ તો ૨૭ ઓગસ્ટ પહેલાં સરકારી તંત્ર દ્વારા પૂર સામે બચાવ અંગે કોઈ પ્રવૃત્તિ થઈ ન હતી કે પૂરની કોઈ ખાસ અસર ધ્યાનમાં લેવામાં આવી ન હતી.

પંજાબના પૂર દરમિયાન વહીવટીતંત્ર સમયસર સક્રિય કેમ ન થઈ શક્યું? આ પ્રશ્નનો જવાબ આપતા કેટલાક અધિકારીઓ કહે છે કે અગાઉ પૂર નિવારણ અંગેની બેઠકો ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાતી હતી, પણ આ વખતની બેઠક છેક જૂનમાં યોજાઈ હતી અને તે શક્ય નહોતું કે માત્ર થોડા દિવસોમાં ૨૩ જિલ્લાઓમાં ફેલાયેલાં ૨,૮૦૦ કિ.મી. લંબાઇના નાળાં સાફ કરી શકાય. પંજાબના સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાંના એક હોશિયારપુરમાં પોંગ ડેમ પાસે રહેતા ઉન્નતિ સહકારી સભાના સ્થાપક જ્યોતિ સ્વરૂપ કહે છે કે હિમાચલમાં ભારે વરસાદ પડી રહ્યો હતો.

પોંગ ડેમ પર પાણીનું દબાણ સતત વધી રહ્યું હતું પરંતુ ત્યાં એટલો બધો કાંપ હતો કે પાણી છોડવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી. સરકાર દ્વારા પોંગ ડેમમાંથી કાદવ દૂર કરવાનું કામ ખૂબ જ મોડું શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ૨૫ ઓગસ્ટ સુધીમાં ડેમ પર પાણીનું દબાણ એટલું વધી ગયું હતું કે ડેમમાંથી પાણી છોડવું પડ્યું હતું અને તેના કારણે બધું ડૂબી ગયું હતું. જો ડેમમાંથી કાંપ સમયસર દૂર કરવામાં આવ્યો હોત તો આટલો વિનાશ ન થયો હોત.. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top