Columns

દુઃખ – ઈશ્વરે આપેલો પ્રસાદ

ભગવાને માનવોને જન્મ આપી મૃત્યુલોકમાં સૃષ્ટિનો આનંદ લેવા મોકલ્યાં.બધા જીવ બોલ્યા, ‘પ્રભુ, સાંભળ્યું છે સૃષ્ટિ ખૂબ જ સુંદર છે અનેક સુખો છે અને ત્યાં મોહમાયાનાં બંધન છે.અમે મૃત્યુલોકની મોહમાયામાં તમને ભૂલી જઈશું તો અમારે તમારી પાસે જ રહેવું છે. તમારાથી દૂર નથી થવું.અમે તમને કઈ રીતે યાદ રાખીશું ??’ પ્રભુ હસ્યા અને બોલ્યા, ‘હે જીવો, તમે બધા મને ખૂબ વ્હાલાં છો એટલે હું તમને સૃષ્ટિના દરેક સુખ ભોગવવા માનવજન્મ આપું છું પણ મેં એવી ગોઠવણી કરી જ છે કે તમે મને ભૂલો નહિ અને મારી નજીક જ રહો.’

જીવોએ પૂછ્યું, ‘પ્રભુ એટલે? કંઈ સમજાયું નહિ.’ પ્રભુ બોલ્યા, ‘ હે જીવો, તમે માનવજન્મ લેશો ત્યારે મેં સૃષ્ટિના અનેક સુખોના વરદાન તો આપ્યાં જ છે પણ સાથે સાથે દરેકે દરેક માનવના જીવનકાળ દરમિયાન કોઈકને કોઈક દુઃખ મૂક્યું છે. આ દુઃખની ક્ષણોમાં જીવ મને યાદ કરશે,મને પ્રાર્થના કરશે, મારી પાસે આવશે. આ દુઃખની ક્ષણો મેં એટલે મૂકી છે કે તે સઘળું ભૂલીને મને યાદ કરે. મારાં ચરણોમાં આવે, મારી પાસે દોડી આવે.’ જીવ બોલ્યા, ‘એટલે પ્રભુ અમને માનવજીવનમાં જે જે સુખ મળશે તે તો તમારું આપેલું વરદાન હશે અને જયારે દુઃખ મળશે એ તો તમારા આશીર્વાદ હશે જે અમને તમારી નજીક લઇ જશે ખરુંને!’ પ્રભુ સ્મિત આપીને અંતર્ધ્યાન થઈ ગયા.

 યાદ રાખજો, ઈશ્વરે જ દુઃખ આપ્યું છે અને એ દુઃખ દૂર કરવા માટે દુઃખની પળોમાં ઈશ્વરની નજીક જવાની જરૂર છે. આપણે દુઃખની પળોમાં ચારે બાજુ મદદ મેળવવા સગાં સંબંધીઓ પાસે દોડીએ છીએ. થોડીક માનસિક શાંતિ મળે છે પણ દુઃખ દૂર થતું નથી. દુઃખ એ ઈશ્વરનો આપેલો પ્રસાદ છે એમ સમજીને તેને  સ્વીકારી લઈ, માથે ચડાવીએ અને ઈશ્વરની નજીક દોડી જઈએ તો એ દુઃખ ‘દુઃખ’ નથી રહેતું પણ વરદાન બની જાય છે. જ્યારે પણ જીવનમાં દુઃખની ક્ષણો આવે ત્યારે એમ સમજવું કે આપણો ભગવાન આપણને યાદ કરી રહ્યો છે. આપણને નજીક બોલાવી રહ્યો છે કારણ કે દુઃખ એ તો ઈશ્વરનો આપેલો પ્રસાદ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top