વડોદરામાં અછોડાતોડ ગેંગનો આતંક, વધુ બે વૃદ્ધાને નિશાન બનાવી
સમતા વિસ્તારમાં મંદિરમાં આરાધના કરી રહેલા વૃદ્ધાના ગળામાંથી ચેન તોડનાર સીસીટીવી કેમેરામાં કેદ
લાલબાગ ખાતે જૈન દેરાસરમાંથી પ્રવચન સાંભળી ચાલતા આવી રહેલા વૃદ્ધાને નીચે પાડી દીધા બાદ ગઠીયો ચેન તોડી ફરાર
વડોદરા તારીખ 9
વડોદરા શહેરમાં ચેન સ્નેચર ગેંગનો આતંક ફરી વધ્યો છે. જેમાં આ અછોડાતોડ ગેંગ પૈકીના એક ગઠીયો સમતા વિસ્તારમાં આવેલી સોસાયટીના મંદિરમાં ભગવાનની આરાધના કરી રહેલા વૃદ્ધાના ગળામાંથી પાછળથી આવી સોનાની ચેન તોડીને ભાગી ગયો હતો. બીજા બનાવમાં લાલબાગ જૈન દેરાસર ખાતે પ્રવચન સાંભળીને પરત આવી રહેલા વૃદ્ધાના ગળામાંથી ગઠિયો સોનાની ચેન તોડી બાઇક લઈને રફુ ચક્કર થઈ ગયો હતો. પોલીસે આ બંને બનાવમાં અછોડાતોડ ગઠીયાની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલી સૌરભ સોસાયટીમાં રહેતા વૃદ્ધ મહિલા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. ત્યારબાદ તેઓ મંદિરમાં બેસીને ભગવાનની આરાધના કરી રહ્યા હતા. તે દરમિયાન મંદિરના ગેટમાંથી એક ગઠીયો અંદર પ્રવેશ્યો હતો અને પાછળથી વૃદ્ધા lના ગળામાં હાથ નાખીને સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે ગઠીયાની શોધખોળ શરૂ કરી છે.
બીજા બનાવમાં વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સીતાબાગ સોસાયટીમાં રહેતા અંજુબેન શાહ (ઉવ.75) તેમના પતિ નવનિતભાઈ સાથે કારમાં બેસી ઘરેથી લાલબાગ જૈન દેરાસર ખાતે દર્શન કરવા તથા પ્રવચન સાંભળવા અર્થે ગયા હતા. પતિ તેમને દેરાસર ખાતે છોડીને નીકળી ગયા હતા. ત્યારબાદ પ્રવચન પુરૂ કરી તેઓ પરત ચાલીને ઘરે આવતા હતા. તે દરમિયાન સીતાબાગ સોસાયટીના નાકા પર અજાણ્યો શખ્સ બાઇક ઉપર પાછળથી આવ્યો હતો. તેણે વૃધ્ધને નીચે પાડી દીધા બાદ મહિલાના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેન તોડીને ભાગી ગયો હતો. વૃદ્ધાએ બુમરાણ મચાવી હોવા છતાં આ ગઠિયો હાથમાં આવ્યો ન હતો. માંજલપુર પોલીસે ગઠીયાની શોધખોળ શરૂ કરી છે.