નેપાળમાં સવારથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા ફરી શરૂ થયું છે. અહીં યુવાઓ તેમજ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા બંધ થવાને કારણે વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 21 લોકો માર્યા ગયા છે, જ્યારે 200 થી વધુ ઘાયલ થયા છે. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ જનરલ-ઝેડ એટલે કે 18 થી 30 વર્ષના યુવાનો કરી રહ્યા હતા. જોકે ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા બેન વિરૂદ્ધનું આ વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે.
નેપાળના ગૃહમંત્રી રમેશ લેખકે દેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ધ હિમાલયન ટાઈમ્સના અહેવાલ મુજબ ગૃહમંત્રીએ વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા જાનમાલના નુકસાનની નૈતિક જવાબદારી લેતા આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, “નૈતિકતાના ધોરણે હું આ પદ પર રહીશ નહીં.”
સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને સરકારના ભ્રષ્ટાચાર સામે સોમવારે સવારે 18 હજારથી વધુ વિરોધ કરનારા યુવાનો સંસદ ભવનના પરિસરમાં ઘૂસી ગયા હતા, ત્યારબાદ સેનાએ અનેક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. નેપાળના ઇતિહાસમાં સંસદમાં ઘૂસણખોરીનો આ પહેલો કિસ્સો છે.
રિપોર્ટ મુજબ પ્રદર્શનકારીઓએ સંસદના ગેટ નંબર ૧ અને ૨ પર કબજો જમાવી લીધો હતો. આ પછી, સંસદ ભવન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પીએમ નિવાસસ્થાન નજીકના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. કાઠમંડુ વહીવટીતંત્રે તોડફોડ કરનારાઓને જોતાં જ ગોળી મારવાના આદેશ આપ્યા છે.
કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ નેપાળના બુટવાલ અને ભૈરહવા શહેરોમાં ભારે વિરોધ પ્રદર્શન બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. સોમવારે સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
કાઠમંડુમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી અથડામણમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ ઘટનાસ્થળે હાજર એક પ્રદર્શનકારીએ કહ્યું, “સત્તામાં બેઠેલા લોકો પોતાના નિર્ણયો અમારા પર લાદી શકતા નથી. મારા મિત્રને પોલીસની ગોળી વાગી હતી. સંસદની અંદરથી પણ ગોળીઓનો અવાજ આવી રહ્યો છે.”
નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કેમ લગાવવામાં આવ્યો?
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નેપાળ સરકારે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 7 દિવસની અંદર નોંધણી કરાવવાનો આદેશ આપ્યો હતો. સરકારે દલીલ કરી હતી કે નોંધણી વિના આ પ્લેટફોર્મનો ઉપયોગ દેશમાં નકલી આઈડી, નફરતભર્યા ભાષણ, સાયબર ક્રાઈમ અને ખોટી માહિતી ફેલાવવા માટે થઈ રહ્યો છે.
4 સપ્ટેમ્બરના રોજ સરકારે નિર્ધારિત સમય મર્યાદામાં નોંધણી ન કરાવવા બદલ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. આમાં વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબ જેવા મોટા પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. ટિકટોક અને વાઇબર જેવા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ન હતો કારણ કે તેઓએ સમયસર નોંધણી કરાવી હતી.