SURAT

સુરતમાં પ્રિ-નવરાત્રિમાં મારામારી, ખૈલેયાઓ ગભરાયા

હજુ ગણેશોત્સવ પૂર્ણ થયો નથી ત્યાં તો સુરતમાં નવરાત્રીના ઢોલ ઢબૂકવા લાગ્યા છે. રવિવારે શહેરના રામકથા રોડ પાસે આવેલા એપ્રિકોટ એસી ડોમમાં પ્રિ-નવરાત્રિનું આયોજન થયું હતું. જોકે, અહીં મારામારી થતા અફરાતફરી મચી ગઈ હતી. ખૈલેયાઓ ગભરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સિંગણપોર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી જઈ સ્થિતિને કાબુમાં લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર એક યુવકને બાઉન્સરોએ ડોમમાં પ્રવેશતા અટકાવ્યો હતો. ત્યારે બાઉન્સર્સ અને યુવક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત વધુ વણસતા બબાલ થઈ હતી. ધક્કામુક્કી બાદ બંને તરફના લોકો મારામારી પર ઉતરી આવ્યા હતા. અચાનક થયેલી આ બબાલથી હાજર ખેલૈયાઓમાં ગભરાટ ફેલાયો હતો. ઘણાએ અફરાતફરીમાં સ્થળ છોડી દીધું હતું. પરિવાર સાથે આવેલા લોકો ખાસ કરીને સુરક્ષાને લઈને ચિંતિત જોવા મળ્યા હતા.

સિંગણપોર પોલીસની ટીમ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે બંને પક્ષોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. મળતી માહિતી મુજબ ઘટના બાદ પ્રિન્સ ગ્રુપના મુખ્ય કાર્યકરો અને ટીમ મેમ્બરો સ્થળ પરથી ગાયબ થઈ ગયા હતા, જેના કારણે પોલીસને પરિસ્થિતિ સંભાળવામાં મુશ્કેલી પડી હતી. ઘટના અંગે આયોજકો તરફથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી.

Most Popular

To Top