આજે એટલે કે 8 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર આજે સોનામાં 974 રૂપિયાનો વધારો થયો અને તે 10 ગ્રામ દીઠ 1,07,312 રૂપિયા પર પહોંચી ગયો. પહેલા સોનું 1,06,338 રૂપિયા હતું. બીજી તરફ ચાંદી 198 રૂપિયા વધીને 1,23,368 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. પહેલા તેની કિંમત 1,23,170 રૂપિયા હતી.
આ વર્ષે અત્યાર સુધી સોનાના ભાવમાં 31,150 રૂપિયા (40%)નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024 ના રોજ 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયા હતો, જે હવે 1,07,312 રૂપિયા થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ 37,351 રૂપિયા (43%)નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024 ના રોજ એક કિલો ચાંદીનો ભાવ 86,017 રૂપિયા હતો જે હવે 1,23,368 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.
સોનું ખરીદતા પહેલા એક વસ્તુનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક ધરાવતું પ્રમાણિત સોનું ખરીદો. નવા નિયમ હેઠળ 1 એપ્રિલથી છ-અંકના આલ્ફાન્યૂમેરિક હોલમાર્કિંગ વિના સોનું વેચવામાં આવશે નહીં. જેમ આધાર કાર્ડ પર 12-અંકનો કોડ હોય છે તેવી જ રીતે સોના પર 6-અંકનો હોલમાર્ક કોડ હશે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે HUID કહેવામાં આવે છે. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે તે શોધવાનું શક્ય બન્યું છે.