Gujarat

VIDEO: અવિરત વરસાદના લીધે કચ્છ-નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું

વર્ષ 2025માં કુદરતના પ્રકોપ સમાન એક બાજ એક ઘટનાઓ જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંય દિવસોથી ઉત્તર ભારતમાં અતિ ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. ઉત્તર ભારતમાં કુદરત કહેર વર્તાવી રહી છે તો બીજી તરફ હવે ગુજરાતમાં પણ ક્યારેય ન જોયેલા દ્રશ્યો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે પાટણના બાબરામાં પૂર આવ્યું છે અને બનાસકાંઠના નડાબેટનું રણ દરિયામાં ફેરવાઈ ગયું છે.

  • બનાસકાંઠાના સુઈગામમાં 24 કલાકમાં સાંબેલાધાર 16.14 ઈંચ વરસાદ ખાબક્યો
  • ભરડવા ગામમાં 700 જેટલા ઘરોમાં પાણી ઘુસ્યું, નડાબેટ સંપર્ક વિહોણું થયું
  • રાજ્યના 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, પાટણના બાબરામાં પૂર આવ્યું

બનાસકાંઠાના સુઈગામમાં 24 કલાકમાં સાંબેલાધાર 16.14 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના પગલે સર્વત્ર જળબંબાકાર થયું છે. વરસાદી પાણી નડાબેટ રણમાં ઠલવાયું છે. તેથી રણમાં દરિયાના મોજા ઊછળતા હોય હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. નડાબેટ ટૂરિઝમ સાઈટ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાની થયાનો અંદાજ છે.

રણમાં ભરાયેલા વરસાદી પાણી દરિયાની મોજાઓની જેમ રસ્તા પર ઉછળા મારી રહ્યાં છે. ક્યારેય ન જોયેલા આ દ્રશ્યો જોવા-માણવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ રહ્યાં છે. સામાન્ય રીતે સૂકોભઠ્ઠ રહેતો રણપ્રદેશ ભારે વરસાદના કારણે જળબંબાકાર બની ગયો છે.

પાણીની લહેરો અને પવનના કારણે આ વિસ્તાર દરિયાકિનારા જેવો લાગી રહ્યો છે. કચ્છના આદેસરના નાના રણથી ખડીર અને ખાવડાથી ધોરડો સુધીના મોટા રણમાં વરસાદી પાણી ભરાઈ જતા ત્યાં પણ રણમાં સમુદ્ર બની ગયું હોવાના દ્રશ્યો ઉભા થયા છે.

બીજી તરફ ભરડવા ગામમાં 700 જેટલા ઘરોમાં પાણી ઘુસ્યું છે. નડાબેટ સંપર્ક વિહોણું થયુ છે. સાંતલપુરથી કચ્છ જતા નેશનલ હાઈવે ઉપર ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. પાટણ જિલ્લાના સાંતલપુરના બાબરા ગામમાં પૂરની સ્થિતિ સર્જાય છે. ગામમાં છાતીસમા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી થઈ રહી છે. ગાંધીધામના બસ સ્ટેશન સામેના ચાવલા ચોક સુધીમાં જલભરાવની સ્થિતિ સર્જાઈ છે.

24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ પડ્યો
રાજ્યમાં વીતેલા 24 કલાકમાં 222 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ બનાસકાંઠાના સુઇગામમાં 16.14 ઈંચ જ્યારે સૌથી ઓછો છોટા ઉદેપુરમાં 1 મિમી વરસાદ પડ્યો છે. રાજ્યમાં સિઝનનો રસેરાશ 37.13 એટલે કે, 106.94 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

Most Popular

To Top