વીકએન્ડના મિની વેકેશનમાં રાજકોટની આર.કે. યુનિવર્સિટીના સ્ટુડન્ટ્ના એક ગ્રુપે દીવમાં પિકનીકનો પ્લાન ઘડ્યો હતો, પરંતુ મિત્રો સાથે મજા કરવા નીકળેલા આ ગ્રુપ સાથે રસ્તામાં ભયંકર ઘટના બની હતી.
રાજકોટની આર.કે. યુનિવર્સિટીના 12 વિદ્યાર્થીનું ગ્રુપ ઈનોવા કાર ભાડે લઈ રાજકોટથી દીવ જવા નીકળ્યું હતું, ત્યારે ગઈકાલે શુક્રવારે 5 સપ્ટેમ્બરની મોડી રાત્રે આટકોટના જંગવડ પાસે કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર પલટી ગઈ હતી. આ ભયંકર અકસ્માતમાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. મૃતકોમાં આંધ્રપ્રદેશના નરેશ કોડાવતી (ઉં.વ.19), મોથી હર્ષા (ઉં.વ. 17) અને આફરીદ સૈયદ (ઉં.વ.17)નો સમાવેશ થાય છે. આ અકસ્માતનો એટલો ખતરનાક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ત્રણેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, આ તમામ વિદ્યાર્થીઓ રાજકોટની આર.કે. યુનિવર્સિટીમાં બીટેકનો અભ્યાસ કરતા હતા. તેઓ ઈનોવા કાર ભાડે લઈ દીવ ફરવા જઈ રહ્યાં હતાં ત્યારે જસદણ તાલુકાના જંગવડ પાસે અકસ્માત થયો છે. ડ્રાઈવરે વળાંક પર કાબુ ગુમાવ્યો હતો. તેને લીધે કાર પલટી મારી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવા જેસીબીની મદદ લેવી પડી હતી.
વધુમાં રાજકોટના એસપી વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, રાજકોટની એક ટ્રાવેલ્સ કંપનીમાંથી સ્ટુડન્ટના ગ્રુપે સેલ્ફ ડ્રાઈવિંગ ઈનોવા કાર બુક કરી હતી. તેઓ પોતે ડ્રાઈવ કરી દીવ જઈ રહ્યાં હતાં. જુનાગઢ, સોમનાથ, દીવ અને દ્વારકા ફરવા જવાનો પ્લાન હતો. ગોળાઈ પાસે ઈનોવા પલટી મારી ગઈ હતી. ત્રણ સ્ટુડન્ટના મોત થયા છે. બે વિદ્યાર્થીઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા છે. અન્ય વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થતા પ્રાથમિક સારવાર આપી હોસ્ટેલ પરત મોકલ્યા છે. પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.