સુરતમાં બપોર બાદ ગણેશ વિસર્જન યાત્રાનો ભાગળ ચાર રસ્તા ખાતે રંગ જામ્યો હતો. ભાગળ ચાર રસ્તા ખાતે સુરતના ફેમસ દાળિયા શેરીના ગણેશજી આવી પહોંચ્યા લોકોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. સવારે 12 કલાક પછી કોટ વિસ્તારની શેરીઓમાંથી ગણેશ મંડળોએ યાત્રા શરૂ કરી હતી જે બપોર સુધીમાં ભાગળ ચાર રસ્તા ખાતે આવી પહોંચતા અહીં અસલી સુરતી રંગ દેખાયો હતો.
સલાબતપુરા, અઠવા, મહિધરપુરા અને લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારની મોટી ગણેશ પ્રતિમાઓ રાજમાર્ગથી પસાર થઈ હજીરા દરિયા કિનારે વિસર્જન કરવામાં પહોંચી હતી. નાની મૂર્તિઓ પાલ ઓવારા ખાતે જવાઈ હતી. જોકે ડક્કા ઓવરો બંધ રહેતા રાજમાર્ગ પર અગાઉના વર્ષો જેવો ઉત્સવનો માહોલ દેખાતો ન હતો. વર્ષો પછી ચોકબજાર નેહરુ બ્રિજથી ગણેશ પ્રતિમાઓ પાલ ઓવારા અને હજીરા મોકલવામાં આવી હતી.

સુરત ના રાજા એવા મહિધરપુરા દાળિયાશેરી ના ગણેશજી ની વિશર્જન યાત્રા રંગે ચંગે ભાગળ ચાર રસ્તા ખાતે આવી પહોંચી હતી. આ પહેલાં ઠેર ઠેર સ્વાગત અને સત્કાર કરાયો હતો. ભાગળ ચાર રસ્તા ખાતે રાષ્ટ્ર ગીત સાથે ઓપરેશન સિંધૂર ના સર્વ લડાયકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ ભારત માતા કી જય ના નાદ સાથે ઝૂમી ઊઠ્યું હતું.

ચોકબજાર ખાતે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા રથ ખેચી ગણપતિને વિદાય આપવામાં આવી હતી. ચોકબજાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાગળ ખાતે સૌ સંતો મહંતોની હાજરીમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી , ધારાસભ્ય અરવિંદ રાણા, પૂર્વ ધારાસભ્ય ઝંખનાબેન તથા ગણેશ ઉત્સવ સમિતિ ના પ્રમુખ અનિલ બિસ્કીટવાળા, મુસ્લિમ સમાજના અગ્રણી કદીર પીરઝાદા સહિત તમામે સ્વાગત કરી સવાર માં નીકળેલી વિસર્જન યાત્રા ને બિરદાવી હતી.

લોકોએ ઘરઆંગણે કર્યું ગણેશ વિસર્જન
એક તરહ શહેરમાં મોટી ગણેશ પ્રતિમાઓનો ટ્રેન્ડ જોવા મળ્યો ત્યાંજ બીજી તરફ અનેક સોસાયટીઓમાં લોકોએ ઘર આંગણે ગણપતિ વિસર્જન કર્યું. શહેરના પીપલોદ અને વેસુ સહિતના વિસ્તારોમાં મોટાભાગના લોકોએ પોતાના ઘર આંગણે કે એપાર્ટમેન્ટમાં જ વિસર્જન કરવાનું નક્કી કર્યું હોય મોટાભાગે બપોર પછી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું.

બાળકોએ ઇકો ફ્રેન્ડલી બપ્પાનું વિસર્જન કર્યું
ભક્તિ, એકતા અને સોહાર્દના મહાપર્વ અનંત ચતુર્દશી પર નાના બાળકોમાં પણ ભરપૂર ઉત્સાહ જોવા મળ્યો હતો. છેલ્લા 10 દિવસ થી શિવાંજલિ રો હાઉસ પુણા પાટિયા ખાતે ઇકો ફ્રેંડલી વિધ્નહર્તા ગણપતિ બાપ્પા નું પરિવાર ના બાળકોના હસ્તે વિસર્જન કરાયું હતું. બાળકોએ અશ્રુભીની આંખે બપ્પાને ભાવપૂર્વક વિદાય આપી હતી.

લિંબાયતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા શરૂ કરાઈ
અતિ સંવેદનશીલ ગણાતા એવા લિંબાયત વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યાત્રા નિકળી હતી. અહીં શાંતિપૂર્ણ રીતે યાત્રા આગળ વધી હતી. પહેલી પ્રતિમા 10.45 કલાકે સંગમ સર્કલ પહોંચી હતી. અહીં હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ ફૂલોથી યાત્રાનું સ્વાગત કર્યું હતું.
મંડળોએ વિસર્જન યાત્રા મોડી કાઢી
શહેરમાં અગાઉના વર્ષોમાં સવારથી જ વિસર્જન યાત્રા શરૂ થઈ જતી હતી પરંતુ આ વર્ષે મંડળો બપોરે 11 વાગ્યા બાદ યાત્રામાં જોડાયા હતા. સુરત શહેરના પાંડેસરા ઉધના સહિતના વિસ્તારોમાં 11 વાગ્યા સુધી પ્રતિમા વિસર્જન માટે નીકળી ન હતી જેને કારણે સ્થાનિક પોલીસ ચોકીના પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને પોલીસ સ્ટાફ સોસાયટીઓમાં જઈ જઈને મંડળોને ગણપતિ વિસર્જન કાઢવા માટે હવે ઉતાવળ કરી હતી.