કપૂરાઈ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી સાત લોકોની ધરપકડ કરી
વડોદરા તારીખ 6
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં કુતરુ ભસવા મુદ્દે બે પાડોશી પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ બંને પક્ષના લોકોએ એકબીજા પર લાકડીઓ તથા પથ્થર વડે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. કપૂરાઈ પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી સાત લોકોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના સોમાતળાવ વિસ્તારમાં ગેસ ગોડાઉન પાછળ રહેતા શિવદેવી રાજકુમાર યાદવ તેમના ઘર સામે રહેતા રામ નરેશ યાદવ પૈસા ઉછીના આપ્યા હતા અને જે પરત માગતા રામ નરેશ યાદવ તેમની સાથે ઝઘડો કર્યો હતો પરંતુ તેમના વચ્ચે સમાધાન થઈ ગયુ હતું. 5 સપ્ટેમ્બરના રોજ રાત્રિના નવ વાગ્યાના સમયે માતા શિવદેવી યાદવ તથા તેમની બે પુત્રી સાથે ઘરે હાજર હતા. દરમિયાન અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી રામ નરેશ યાદવનો છોકરો સુરેન્દ્ર યાદવ ઘરની બહાર શેરીના કુતરાઓ ભસતા હોય ત્યાં આવીને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી શિવદેવી યાદવે કેમ ગાળો બોલે છે તેવું કહેતા આ સુરેન્દ્ર મહિલા પાસે આવી ગાળો બોલી ઝઘડો કર્યા બાદ લાકડીથી હુમલો કર્યો હતો. તેમની દીકરી શિવાની છોડાવવા વચ્ચે પડતા રામ નરેશ યાદવ તથા વિરેન્દ્ર યાદવ તથા અજય રાજભર પણ ધસી આવ્યા હતા અને તેમની દીકરી શિવાનીને માર મારી લાકડીના ફટકા માર્યા હતા. માતા પુત્રીએ બૂમો પાડતા આજુબાજુના ૨હીશો ત્યાં ભેગા થઈ જતા આ ચારેય જણા ત્યાંથી ભાગી ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલી માતા અને પુત્રીઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડી હતી.
શિવદેવી યાદવે વિડીયો બનાવીને જણાવ્યું હતું કે મારી દીકરી ઘરની બહાર બેઠી હતી, ત્યારે સુરેન્દ્રનગર અને અજય તેની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ માતા શિવદેવી ઘરમાંથી બહાર આવતા ધસી આવેલા રામ નરેશ, સુરેન્દ્ર, વિરેન્દ્ર અને અજયે ભેગા મળી ઢોર માર મારી હતો અને મારા કપડા ફાડી નાખ્યા હતા. જેથી મે મારો જીવ બચાવવા માટે સ્થાનિક લોકોના ઘરમાં જવા માટેનો પ્રયાસ કરતી હતી, ત્યારે આ લોકો લાકડીઓ લઈ મારી પાછળ ભાગ્યા હતા. ઉપરાંત કોઈ લોકોએ જો આ મહિલાને ઘરમાં પ્રવેશ આપ્યો છે તો તેમના હાથ પગ તોડી નાખીશું. પોલીસ તો અમારા ખિસ્સામાં રહે છે તેવું આ ચાર લોકો કહેતા હતા. મને તથા મારી છોકરીઓને લાકડીથી માર માર્યો છે. રામ નરેશ ગેરકાયદે ધંધો કરે છે અને માથાભારે હોવાના કારણે સમગ્ર વિસ્તારના લોકો એનાથી ડરે છે.
સામા પક્ષના રામ નરેશ યાદવે ફરિયાદ નોંધાવી છે કે 5 સપ્ટેમ્બરે રાત્રિના સવા નવેક વાગ્યાના અરસામાં હું કામ પરથી બાઇક લઈને ઘરે આવ્યો હતો. ત્યારે ઘર નજીક કૂતરાઓ બેઠા હોય ભસવા લાગ્યા હતા. જેથી મે કુતરાઓને ભગાડતો હતો ત્યાંરે તેના ઘરની સામે રહેતા શિવદેવી યાદવ સાથે અગાઉ મારા પિતા સાથે પૈસા લેતી બાબતે ઝઘડો થયો હતો તેનુ સમાધાન થયું હતું. જુની અદાવતે શિવદેવીએ કેમ બુમો પાડે છે એવું કહી યુવકને ગાળો આપતી હતી. જેથી મેં તેને ગાળો બોલવાની ના પાડતા શિવદેવી તથા તેની બે દીકરીએ લાકડી અને પથ્થર વડે મારા પર હુમલો કર્યો હતો. ત્યારબાદ મારા પિતા રામ નરેશ યાદવ તથા ભાઈ વીરુ વચ્ચે પડતા તેમના પર પણ માતા અને પુત્રીઓએ હુમલો કર્યો હતો.
એસીપી ઈ ડિવિઝન જી ડી પલસાણાએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયો હતો કે ત્રણ મહિલાઓને કપડા કાઢીને દોડાવીને માર મારવામાં આવ્યો છે. જેમાં હકીકત એવી છે કે સોમા તળાવ વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં કુતરા ભસવા બાબતે બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બંને પક્ષોએ સામસામે મારામારી કરી હોય કપુરાઈ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને સાત લોકોની ધરપકડ પર કરી લેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં જે હિન્દીમાં મેસેજ વાયરલ થયો હતો તેનું કોઈ વજુદ નથી.