હવામાન વિભાગની આગાહી સાચી પડી, પંથકમાં મેઘાની જમાવટ..
અવિરત વરસાદથી લીલો દુકાળની પરિસ્થિતિ સર્જવાના એંધાણ, ખેડૂતો ચિંતિત
દાહોદ તા.૦4
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદને લઈ અલગ અલગ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી અવિરત મેઘ મહેર યથાવત રહેતા જિલ્લાના સાત પૈકી છ ડેમો ઓવરફલો થયા છે. જેના પગલે વહીવટી તંત્રે સલામતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે છેલ્લા ત્રણ દિવસથી મેઘાએ જમાવટ કરતા ઉભા પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાના વાદળ જોવા મળી રહ્યા છે.એટલું જ નહીં ભારે વરસાદના પગલે નદી નાળા તળાવ અને કોતરમાં પાણીના તીવ્ર પ્રવાહમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તંત્ર દ્વારા ગાઈડલાઈન જાહેર કરી કેટલાક સ્થળે બંદોબસ્ત પણ ફાળવ્યો છે. સાથે જ લોકોને આવી જગ્યાએ ન જવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા બે, ત્રણ દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ખાસ કરીને દાહોદ સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે. સતત અવિરત વરસાદને પગલે દાહોદ શહેરના તમામ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. જાહેર રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દાહોદ જિલ્લામાં સાત પૈકી 6 ડેમો પણ ઓવરફલો થતાં આસપાસના ગામોને પણ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. નદીઓ બંન્ને કાંઠે વહેતી જોવા મળી હતી. દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારથી સાંજના છ વાગ્યા સુધીમાં ફતેપુરા તાલુકામાં ૨૫ મીમી, ઝાલોદમાં ૬૨ મીમી, લીમખેડામાં ૨૫ મીમી, દાહોંદમાં ૫૦ મીમી, ગરબાડામાં ૩૦ મીમી, દેવગઢ બારીઆમાં ૫૦ મીમી, ધાનપુરમાં ૧૨ મીમી, સંજેલીમાં ૭૩ મીમી અને સીંગવડમાં ૮૭ મીમી નોંધાંયો હતો. સૌથી વધુ વરસાદ સીંગવડમાં ૮૭મીમી નોંધાયો છે.

સાર્વત્રિક વરસાદથી દાહોદ જિલ્લાના 7 મુખ્ય ડેમોમાંથી 6 ડેમ છલકાયા છે
ગરબાડા તાલુકાનો પાટાડુંગરી ડેમ 170.90 મીટર સુધી ભરાયો છે. ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ 277.80 મીટર સુધી ભરાયો છે. દાહોદ તાલુકાનો કાળી-2 ડેમ 257.10 મીટર સુધી ભરાયો છે. ધાનપુર તાલુકાના ઉમરીયા અને અદલવાડા ડેમ અનુક્રમે 280.05 અને 237.35 મીટર સુધી ભરાયા છે. સિંગવડ તાલુકાનો કબુતરી ડેમ 186.60 મીટર સુધી ભરાયો છે.ધાનપુર તાલુકાનો વાકલેશ્વર ડેમ 82.48 ટકા ભરાયો છે. ડેમોના ભરાવાથી ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હળવી થશે. સિંચાઈ માટે પણ પાણીની ઉપલબ્ધતા વધશે.મકાઈ અને સોયાબીન જેવા પાકોને પૂરતો ભેજ મળ્યો છે. આનાથી ઉત્પાદનમાં વધારો થવાની આશા છે. જિલ્લા વહીવટે નીચાણવાળા વિસ્તારો માટે રેસ્ક્યુ ટીમો તૈયાર રાખી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ડેમોના ભરાવાથી ખેતી અને પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.