સુરતના અલથાણ વિસ્તારમાં હૃદયદ્રાવક ઘટની બની હતી. માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગમાં લૂમ્સના કારખાનેદાર વિલેશકુમાર પટેલની પત્ની પૂજા પટેલ (ઉંમર 30) અને તેમના બે વર્ષના એકમાત્ર પુત્ર ક્રિશિવનો 13માં માળેથી પટકાતા મોત નીપજ્યું હતું. માતાએ પુત્ર સાથે આપઘાત કર્યો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. આ સમાચારથી ગણપતિના ઉત્સવનો માહોલ શોકમાં છવાઈ ગયો છે.
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા માર્તન્ડ હિલ્સ બિલ્ડિંગની A વિંગમાં રહેતા લૂમ્સના કારખાનેદારની પત્નીએ બે વર્ષના પુત્ર સાથે 13માં માળેથી પડતું મુક્યું હતું. આ ઘટના બુધવાર સાંજની છે. કારખાનેદારની પત્ની પૂજા A વિંગમાંથી C વિંગમાં ગઈ હતી જ્યાં 13મા માળેથી પહેલા પુત્રને ફેંક્યો અને 12 સેકન્ડ બાદ તે પણ કૂદી ગઈ હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે.
મળતી માહિતી મુજબ બુધવારે સાંજે પૂજા પોતાના પુત્ર સાથે સી વિંગના 13માં માળે બ્લાઉઝનું સ્ટીચીંગ કામ કરાવવા ગઈ હતી. પરંતુ જે ઘરે જવાનું હતું તેનો દરવાજો બંધ હતો. પૂજાએ બેલ વગાડ્યો હતો. બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જોઈ અચાનક જ તેણે પુત્ર સાથે 13માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટના પહેલા માતા-પુત્ર લિફ્ટમાં 13માં માળે જતા હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
માતા અને પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર 20 ફૂટ જેટલા જ અંતરે પડ્યાં હતાં. જ્યારે માતા અને પુત્ર વચ્ચે 8-10 ફૂટનું અંતર હતું. આ અંગે જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. આ ઘટનાથી સોસાયટીમાં માતમ છવાઈ ગયું હતું. થોડી જ વારમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને પૂજા તથા બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સના કર્મચારીઓએ બંનેને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ હોસ્પિટલના ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાને પગલે વિલેશકુમાર અને તેમનો પરિવાર ઊંડા આઘાતમાં સરી પડ્યો છે.