SURAT

ઉકાઈમાં ઈનફ્લો 2.25 લાખ ક્યૂસેક પર પહોંચતા તંત્ર એલર્ટ, તાપીમાં 1.62 લાખ ક્યૂસેક પાણી છોડાયું

સુરતઃ રાજ્યના 125 તાલુકામાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યાં બીજી તરફ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના લીધે ઉકાઈ ડેમમાં પાણીનો ઈનફલો ઉત્તરોત્તર વધી રહ્યો છે.

  • ઉકાઈ ડેમની સપાટી એલર્ટ લેવલને પારઃ દોઢ લાખ ક્યૂસેક પાણી છોડાયું, તાપી બે કાંઠે વહેતી થઈ

આજે તા. 4 સપ્ટેમ્બરની સાંજે 4 કલાકે ઉકાઈ ડેમમાં પાણી આવક (ઈનફ્લો) વધીને 2.25 લાખ ક્યૂસેક પર પહોંચી ગયો છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના તંત્ર દ્વારા પાણીની જાવક વધારવામાં આવી છે. હાલમાં ઉકાઈ ડેમમાંથી 1.61 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આથી તાપી બે કાંઠે વહેતી થઈ છે.

પાછલા 24 કલાકમાં ઉકાઈમાં પાણીની આવકમાં ભારે વધારો
ઉપરવાસમાં વરસી રહેલાં ભારેથી અતિભારે વરસાદના લીધે ઉકાઈ ડેમમાં પાછલા 24 કલાકમાં લગભગ 75 હજાર ક્યૂસેક પાણીની આવક વધી છે. ગઈકાલે તા. 9 સપ્ટેમ્બરની સાંજે 4 કલાકે ઉકાઈ ડેમમાં પાણીનો ઈનફ્લો 1,43,431 લાખ ક્યૂસેક હતો જે તા. 4 સપ્ટેમ્બરને આજે સાંજે 4 કલાકે 2,25,711 લાખ ક્યૂસેક પર પહોંચ્યો છે.

બપોરે 12 વાગ્યા બાદ અચાનક ઉકાઈ ડેમની સપાટીમાં ઝડપથી વધારો થવા માંડ્યો હતો. બપોરે 12 વાગ્યે ઈનફ્લો 1.33 લાખ ક્યૂસેક હતો જે 2 વાગ્યે વધીને 1.70 લાખ ક્યૂસેક અને 4 વાગ્યે 2.25 લાખ ક્યૂસેક થયો હતો. સતત ઈનફ્લો વધવાના લીધે તંત્રએ આઉટફ્લો વધારવાની ફરજ પડી છે.

ગઈકાલે સાંજે 4 વાગ્યે ડેમમાંથી 1.11 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું હતું, તે આજે સાંજે 4 કલાકે વધારીને 1,62,144 લાખ ક્યૂસેક કરાયું છે. તા. 4 સપ્ટેમ્બર 2025ની સાંજે 4 કલાકે ઉકાઈ ડેમની સપાટી 337.53 ફૂટ પર પહોંચી છે.

ઉકાઈ ડેમ 80 ટકા ભરાયો, સપાટી એલર્ટ લેવલને પાર
ઉકાઈ ડેમમાં પાણીનું ભરાવુ ઝડપથી વધી રહ્યું છે. ગઈકાલે બુધવારે જ ડેમની સપાટી એલર્ટ લેવલને વટાવી ચૂકી હતી. ગઈકાલે ડેમની સપાટી 337.04 ફૂટ પહોંચી હતી. જ્યારે ડેમનું એલર્ટ લેવલ 336.34 ફૂટ હતું. આજે ડેમની સપાટી 337.53 ફૂટે પહોંચી ગઈ છે. તેથી ડેમ હાલ એલર્ટ લેવલ ઉપર મુકાયો છે. ડેમનું રૂલ લેવલ 340 ફૂટ છે. હાલ ડેમ 80 ટકા ભરાયો હોવાનું સત્તાવાર આંકડા જણાવે છે. ઓગસ્ટ મહિનાના અંતે ડેમમાં પાણીનો ભરાવ 80 ટકા છે. હવે સતત ઉપરવાસમાં વરસાદ ચાલુ રહેતા ડેમના સ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. જો ડેમ રૂલ લેવલ 340 ફૂટની નજીક પહોંચશે તો હાઈએલર્ટ જાહેર કરવાની શક્યતા રહેશે.

બે દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને લીધે તંત્ર એલર્ટ
બે દિવસથી ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે. બુધવારે સાંજે ડેમમાં 1.11 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. તેની સામે 79 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું. ઉપરવાસના અન્ય ડેમોમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું હતું. બુધવારે હથનુરમાંથી 78 હજાર ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 1.02 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.

Most Popular

To Top