Gujarat

સવારથી રાજ્યના 125 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં પડ્યો, હવામાન વિભાગની મોટી આગાહી

આજે તા. 4 સપ્ટેમ્બર 2025ની સવારથી રાજ્યમાં વાદળો વરસી રહ્યાં છે. રાજ્યના 125 તાલુકામાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. આ અગાઉ ગઈકાલે રાત્રે બેથી અઢી કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો.

  • સાત દિવસ ભારે વરસાદની આગાહી, સુરત-ભરૂચ-આણંદ માટે ભારે

દરમિયાન હવામાન વિભાગે આગામી સાત દિવસ તા. 10 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગના ડિરેક્ટર ડો. એ.કે. દાસે કહ્યું કે, આવનારા 5 દિવસ રાજ્યમાં વરસાદની શક્યતા છે. પવનની ગતિ વધીને 30થી 40 કિ.મી. પ્રતિ કલાક રહે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે. તેના લીધે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે એલસીએસ-3 લગાવવામાં આવ્યું છે.

રાજ્યમાં હાલમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે. પૂર્વ ભાગમાં સક્રિય થયેલા લો પ્રેશર સિસ્ટમ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે.

આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આજે તા. 4 સપ્ટેમ્બરના રોજ 4થી 7 વાગ્યા સુધી વરસાદને લઈને આગાહી કરી છે. ખાસ કરીને આણંદ, ભરૂચ, સુરત અને ભાવનગરમાં ભારે વરસાદને માટેનું રેડ એલર્ટ આપ્યું છે. મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ માટે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

સવારથી રાજ્યના 125 તાલુકામાં વરસાદ પડ્યો
આજે તા. 4 સપ્ટેમ્બર સવારના 6થી 2 વાગ્યા સુધીમાં રાજ્યાના 125 તાલુકામાં વરસાદ પડ્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 2.83 ઈંચ તો સૌથી ઓછો ભરૂચના અમોદમાં 1 મિમી વરસાદ પડ્યો છે. બીજી તરફ ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની સપાટી 135.47 મીટર સુધી પહોંચી છે.

સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે 3 સપ્ટેમ્બરના રાતથી તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ, કેનાલ મારફતે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 10 સેમીનો વધારો નોંધાયો છે. વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Most Popular

To Top