Columns

ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેબલ કોઈન્સના શસ્ત્રથી અમેરિકાની તાકાત વધારવા માગે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાના અનેક દેશો સામે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યું તેની સાથે સ્ટેબલ કોઈન્સ નામનું નવતર શસ્ત્ર પણ ઉગામ્યું છે, જેના પર બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે. આજે દુનિયામાં બિટકોઈન્સ જેવી સંખ્યાબંધ ક્રિપ્ટો કરન્સી ચાલી રહી છે, જેના પર કોઈનો અંકુશ નથી અને જેના ભાવો પણ સ્થિર નથી. દાખલા તરીકે બિટકોઈન્સના ભાવોમાં એટલી બધી વધઘટ ચાલી રહી છે કે તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિનિમય તરીકે કરી શકાતો નથી.

હાલ તો બિટકોઈન્સનો ઉપયોગ રોકાણના માધ્યમ તરીકે કરવામાં આવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં GENIUS એક્ટ પર હસ્તાક્ષર કર્યા, જેના વડે આંતરરાષ્ટ્રીય વેપારમાં સ્ટેબલ કોઇન્સના માધ્યમથી ચૂકવણી માટેનું નિયમનકારી માળખું સ્થાપિત કરવામાં આવ્યું છે. આ કાયદા દ્વારા ક્રિપ્ટો કરન્સી સાથે અમેરિકન સરકારના જોડાણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કાયદા મુજબ સ્ટેબલ કોઈન્સને અમેરિકાના ડૉલર સાથે જોડી દેવામાં આવ્યા છે. તેનો અર્થ એવો થાય છે કે એક સ્ટેબલ કોઈનનો ભાવ કાયમ માટે એક અમેરિકન ડૉલર જેટલો જ રહેશે. જો સ્ટેબલ કોઈનનો ભાવ સ્થિર રહે તો ધીમે ધીમે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિનિમયના સાધન તરીકે તે અમેરિકન ડૉલરનું સ્થાન લઈ લેશે. ટેથર અને યુએસડી કોઈન જેવા લોકપ્રિય સ્ટેબલ કોઈનને યુએસ ડૉલરનો ટેકો છે. નવાઇની વાત એ છે કે આ બંને સ્ટેબલ કોઈન ડોનાલ્ડ ટ્રમ્પની કંપની ક્રિપ્ટો વેન્ચર વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ (WLFI) દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, જેને GENIUS એક્ટ દ્વારા અમેરિકન સંસદે માન્યતા આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પનાં આ પગલાંએ તેમના વેપારી તરીકેનાં વ્યક્તિગત રોકાણો અને અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના નીતિગત નિર્ણયોને એકબીજા સાથે જોડી દીધા છે. ૨૦૨૫ માં તેમના ક્રિપ્ટો વેન્ચર વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ (WLFI) ના ટોકન લોન્ચ સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પરિવારે તેની સંપત્તિમાં પાંચ અબજ ડૉલરનો જંગી વધારો નોંધાવ્યો છે. અબુ ધાબીનું સોવરિન ફંડ, ટ્રોનના સ્થાપક જસ્ટિન સન, દુબઈના ધનાઢ્ય રોકાણકારો અને પાકિસ્તાનના લશ્કરી શાસકો તથા ઉચ્ચ સરકારી અધિકારીઓ ડોનાલ્ડ ટ્રમ્પના વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલમાં મુખ્ય સમર્થકો છે, જેના કારણે તેની પહોંચમાં વધારો થયો છે.

સ્ટેબલ કોઈન્સને વિશ્વસનીયતા પ્રદાન કરવા માટે GENIUS એક્ટ પસાર કરવા પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની ઊંડી રાજકીય અને આર્થિક ચાલ છે. ડોનાલ્ડ ટ્રમ્પને ખબર છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિનિમયનાં સાધન તરીકે અને રિઝર્વ કરન્સી તરીકે ડૉલરની ઉપયોગિતા અને વિશ્વસનીયતા ઘટી રહી છે. બ્રિક્સના દેશોએ તો આપસમાં ચીનના યુઆન અને ભારતના રૂપિયામાં વેપાર કરવાનો શરૂ પણ કરી દીધો છે, જેને કારણે ડૉલરનું સ્થાન ડગમગી ગયું છે.

ડોનાલ્ડ ટ્રમ્પ એક બાજુ દુનિયાના દેશો ઉપર આડેધડ ટેરિફ ઝીંકી રહ્યા છે તો બીજી તરફ તેઓ તેમને સ્ટેબલ કોઈન્સમાં વેપાર કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેમનો ઇરાદો એવો છે કે અમેરિકાના આકરા ટેરિફથી બચવા માટે દુનિયાના દેશો અને વેપારીઓ જો વિનિમયનાં સાધન તરીકે ડૉલરને બદલે સ્ટેબલ કોઈન્સનો ઉપયોગ કરવા માંડે તો તેમને ટેરિફ ચૂકવવો પડે નહીં, કારણ કે સ્ટેબલ કોઈન્સની લેવડદેવડ કરવા માટે પારંપરિક બેન્કિંગ ચેનલની જરૂર પડતી નથી.

પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ (PCC) ની સ્થાપના પાકિસ્તાનમાં ૧૪ માર્ચ ૨૦૨૫ના રોજ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય દેશને દક્ષિણ એશિયાનું ક્રિપ્ટો હબ બનાવવાનો હતો. પછીના મહિને, ૨૬ એપ્રિલના રોજ, એટલે કે પહેલગામ હુમલાના માત્ર ચાર દિવસ પછી, PCC એ ટ્રમ્પ પરિવાર સાથે જોડાયેલી કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ સાથે કરાર કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રો એરિક અને ટ્રમ્પ જુનિયર અને જમાઈ જેરેડ કુશનરવર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલમાં ૬૦ ટકા હિસ્સો ધરાવે છે.

કંપનીનો દાવો છે કે તે પાકિસ્તાનમાં બ્લોકચેન ઇનોવેશન, સ્ટેબલ કોઇન્સ અને નાણાંકીય વ્યવસ્થાના અમલીકરણને વેગ આપવામાં મદદ કરશે. પાકિસ્તાન જેવા દેશ સાથે કરાર કરવાનો અર્થ એ છે કે કંપનીને કરોડો લોકોના મોટા બજારમાં પ્રવેશ મળ્યો છે. આ સોદામાં પાકિસ્તાની વડા પ્રધાન, આર્મી ચીફ, નાયબ વડા પ્રધાન, માહિતી મંત્રી, સંરક્ષણ મંત્રી અને નાણાં મંત્રીનો પણ સમાવેશ થતો હતો. તે જ સમયે કંપની વતી સ્થાપકો ઝાચેરી ફોકમેન અને ઝાચેરી વિટકોફ પણ હાજર હતા. ઝાચેરી મધ્ય પૂર્વમાં ટ્રમ્પના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફના પુત્ર છે.

અમેરિકન મીડિયાના રિપોર્ટ અનુસાર જ્યારે પાકિસ્તાને બ્લોકચેન અને ક્રિપ્ટો અપનાવવા માટે WLF સાથે કરાર કર્યો, ત્યારે તેણે કંપનીને એક પ્રકારની સરકારી માન્યતા પણ આપી હતી. આના કારણે તેના (WLFIના) ટોકનના મૂલ્યમાં ઝડપથી વધારો થયો હતો. આ લોન્ચ પછી ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારની સંપત્તિમાં અબજો ડૉલરનો વધારો થયો, પરંતુ આ લાભ ફક્ત પૈસા પૂરતો મર્યાદિત નથી. તે એક રાજકીય મૂડી પણ છે. પાકિસ્તાનમાં આવા સોદા સીધા વડા પ્રધાન અને આર્મી ચીફના સ્તરે થયા હતા. આનો અર્થ એ થયો કે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારના હવે પાકિસ્તાન સાથે માત્ર રાજદ્વારી સ્તરે જ નહીં, વ્યાવસાયિક સ્તરે પણ ઊંડા સંબંધો છે.

આ કરાર પછી ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત પ્રત્યેનું વલણ બદલાયું છે. પાકિસ્તાની વ્યવસાયમાં ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારની સંડોવણીને કારણે ઘણા નિષ્ણાતો માને છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને બદલે પાકિસ્તાનની તરફેણ કરી રહ્યા છે. અમેરિકાએ પાકિસ્તાન પર ફક્ત ૧૯ ટકા ટેરિફ લાદ્યો છે, પણ તેમણે અગાઉ ભારત પર ૨૫ ટકા ટેરિફ લાદ્યો હતો, જેને વધારીને ૫૦ ટકા કર્યો હતો. સંભવ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનની સરકાર સાથે બ્લોકચેન ટેકનોલોજી અને ક્રિપ્ટો કરન્સી અપનાવવા માટે જે પ્રકારના કરાર કર્યા તેવા કરાર કરવાની તેમણે ભારતની સરકારને પણ ઓફર કરી હોય પણ ભારત સરકારે તે ઓફર ન સ્વીકારી હોય તેની સજા ભારતને કરવામાં આવી છે.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જેક સુલિવને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર દેશ કરતાં પોતાનાં અંગત હિતોનું ધ્યાન રાખવાનો આરોપ લગાવ્યો છે. સોમવારે એક યુટ્યુબ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે ટ્રમ્પે પાકિસ્તાન સાથેના પારિવારિક વ્યવસાય ખાતર ભારત સાથે અમેરિકાના સંબંધો બગાડ્યા છે. સુલિવાને કહ્યું કે ટ્રમ્પના નિર્ણયનું નુકસાન આખા દેશને ભોગવવું પડશે. તેમણે કહ્યું કે ટ્રમ્પે પોતાના અંગત ફાયદા માટે ભારત-પાકિસ્તાન સંઘર્ષ રોકવાનો દાવો કર્યો હતો. આ ટ્રમ્પની વિદેશ નીતિનું એક પાસું છે, જે મુદ્દો હજુ સુધી ઉઠાવવામાં આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાની વિદેશ નીતિથી ભટકીને પાકિસ્તાન અને આર્મી ચીફ અસીમ મુનીરને ખુશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે અમેરિકા હંમેશા ભારત સાથે સારા સંબંધો રાખવા માંગે છે. ભારત સાથે સારા સંબંધો રાખવાથી અમેરિકાને ફાયદો થાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે એક સમયે ક્રિપ્ટો કરન્સીનો વિરોધ કર્યો હતો, પણ તેમણે તેમના બીજા કાર્યકાળમાં તેમને ખૂબ જ સ્વીકારી છે અને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે અમેરિકાને ક્રિપ્ટોની વૈશ્વિક રાજધાની બનાવવાનું વચન આપ્યું છે. ૨૦૨૫ના જુલાઈમાં તેમણે જીનિયસ એક્ટ પર હસ્તાક્ષર કર્યા, જે સ્ટેબલ કોઈન્સ માટેનો પ્રથમ મુખ્ય ફેડરલ કાયદો હતો. વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલના USD1 સ્ટેબલ કોઇનને યુએસ ડૉલર સાથે જોડી દેવામાં આવે છે, જે તેને અન્ય ક્રિપ્ટો કરતા ઓછા અસ્થિર બનાવે છે. વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર અને અન્ય નજીકના લોકો WLFI ટોકન્સના ૨૦ ટકાથી વધુ માલિકી ધરાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના ટીકાકારો કહે છે કે કોઈ પણ આધુનિક અમેરિકન રાષ્ટ્રપતિએ રાજકીય કાર્યાલયને આટલી મોટી કૌટુંબિક સંપત્તિમાં ફેરવ્યું નથી. આનાથી વૈશ્વિક સ્તરે નૈતિક અને નિયમનકારી પ્રશ્નો ઊભા થાય છે. વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ અને ડોનાલ્ડ ટ્રમ્પના અન્ય ક્રિપ્ટો સાહસોએ વોચડોગ જૂથો અને ડેમોક્રેટિક નેતાઓમાં ચિંતા ઊભી કરી છે. તેઓ કહે છે કે ક્રિપ્ટો ઉદ્યોગનું નિયમન કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પની ખાનગી વ્યવસાયમાં સંડોવણી હિતોના સંઘર્ષ તરફ દોરી શકે છે. જ્યારે દેશના એક મોટા વેપારીને રાષ્ટ્રપતિ બનાવવામાં આવે ત્યારે વેપાર અને રાજકારણની ભેળસેળ થાય તે સ્વાભાવિક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top