GST કાઉન્સિલની બેઠક આજે બુધવારે તા. 3 સપ્ટેમ્બર 2025થી શરૂ થઈ ગઈ છે અને આવતીકાલે તા. 4 સપ્ટેમ્બરે તેના પર મોટો નિર્ણય આવે તેવી અપેક્ષા છે. સરકારે GSTના હાલના 4 ટેક્સ સ્લેબને ઘટાડીને 2 સ્લેબ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. કેટલીક પ્રોડક્ટ્સ પર ટેક્સ વધારવાનો પણ ઉલ્લેખ છે. જો સરકારના આ પ્રસ્તાવને કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવે છે, તો ઘણી વસ્તુઓના ભાવમાં મોટો ઘટાડો થશે.
- આવતીકાલે ગુરુવારે તા. 4 સપ્ટેમ્બરે GST અંગે મોટા નિર્ણયનો દિવસ છે
- સામાન્ય લોકો સાથે જોડાયેલી ઘણી વસ્તુઓના ભાવ ઘટવાની અપેક્ષા
વાસ્તવમાં, 15 ઓગસ્ટના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી નવા GST સુધારાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે. નાણા મંત્રાલય દ્વારા GST સ્લેબ ઘટાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ જાહેરાત પછી GST કાઉન્સિલની પહેલીવાર બેઠક થઈ રહી છે અને તેમાં GST સ્લેબમાં ઘટાડાને મંજૂરી આપવામાં આવી શકે છે, જેનો અમલ દિવાળીથી થઈ શકે છે.

હાલમાં GST હેઠળ ચાર સ્લેબ છે, જેમાં 5%, 12%, 18% અને 28%નો સમાવેશ થાય છે. કાઉન્સિલના નિર્ણય પછી 5% અને 18% ના બે સ્લેબમાં બદલાઈ શકે છે. આવી સ્થિતિમાં કપડાં, જૂતા, AC, ટીવી અને કાર-બાઈક સહિતની બધી વસ્તુઓની કિંમત ઘટે તેવી અપેક્ષા છે. હાલમાં એસી, સિમેન્ટ, કાર-એસયુવી, એરેટેડ ડ્રિંક્સ, સિગારેટ, પાન મસાલા પર 28 ટકા જીએસટી છે. જે આ પૈકી કેટલીક ચીજો પર ઘટે તેવી અપેક્ષા છે.
આરોગ્ય અને જીવન વીમાને GSTમાંથી મુક્તિ
એક પ્રસ્તાવ છે કે આરોગ્ય અને જીવન વીમા પ્રીમિયમને GSTમાંથી મુક્તિ આપવી જોઈએ. એટલે કે, તેના પર 0% કર લાદવો જોઈએ. જોકે, આનાથી આવકમાં ઘટાડો થશે અને એક અંદાજ મુજબ વાર્ષિક રૂ. 9,700 કરોડનું મહેસૂલ નુકસાન થશે.