આપણે શાંતિથી બેઠા હોઇએ અને શાળાના વિચારો આવતા જ એ શારદામાતાનાં સ્થાનને ભાવપૂર્ણ વંદન કરવાનું મન થાય. અહીંથી જ બાળકોના ઘડતરનો પાયો નંખાય છે. સારા સંસ્કારો પ્રાપ્ત થાય છે, જ્યારે આજે તો થાય છે કે શાળાને સંસ્કારનું મંદિર ગણવુ કે હિંસાનું મેદાન કહેવું એ જ સમજાતું નથી. શાળાના પટાંગણમાં રમતો રમવાની હોય એની જગ્યાએ અહીંયા તો વિદ્યાર્થીઓ દ્વારા ઉગ્ર વર્તન, મારામારી અને હિંસક પ્રવૃત્તિઓ સ્થાન જમાવી રહી છે. આવા પવિત્ર ગણાતા સ્થાનમાં વિદ્યાર્થીઓ ગુંડાગીરી કરે, શિક્ષકોને ધમકાવે અને સહાધ્યાયીઓ પર હુમલો કરે, હત્યા કરે એ તો સમાજ માટે આ એક ચિંતાનો વિષય બને છે.
પરિવારમાંથી મળતા સંસ્કારો તો ક્યાંય નજરે પડતા નથી. શિક્ષકોએ કડક શિસ્ત સાથે સંવેદનશીલ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવું પડશે. શાળાઓએ કાઉન્સેલીંગ, રમત-ગમત તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની વૃત્તિને સકારાત્મક દિશામાં વાળવી જોઇએ. આજના વિદ્યાર્થી આવતી કાલનું ભવિષ્ય છે. જો એમની આજ જ આટલી ખરાબ હશે તો આવતી કાલ કેવી હશે? આ માટે પરિવાર, સમાજ અને શાસન તંત્રએ સંયુક્ત જવાબદારી લેવી પડશે તો જ આવનારા ભવિષ્યને આપણે સુધારી શકીશું.
અડાજણ, સુરત- શીલા સુભાષ ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.