Columns

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વસાહતીઓ વિરુદ્ધ કેમ અચાનક વિરોધ ફાટી નીકળ્યો છે?

ભારતના લોકો દુનિયાના દરેક દેશોમાં વસેલા છે. ભારતના લોકોની ખ્યાતિ છે કે તેઓ દૂધમાં સાકરની જેમ સ્થાનિક પ્રજા સાથે ભળી જાય છે, તો પણ ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના લોકોનો વિરોધ વધી રહ્યો છે. રવિવારે હજારો ઓસ્ટ્રેલિયનોએ દેશનાં ૨૦ શહેરોમાં મોટાપાયે બહારથી આવેલા લોકો સામે માર્ચ કાઢી હતી. આ માર્ચમાં ઓસ્ટ્રેલિયનો દ્વારા ભારતીય મૂળના લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે તેઓ ભારતીયોનો વિરોધ કેમ કરી રહ્યા છે? અને તેમને પ્રોત્સાહન કોના દ્વારા આપવામાં આવી રહ્યું છે. ઓસ્ટ્રેલિયામાં મોટાભાગની વસ્તી વસાહતીઓની છે.   ઓસ્ટ્રેલિયામાં ભારતમાં જન્મેલા લોકો બ્રિટીશરો પછીનું બીજા ક્રમનું સૌથી મોટું સ્થળાંતરીત જૂથ છે. જૂન ૨૦૨૩ સુધીમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના ૮.૪ લાખ રહેવાસીઓ હતા. ૨૦૨૪ માં ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં તેમની કુલ સંખ્યા માત્ર ૩.૨ ટકા હતી. તેમ છતાં વધતી જતી મોંઘવારી, રહેઠાણ સંકટ અને બેરોજગારીનો સામનો કરી રહેલા ઓસ્ટ્રેલિયનો દ્વારા ભારતીયોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતીયોનું સ્થળાંતર વર્ષ ૨૦૦૦થી સતત વધી રહ્યું છે. શાસક અને વિપક્ષ ઓસ્ટ્રેલિયન રાજકારણીઓ ભારતીય સમુદાયના સકારાત્મક યોગદાનને સ્વીકારે છે. તેનાથી વિપરીત, શ્વેત સર્વોપરિતાવાદીઓ અને કેટલાક જમણેરી જૂથોને લાગે છે કે ખ્રિસ્તી ધર્મ સિવાય અન્ય ધર્મોના લોકો અને રંગના લોકોએ અહીં રહેવું જોઈએ નહીં. આવાં સંગઠનો ભારતીયો વિરુદ્ધ રેલીઓનું આયોજન કરી રહ્યાં છે. તેમના દ્વારા જ રવિવારે વિવિધ શહેરોમાં ભારતથી આવેલા લોકો વિરુદ્ધ માર્ચનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. માર્ચ ફોર ઓસ્ટ્રેલિયાના આયોજકોએ તેમના પેમ્ફલેટમાં ખાસ કરીને ભારતીયોને ટાર્ગેટ કર્યા છે. તેમાં લખવામાં આવ્યું હતું કે પાંચ વર્ષમાં આવેલા ભારતીયોની સંખ્યા ૧૦૦ વર્ષમાં આવેલા ગ્રીક અને ઇટાલિયનોની સંખ્યા કરતાં વધુ છે. ઘણા લોકો માને છે કે ભારતીય મૂળના લોકો લિબરલ પાર્ટીને ટેકો આપે છે અને ભવિષ્યમાં ચૂંટણીનાં પરિણામોને પ્રભાવિત કરી શકે છે. એન્થોની અલ્બેનીસની સરકારે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનના આયોજકો નિયો-નાઝી તત્ત્વો સાથે જોડાયેલા હતા.

માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા એક પ્રકારનું આંદોલન છે, જેમાં આવનારા સમયમાં યોજાનારી રેલીઓ વિશે માહિતી આપવામાં આવે છે. આ આંદોલન અંતર્ગત ઇમિગ્રેશન વિરોધી રેલીઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા વેબસાઇટ જણાવે છે કે વર્ષોથી ઓસ્ટ્રેલિયાની એકતા અને સહિયારા મૂલ્યો આપણને વિભાજીત કરતી નીતિઓ અને ચળવળો દ્વારા ક્ષીણ થઈ રહ્યા છે. આપણા શેરીઓમાં ઓસ્ટ્રેલિયા વિરોધી નફરત, વિદેશી સંઘર્ષ અને તૂટેલા વિશ્વાસના વધતા પ્રદર્શનો જોવા મળ્યા છે, જ્યારે મોટાપાયે સ્થળાંતરે આપણા સમુદાયોને એક સાથે રાખતા બંધનો તોડી નાખ્યા છે. આ માર્ચ ઓસ્ટ્રેલિયાનું નિર્માણ કરનારા લોકો, સંસ્કૃતિ અને રાષ્ટ્ર માટે એક અવાજ છે. માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા ઝુંબેશ હેઠળની રેલીઓ એ હકીકત પર આધારિત છે કે તેઓ ઓસ્ટ્રેલિયામાં વિદેશી ધ્વજ ઇચ્છતા નથી અને મોટા પાયે સ્થળાંતરનો અંત ઇચ્છે છે. માર્ચ ફોર ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર ૮૦ ટકા ઓસ્ટ્રેલિયનો ઓછું સ્થળાંતર અને ઓછું ઇમિગ્રેશન ઇચ્છે છે.

આ વેબસાઇટ દ્વારા TAPRI, ૨૦૨૫ ને ટાંકીને આ ડેટા આપવામાં આવ્યો છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મોટાભાગના ઓસ્ટ્રેલિયનો માને છે કે તેમના અવાજોને અવગણવામાં આવી રહ્યા છે. જ્યારે ત્રણમાંથી એક વ્યક્તિ વિદેશમાં જન્મ્યો હતો ત્યારે આપણે એક રાષ્ટ્ર તરીકે કોણ છીએ? વસાહતીઓ દ્વારા આપણો ધ્વજ સળગાવવો એ કોઈ નિશાની નહોતી, તે એક ચેતવણી હતી. આપણે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. વાસ્તવિકતા સંપૂર્ણપણે અલગ લાગે છે. માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા હેઠળની રેલીઓમાં ભારતીય ઇમિગ્રન્ટ્સને નિશાન બનાવવામાં આવ્યા હતા, કારણ કે રેલીઓમાં જૂઠાણું ફેલાવવામાં આવ્યું હતું કે ભારતમાંથી ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા વધુ છે, જ્યારે બહાર પાડવામાં આવેલો ડેટા અલગ જ સત્ય કહે છે.

સ્ટેટિસ્ટાના ડેટા અનુસાર, ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના ૩૩ ટકા બ્રિટિશ અને ૨૯.૯ ટકા ઓસ્ટ્રેલિયન છે. આ ઉપરાંત, ૯.૫ ટકા આઇરિશ, ૮.૬ ટકા સ્કોટિશ, ૫.૫ ટકા ચાઇનીઝ, ૪.૪ ટકા ઇટાલિયન, ૪ ટકા જર્મન અને ૩.૨ ટકા ભારતીય છે. આ ઉપરાંત૨. ૯ ટકા ઓસ્ટ્રેલિયનના મૂળ રહેવાસીઓ, ૧.૭ ટકા ગ્રીક અને ૪.૭ ટકા અનિશ્ચિત પણ છે. માર્ચ ફોર ઓસ્ટ્રેલિયાએ આ વિરોધ પ્રદર્શનોને સાંસ્કૃતિક પરિવર્તન જેવા મુદ્દાઓ સાથે જોડ્યાં છે. તેમનાં નિવેદનો માત્ર ઉશ્કેરણીજનક નથી, પરંતુ ભારતીય સમુદાયને ઇરાદાપૂર્વક નિશાન બનાવવાનો ઇરાદો પણ દર્શાવે છે. કેટલાક વિરોધીઓએ ઓસ્ટ્રેલિયન ધ્વજ લહેરાવ્યા હતા, જ્યારે અન્ય લોકોએ જાતિવાદી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનો ઓસ્ટ્રેલિયાનાં સિડની, મેલબોર્ન, બ્રિસ્બેન, કેનબેરા, એડિલેડ, પર્થ જેવાં શહેરોમાં થયા હતા. વિરોધીઓનો દાવો છે કે ઇમિગ્રેશનને કારણે હાઉસિંગ કટોકટી ઊભી થઈ છે અને માળખાગત સુવિધાઓ પર દબાણ વધ્યું છે.

ઓસ્ટ્રેલિયામાં લગભગ અડધી વસ્તી કાં તો વિદેશમાં જન્મેલી છે અથવા તેમના માતા-પિતા વિદેશમાં જન્મેલા છે. તાજેતરનાં વર્ષોમાં ત્યાં જમણેરી કોમવાદી પ્રવૃત્તિમાં વધારો જોવા મળ્યો છે. ઓક્ટોબર ૨૦૨૩ માં ઇઝરાયલ-ગાઝા યુદ્ધની શરૂઆતથી સિનાગોગ, ઇમારતો અને કાર પર યહૂદી વિરોધી હુમલાઓના પ્રત્યાઘાતના રૂપમાંઆ વર્ષે નાઝી સલામી અને ઉગ્રવાદી પ્રતીકોના પ્રદર્શન અથવા વેચાણ પર પ્રતિબંધ મૂકતા નવા કાયદા અમલમાં આવ્યા છે, જેના ઉલ્લંઘન માટે ફરજિયાત જેલની સજા છે. સોશિયલ મીડિયા પર રેલીનો પ્રચાર કરી રહેલા લોકોનો પ્રોફાઇલ સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ કોણ છે. તેમાંના મોટાભાગના સ્ત્રીની સમાનતાના વિરોધી, શ્વેત સર્વોપરિતાવાદી અને આબોહવા પરિવર્તનની થિયરીનો ઇનકાર કરનારા છે.  તેમાંના ઘણા ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો, ગર્ભપાત વિરોધી કાર્યકરો અને ષડ્યંત્ર સિદ્ધાંતોના સમર્થકો છે.

રેલીઓમાં નેશનલ સોશિયાલિસ્ટ નેટવર્ક (NSN) નામનું એક નિયો-નાઝી જૂથ પણ હાજર હતું. આ જૂથના નેતા થોમસ સેવેલ સ્ટેજ પરથી ભાષણ આપતા જોવા મળ્યા હતા. સેવેલના જૂથે અગાઉ ઓસ્ટ્રેલિયાના સ્વદેશી આદિવાસીઓના મેળાવડાઓ પર હુમલો કર્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં થોમસ સેવેલ નાઝી પ્રતીક પહેરીને ભાષણ કરતા હતા. બીજા એક એકાઉન્ટએન્ટિ-ફેમિનિસ્ટ ઓસ્ટ્રેલિયાએ ૨૪ કલાકમાં NSNની પ્રશંસા કરતી ડઝનબંધ પોસ્ટ લખી હતી અને એમ પણ લખ્યું કે મહિલાઓને મતદાનનો અધિકાર આપવો તે ભૂલ હતી. વન નેશનના નેતા પૌલિન હેન્સન, કેનબેરામાં પાર્ટીના સભ્ય સેનેટર માલ્કમ રોબર્ટ્સ અને ટાઉન્સવિલેમાં ફેડરલ સાંસદ બોબ કેટરે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. સિડનીમાં લગભગ આઠ હજાર લોકોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને પર્થમાં લગભગ પાંચ હજાર લોકોએ કૂચ કરી હતી. આ રેલીઓ માટે દિવસો સુધી મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયન સેનેટર જેમ્સ પેટરસન કહે છે કે ઘણા ઓસ્ટ્રેલિયનો ઇમિગ્રેશન કાયદાઓ પર ગંભીર વિચારો ધરાવે છે, પરંતુ તેમણે ચેતવણી આપી હતી કે રેલીઓમાં નિયો-નાઝીઓ હાજર છે. તેમણે ભારતીય ઓસ્ટ્રેલિયનો સહિત અન્ય સમુદાયોને નિશાન બનાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તેને ખોટું અને શરમજનક ગણાવ્યું હતું. વિપક્ષી નેતા સુસાન લેએ લોકોને અપીલ કરી કે નફરત અને ભયને દેશની સામાજિક એકતાનો નાશ ન કરવા દે. ઓસ્ટ્રેલિયાના કેન્દ્રીય મંત્રી મુરે વોટે આ માર્ચની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે માર્ચ ફોર ઓસ્ટ્રેલિયા રેલીનો હેતુ સામાજિક સંવાદિતા વધારવાનો નથી. અમે આવી રેલીઓને સમર્થન આપતા નથી, જે સમુદાયોને વિભાજીત કરે છે અને નફરત ફેલાવે છે. એટર્ની જનરલ જુલિયન લીઝરે કહ્યું કે મેં તે ચોક્કસ વિરોધ પ્રદર્શનની કેટલીક સામગ્રી જોઈ છે. તેમાં ભારત વિરોધી અને યહૂદી વિરોધી લાગણીઓ પ્રદર્શિત થઈ રહી છે. આ ઘટનાઓ ઓસ્ટ્રેલિયા માટે ખરેખર ચિંતાજનક છે.

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top