અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા શકરી તળાવમાં ત્રણ છોકરાઓ ડૂબી જવાની ઘટના બની છે. યુવકો ડૂબ્યાનો કોલ મળતા ફાયર બ્રિગેડને કોલ મળતા પ્રહલાદનગર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જવા માટે રવાના થઇ હતી. મળતી માહિતી પ્રમાણે ત્રણ યુવકોના મૃતદેહ તળાવમાંથી બહાર કઢાયા છે.
સરખેજના શકરી તળાવમાં ચાર યુવક કોર્પોરેશનની પાણીમાંથી ગંદકી કાઢવાની બોટ લઈને ગયા હતા. ચોથો યુવક થોડીવાર પછી બોટમાંથી ઉતરી ગયો હતો. જ્યારે બાકીના ત્રણ યુવાન તળાવમાં ગયા હતા. આ દરમિયાન બોટ ઉંધી વળી જતા ત્રણેય યુવક ડૂબી ગયા હતા. પહેલા બે યુવકના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. અંધારુ થઈ જતાં શોધખોળમાં મુશ્કેલી પડી હતી જેથી ફ્લડ લાઇટ ચાલુ કરીને ત્રીજા યુવકની શોધખોળ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ ત્રીજા યુવકનો મૃતદેહ પણ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.
ફાયર વિભાગની બે ટીમ દ્વારા જે છોકરાના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા તેમાં 18 વર્ષનો પપ્પુ ચાવડા અને 21 વર્ષીય વિશાલ કિશોર ચાવડાનો સમાવેશ થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘટના સ્થળે કોઈ સિક્યુરિટી ગાર્ડ તૈનાત ન હતો.