સુરત જિલ્લાના વડોલી તથા ભરૂચ જિલ્લાના સાહોલ ગામ વચ્ચે કીમ નદી પર સાહોલ પુલનું ઘણા વર્ષોથી અસ્તિત્વ છે છતાં બાંધકામ હજુ પણ મજબૂત છે. 1969ની ભયંકર રેલ વખતે પણ પુલ અડીખમ રહ્યો છે. ઓલપાડ-હાંસોટ-અંકલેશ્વર તાલુકાના ગામડાના લોકો વર્ષોથી એક બીજા સાથે જોડાયેલા છે. જેથી એમના માટે તો આ પુલ જીવાદોરી સમાન છે. કીમ નદી પર આ પુલનો બીજો કોઈ વિકલ્પ નથી. કોસંબા બિરલા કંપની, ગ્લાસ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ આ પુલ થકી આવ-જાવ કરે છે.
હાંસોટ તાલુકાના સમલી-કંટીયાવાળ ગામના ખેડૂતોની શાકભાજીના ટેમ્પા પણ સુરત માર્કેટ સુધી જાય છે. ભરૂચ હાઇ-વે તરફ જનારા વાહનો પણ આ પુલ પરથી પસાર થાય છે. વાહનોની સંખ્યા પણ વધી છે.સંજોગોવશાત આ પુલ સમારકામ માટે થોડા દિવસે બંધ કરવામાં આવે તો હાંસોટ તરફ જવા માટે બીજા પુલનો કોઇ વિકલ્પ નથી. છેવટે કીમ-કોસંબા વચ્ચેના પુલનો ઉપયોગ કરવો પડે છે. એક વિકલ્પ તરીકે આસરમા-ઉમરાછી વચ્ચે કીમ નદી પર દાંડીકૂચ માર્ગ પર પુલનું નિર્માણ થાય તો સુવિધા મળે. સાહોલ પુલની બાજુમા પણ બીજા પુલનુ નિર્માણ થઇ શકે. પ્રજાના પ્રશ્નલને વાચા આપી પ્રશાસન સુધી પહોંચાડવા માટે ગુજરાતમિત્ર અને ચર્ચાપત્ર વિભાગ પ્રશંસનીય કાર્ય કરી રહ્યું છે.
ઓલપાડ- મગનલાલ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.