એક વાર એક શિકારી શિકાર કરવા ગયો, ઘણી રઝારપાટ કરી પણ કોઈ શિકાર મળ્યો નહીં શિકારી થાકી ગયો અને એક ઝાડ નીચે સુઈ ગયો. બહુ જોરથી પવન ફૂંકાઈ રહ્યો હતો એથી ઝાડના પાંદડા હલી રહ્યા હતા એટલે ક્યારેક શિકારી પર છાંયડો આવતો તો ક્યારેક તેની ડાળીઓ હલી જતી તો તડકો પણ પડતો. ત્યારે જ એક અતિ સુંદર હંસ ઉડીને જઈ રહ્યું હતું તેણે જોયું આ થાકેલો માણસ ઝાડ નીચે સૂઈ રહ્યો છે પણ ઝાડની ડાળીઓ હલવાને કારણે તેના મોઢા ઉપર તડકો આવે છે એટલે હંસ ઝાડ ઉપર પોતાની પાંખ ખોલીને એવી રીતે બેસી ગયો કે શિકારીને છાંયડો મળે તેના મોઢા ઉપર તડકો આવે નહીં અને શિકારી આરામથી સુઈ શકે. હંસ ઘણીવાર સુધી આમ બેસી રહ્યો અને શિકારી આરામથી સૂતો હતો થોડીવાર થઈ એક કાગડો ત્યાં આવ્યો હંસને કહ્યું, ‘કેમ, આમ પાંખ ખોલીને બેઠો છે?’ હંસે કહ્યું, ‘આ થાકેલો માણસ ત્યાં આરામ કરે છે ને તેના મોઢા પર તડકો આવે છે એટલે હું પાંખ ખોલીને બેઠો છું જેથી તડકો આવે નહીં અને તે આરામથી સુઈ શકે.’
કાગડો હસવા લાગ્યો અને બોલ્યો, ‘મૂર્ખ હંસ, બીજાની સેવા કરવામાં પોતે તડકામાં બેઠો છે.’ પછી કાગડાને મસ્તી સુઝી અને તેણે આજુબાજુ જોયું અને ચુપચાપ શિકારીની ઉપર ચરકી દીધું અને ફટ દઈને ત્યાંથી ઉડી ગયો. હંસને આ વાતની ખબર જ ન હતી. શિકારી પર ચરક પડ્યું અને ઊંઘમાં ખલેલ પડી એટલે શિકારી ઉઠ્યો, ગુસ્સમાં તેણે ઉપર જોયું અને તેની નજર હંસ પર પડી તેણે તરત જ બાણ કાઢ્યું અને હંસને માર્યું, હંસ લોહીલુહાણ થઈ નીચે પડી ગયો. ઘાયલ હંસે મરતા મરતા શિકારીને કહ્યું, ‘હું તો તમારા મોઢા ઉપર તડકો ના આવે એટલે પાંખ ખોલીને બેઠો હતો. તમારી સેવા કરી રહ્યો હતો અને છતાં તમે મને બાણ માર્યું.
મારો શું દોષ હતો.’ શિકારી બોલ્યો, ‘તે મારા ઉપર ચરક્યુ કેમ?’ હંસ બોલ્યો, ‘એ તો કાગડો ચરકીને ઉડી ગયો. હું તો તમને તડકો ના આવે તે માટે બેઠો હતો.’ શિકારી બોલ્યો, ‘ મને માફ કરજે હંસ મારી ભૂલ થઈ ગઈ પણ ભૂલ તારી પણ છે કે જો તારું તન અને મન સુંદર હતું તારા સંસ્કાર સારા હતા. તારો ઈરાદો મને છાંયડો આપવાનો હતો પણ એક ભૂલ એવી થઈ કે જ્યારે તારી આજુબાજુ કાગડો આવ્યો ત્યારે તારે ત્યાંથી ઉડી જવા જેવું હતું દુષ્ટની સંગતમાં રહીએ તો આપણું ક્યારેય ભલું થતું નથી માફ કરજે મને માફ કરજે.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.