પલસાણા: પલસાણાના જોળવામાં આવેલી સંતોષ ટેક્સટાઈલ મિલમાં સાંજે બોઈલરનું ડ્રમ વોશર ફાટતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બેનાં મોત થયાં હતાં. જ્યારે 20થી વધુ મજૂરને ઇજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના જોળવામાં આવેલી સંતોષ ટેક્સટાઈલ મિલમાં જ્યારે કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક બોઈલરનું ડ્રમ વોશર મશીન ફાટ્યું હતું. આ સમયે ઘણા શ્રમિકો અને કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. ડ્રમ ફાટવાના ભયંકર અવાજ સાથે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડ્રમ વોશર વિસ્તારમાં ખાસ કરીને મહિલા કામદારો મોટા પ્રમાણમાં કામ કરી રહી હતી. આથી ઇજા પામનારામાં મહિલાઓની સંખ્યા વધુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
દુર્ઘટનામાં બેનાં મોત થયાં હોવાનું કામરેજ પ્રાંત પીપળિયાએ જણાવ્યું હતું અને 20થી વધુ ઘાયલ થયા હતા. જેમને પલસાણાની ઓમ શિવમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડ્રમ વોશર ફાટતાની સાથે જ મોટો ધડાકો થતાં આજુબાજુની મિલોમાં પણ તેની અસર થઈ હતી. લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. જો કે, ત્યારબાદ પંદરેક મિનિટ પછી મિલમાં આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ થતાં જ કડોદરા, પીઇપીએલ, બારડોલી નગરપાલિકા, સુરત મહાનગર પાલિકાની ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. કામરેજ પ્રાંત અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા તેમણે દુર્ઘટનામાં બે મજૂરનાં મોત થયા હોવાની પુષ્ટિ થઈ હતી.

ફસાયેલા કામદારોને પતરાં તોડી બહાર કઢાયા
ડ્રમ વોશર ફાટ્યા બાદ મિલમાં ફસાયેલા કામદારોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમે મિલનાં પતરાં તોડી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકો પણ મદદમાં જોડાયા હતા. આ લખાય છે ત્યાં સુધી ફાયર વિભાગ દ્વારા આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ રહી છે અને રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
આજુબાજુની મિલો બંધ કરાવાઈ
મોટો બ્લાસ્ટ થવાથી આજુબાજુની મિલો પણ ધ્રૂજી ઊઠી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. મામલતદારે સાવચેતીના ભાગરૂપે આજુબાજુની મિલો પણ બંધ કરાવી દીધી હતી. આગને કારણે બારડોલી સુરત રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
કેમિકલ અને ઓઇલથી આગ ભીષણ બની, ને કામદારોએ જીવ ગુમાવ્યો
સંતોષ ટેક્સટાઈલ મિલમાં એક પાળીમાં 500 જેટલા કામદારો કામ કરે છે. ત્યારે આવી ઘટના કેટલી જોખમી છે એ સાબિત કરે છે. ડ્રમ વોશર મશીન ફાટવાથી દાઝી ગયેલા કામદારોમાં મહત્તમ મહિલાઓ છે. ઘાયલોને પલસાણાની ઓમ શિવમ અને વધારે ઘાયલોને સુરતની એપલ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી કરાઈ હતી. પોલીસની ટીમે કાટમાળ નીચે દબાયેલા બે કામદારને બચાવવા માટે કાર્યવાહી કરી એ જ સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. કેમિકલ અને ઓઇલ હોવાથી આગે જોતજોતામાં ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. આથી બંને કામદારને બચાવી શકાયા ન હતા.
ડ્રમ ધડાકાભેર ફાટ્યું, ને એક ભાગ ઊછળીને બાજુની મિલમાં પડ્યો
મિલના ડ્રમ ધડાકાભેર ફાટ્યું હતું અને તેનો એક ભાગ ત્યાંથી ઊછળીને બાજુની મિલમાં પડ્યો હતો. ત્યારે સ્થાનિક કામદારો તેમજ પોલીસની ટીમ તથા ૧૦૮ની ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ડ્રમ ફાટવાથી ફેક્ટરી ઈન્સપેક્ટરની પણ કામગીરી શંકાના ઘેરામાં આવી ગઈ છે.
પલસાણા તાલુકો મોટા ભાગે ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલો છે. ત્યારે આ વિસ્તારમાં આ પ્રકારની અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી છે. ત્યારે ફેક્ટરી ઈન્સ્પેક્ટર દ્વારા સમયસર મિલોમાં યોગ્ય સુપરવિઝનના અભાવે મિલ સંચાલકો પણ બેરોકટોક પોતાની મરજી પ્રમાણે મિલનું સંચાલક કરતા હોય છે. જેને લઈ ભૂતકાળમાં પણ અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ફેક્ટરી ઈન્સપેક્ટર દ્વારા પલસાણા તાલુકાની મિલોમાં યોગ્ય તપાસ કરવામાં આવે તો આ પ્રકારની ખામીયુક્ત અનેક મિલો સામે આવે તેમ જણાઈ આવે છે. ત્યારે સંતોષ મિલમાં બનેલી ઘટનાને લઈ ક્યાંક ને ક્યાંક તેમની ભૂમિકા ઉપર પણ શંકા ઉપજી રહી છે.

ઇન્ડસ્ટ્રિયલ સેફટી એન્ડ સિકયોરિટી વિભાગ દોઢ કલાક સુધી ઘોરતો રહ્યો
કોઇપણ મિલ કે એકમમાં હોનારત થાય છે તો રાજ્ય સરકારના ડિપાર્ટેમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયોરિટી વિભાગની ટીમે સ્થળ નિરીક્ષણ કરી માલિકોની લાપરવાહીના સજજડ પુરાવા ભેગા કરવાના હોય છે. ઘટના એટલી ભયાનક હતી કે અનેક માઇલ દૂરથી આગના કાળા વાદળો છવાયેલા દેખાયા હતા. આ ઘટના વખતે સ્થાનિક મામલતદાર તેમજ કામરેજ પ્રાંત ઓફિસ દ્વારા આ વિભાગને સતત કોલ કરાયા હતા. પરંતુ દોઢ કલાક પછી પણ આ વિભાગની ટીમે પોતાની ફરજ નિભાવી નહોતી. જેને લઇને પણ સરકારી તંત્રમાં ભારે કચવાટ ફેલાયેલો જોવા મળ્યો છે.

દાઝેલા અને ઈજાગ્રસ્તો
જોગેન્દ્ર પ્રજાપતિ, રહે- સચીન, પાંડેસરા
શશીકાંત સિંહ (ઉં.વ.18), 20 ટકા દાઝી ગયો, રહે- તાતીથૈયા
મંજુબેન સારોલીયા (ઉં.વ.43), 30 ટકા દાઝી ગયા, રહે- બાબેન
પુષ્પાદેવી(ઉં.વ.28), 30 ટકા દાઝી ગયા
સતિષ રાઠોડ(ઉં.વ.33), બંને પગે 20 ટકા દાઝી ગયો, રહે- સાંકી, પલસાણા (મંદિર ફળિયું)
તેજી સુરેશ (ઉં.વ.35), બંને હાથે અને છાતીએ 50 ટકા દાઝી ગયા, રહે- તાતીથૈયા (સત્યમ શિવમ બિલ્ડિંગ)
રવિન્દ્ર મહતો (ઉં.વ.19), પીઠના ભાગે વાગ્યું છે, રહે- જોળવા
શીલાદેવી અજયરાજ રાય (ઉં.વ.35), 40 ટકા દાઝી ગયા, રહે- વૃંદાવન સોસાયટી, ચલસાન
સુધા ઠાકુર (ઉં.વ.40), 10 ટકા દાઝી ગયા, રહે- સોની પાર્ક, પલસાણા
સત્યા બોહરા (ઉં.વ.40), 60 ટકા દાઝી ગયો, રહે- જોળવા, પલસાણા
પ્રિયંકા શાહ (ઉં.વ.35), 75 ટકા દાઝી ગયા, રહે- તાતીથૈયા
સુરેશ પલારામજી સહુ (ઉં.વ.39), 10 ટકા દાઝી ગયો, રહે- સિદ્ધિવિનાયક અરિહંતપાર્ક, કડોદરા
મનોજ તિવારી (ઉં.વ.32), 10 ટકા દાઝી ગયો, રહે- ગણપતનગર પાંડેસરા
દદનસિંહ કપીલોવસિંહ (ઉં.વ.32), પીઠના ભાગે ફ્રેક્ચર, રહે- ચીકુવાડી, પાંડેસરા
વિજય કનોજીયા, 20 ટકા દાઝી ગયો, રહે- સોની પાર્ક, તાતીથૈયા, મૂળ રહે- રામગઢ સોનભદ્ર યુપી
મૃતક – રોશન શાહ (રહે., સોની પાર્ક, તાતીથૈયા), એક અજાણ્યો
સંતોષ મિલમાં બળતણમાં ચિંધીનો મોટો વપરાશ, સ્થળ ઉપર પણ વિશાળ જથ્થો મળ્યો
સુરતઃ સુરતને અડીને આવેલા પલસાણાના જોળવાની સંતોષ મિલમાં ડ્રમવોશર ફાટતા બનેલી આગ હોનારત પાછળ મિલમાં વ્યાપક ગેરરીતિ જવાબદાર હોવાનું દેખાઇ રહ્યું છે. સંતોષ મિલની હોનારતમાં 2 કામદારનાં મોત અને સેંકડોના ઘાયલના સમાચારથી અરેરાટી ફેલાઇ ગઇ છે. કહેવાય છે કે સંતોષ મિલમાં મોટાપાયે બળતણમાં ગેરકાયદે રીતે ચિંધીનો વપરાશ થતો હતો. દુર્ઘટના સ્થળ ઉપર પણ ચિંધીનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ ઉપરાંત મિલના બાંધકામને લઇને પણ તપાસની જરૂર છે. કેમ કે સ્થાનિક લોકોના આરોપો મુજબ મિલમાં ગેરકાયદે બાંધકામ અને શેડ છે. તે ઉપરાંત ચિંધી માટે મોટું ગોડાઉન પણ છે.