આ વર્ષની મહિલા વનડે વર્લ્ડ ચેમ્પિયન ટીમને $4.48 મિલિયન (લગભગ રૂ. 39.55 કરોડ) ની ઈનામી રકમ મળશે. જે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની સૌથી મોટી ઈનામી રકમ છે. ગત સીઝનની સરખામણીમાં ICC એ વિજેતાઓની ઈનામી રકમમાં 13.20 (લગભગ રૂ. 11.65 કરોડ) નો વધારો કર્યો છે.
મહિલા વનડે વર્લ્ડ કપની ઈનામી રકમ પુરુષો કરતાં વધુ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે આ જાહેરાત કરી. આ મુજબ 30 સપ્ટેમ્બરથી ભારત અને શ્રીલંકામાં યોજાનાર મહિલા વનડે વર્લ્ડ કપ 2025 માં કુલ $13.88 મિલિયન (લગભગ રૂ. 122 કરોડ) ની ઈનામી રકમનું વિતરણ કરવામાં આવશે. 2023 માં ભારતમાં રમાયેલા પુરુષોના ODI વર્લ્ડ કપ દરમિયાન લગભગ 10 મિલિયન યુએસ ડોલર (લગભગ રૂ. 83 કરોડ) નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મહિલા વર્લ્ડ કપની રનર-અપ ટીમને $2.24 મિલિયન (લગભગ રૂ. 19.77 કરોડ) થી સંતોષ માનવો પડશે. સેમિફાઇનલમાં હારનારી ટીમોને $1.12 મિલિયન (લગભગ રૂ. 9.89 કરોડ) મળશે. ગ્રુપ સ્ટેજ જીતનારી ટીમોને $34,314 (લગભગ રૂ. 30.29 લાખ) મળશે. પાંચમા અને છઠ્ઠા ક્રમે રહેલી ટીમોને $700,000 (લગભગ રૂ. 62 લાખ) અને સાતમા અને આઠમા ક્રમે રહેલી ટીમોને $280,000 (લગભગ રૂ. 24.71 લાખ) મળશે. દરેક ભાગ લેનાર ટીમને $250,000 (લગભગ રૂ. 22 લાખ) મળશે.
વિશ્વની ટોચની 8 ટીમો મહિલા ODI વર્લ્ડ કપમાં ભાગ લેશે. તેની કુલ ઇનામી રકમ લગભગ ચાર ગણી વધારી દેવામાં આવી છે. ICC એ આ સ્પર્ધા માટે કુલ $13.88 મિલિયન (લગભગ રૂ. 122.5 કરોડ) ની ઇનામી રકમની જાહેરાત કરી છે. છેલ્લી સિઝનમાં 3.5 મિલિયન યુએસ ડોલર જે લગભગ 26 કરોડ રૂપિયા થાય છે, વહેંચવામાં આવ્યા હતા. તત્કાલીન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 1.32 મિલિયન યુએસ ડોલર જે લગભગ 9.9 કરોડ રૂપિયા થાય છે, આપવામાં આવ્યા હતા.