Business

આવી ગઈ 6G ચીપઃ 1 સેકન્ડમાં ડાઉનલોડ થશે મૂવી, ઈન્ટરનેટની સ્પીડ પાંચ હજાર ગણી વધશે

વિશ્વની પહેલી 6G ચિપ પાડોશી દેશ ચીને વિકસાવી છે. આ નવી ચીપ દૂરના વિસ્તારોમાં પણ હાઇ સ્પીડ ઇન્ટરનેટ ઉપલ્બ્ધ કરાવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 6G ચિપ વર્તમાન ઇન્ટરનેટ સ્પીડની તુલનામાં 5 હજાર ગણી વધી જશે. ગ્રામીણ વિસ્તારોને પણ ફાયદો થશે, જ્યાં હજુ સુધી હાઇ સ્પીડ ઇન્ટરનેટ પહોંચ્યું નથી.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ચીની સંશોધકોએ બેઇજિંગની પેકિંગ યુનિવર્સિટી અને હોંગકોંગની સિટી યુનિવર્સિટીના સંશોધકો સાથે મળીને આ ચિપસેટ વિકસાવી છે. તેને ઓલ ફ્રીક્વન્સી 6G સોલ્યુશન તરીકે વર્ણવવામાં આવ્યું છે, જે મોબાઇલની ગતિ અનેક ગણી વધારી શકે છે.

ચીની સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલ 6G ચિપસેટની સાઈઝ 11mm X 1.7mm છે. આ ચિપસેટ ઓછી ફ્રીક્વન્સી પર કામ કરી શકે છે. આ મોબાઇલ અને અન્ય ઉપકરણોને સારી ગતિ સાથે સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. 6G ચિપસેટની મદદથી એક સેકન્ડમાં 100GB ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. તે સંપૂર્ણપણે વાયરલેસ સ્પેક્ટ્રમ પર કામ કરશે.

ઉદાહરણ તરીકે આ 6G ચિપસેટની મદદથી, 50GB HD 8K મૂવી એક સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાય છે. આ સ્પીડ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ઉપલબ્ધ હશે.

ચિપસેટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે?
ચિપસેટ કમ્પ્યુટર, મોબાઇલ કે કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ માટે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું માનવ માટે મગજ મહત્વપૂર્ણ છે. ચિપસેટ વાસ્તવમાં મેમરી, સ્ટોરેજ, ગ્રાફિક્સ અને અન્ય હાર્ડવેર વચ્ચે સંચાર બનાવે છે. કોમ્પેક્ટ ચિપ પર ઘણી સુવિધાઓ જ્યારે હાલની 5G વાયરલેસ ટેકનોલોજી મર્યાદિત ફ્રીક્વન્સી રેન્જ પર કાર્ય કરે છે, ત્યારે 6G ચિપનો આ નવીનતમ વિકાસ સમગ્ર સ્પેક્ટ્રમને 0.5 GHz થી 115 GHz સુધી ફક્ત 11mm x 1.7mm માપતી કોમ્પેક્ટ ચિપ પર લાવે છે.

6G ની સ્પીડને લીધે રેડિયશન જોખમી હદે વધશે
5G અને 6G ના ફાયદા હોવા છતાં આ ટેકનોલોજીઓ અનેક જોખમો પણ સાથે લઈને આવે છે, તેથી જ તે અનેક ટીકાનો સામનો પણ કરી રહી છે. ઘણા નિષ્ણાતો માને છે કે 6G માં હાઈ ફ્રિક્વન્સી બેન્ડના ઉપયોગને કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પણ વધી શકે છે. આનાથી માનવ સ્વાસ્થ્ય જોખમમાં મુકાઈ શકે છે.

સાયબર ખતરા પણ વધી શકે છે
ઉપરાંત જેમ જેમ ઘણા બધા ઉપકરણો એકસાથે કનેક્ટ થાય છે તેમ તેમ સાયબર જોખમો પણ વધી શકે છે. ડેટા ગોપનીયતા અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

Most Popular

To Top