Charchapatra

કુદરતી કરતાં માનવસર્જિત આફતોથી મૃત્યુ આંક વધતો જાય છે

કદાચ મનુષ્ય જીવન આટલું સસ્તુ અને અસુરક્ષિત પહેલા ક્યારેય નહોતું.  ઘરેથી નીકળેલો માણસ ઘરે પરત ફરશે કે કેમ?  આવી અનિશ્ચિતતા પહેલાં ક્યારેય ન હતી.  રોડ અકસ્માતમાં થતા મૃત્યુના આંકડા દિન પ્રતિદિન વધતા જાય છે તો હવે સાથેસાથે ઠપકો આપવા બાબતે પણ ચપ્પુ છરી ઉછળવા માંડ્યા છે. આ કારણે પણ મૃત્યુનો આંક વધતો જાય છે. કાયદો અને વ્યવસ્થા જાણે મૂર્છાવસ્થામાં સરી ગયા હોય એવું લાગે છે. દિન પ્રતિદિન લોકોની સંવેદનશીલતા અને સહનશીલતા ઘટતા જાય છે.  જરાક અમસ્તો ઠપકો પણ હવે આપઘાતનું કારણ બનતો જાય છે. 

લોકશાહીનું સ્થાન હવે ટોળાશાહીએ લેવા માંડ્યું છે.  કુદરતી આફતો કરતાંયે માનવસર્જિત આફતોને કારણે મૃત્યુ આંક વધતો જાય છે.  પુખ્ત વયે થતા ગુનાઓએ હવે કિશોરાવસ્થામાં  સ્થાન લેવા માંડ્યું છે.  શાળાઓમાં થતાં ગુનાઓ અને હત્યાઓ આપણી સામાજિક અને સાંસ્કૃતિક નિષ્ફળતાઓ છતી કરે છે.  પ્રજાના પૈસે સુરક્ષિત બનેલા રાજકારણીઓને મન પ્રજા ભલે કાંદા બટાકાની જેમ વધેરાઈ જાય,  આ નપાવટોને કોઈ ફરક પડતો નથી.  આટલું બધું ડ્રગ્સ દેશમાં ઘુસતું હોય ત્યારે એ કોણે મંગાવ્યું અને કોણે મોકલ્યું એની ગંધ સુદ્ધા પ્રજાને ન આવવા દે એ કેવી લોકશાહી?   આટ-આટલા બળાત્કારો અને હત્યાઓ છતાંય કેટલાને દાખલા રૂપ સજા થઈ?  ન્યાય જ આજે જ્યારે અન્યાયનો પર્યાય બની ગયો હોય ત્યારે કોને રડવું?
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top