ચીનના તિયાનજિન શહેરમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) સમિટ ચાલી રહી છે જેમાં મોદી અને જિનપિંગ વચ્ચે બેઠક થઇ છે. આ બેઠક સાત વર્ષ પછી થઇ રહી છે અને ઓપરેશન સિંદૂર વખતે ચીને પાકિસ્તાનને આડકતરી મદદ કર્યા બાદ થઇ રહી છે. એટલુ જ નહીં અત્યારે અમેરિકાએ ભારત પર જે ટેરિફ લગાડ્યો છે તેના સંકટ વચ્ચે થઇ રહી છે. આ બેઠક પછી ટેરિફનું ગ્રહણ દૂર થશે કે કેમ તેના પર સૌની નજર રહેશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું છે કે, દુનિયા પરિવર્તન તરફ આગળ વધી રહી છે. ચીન અને ભારત દુનિયાની બે સૌથી પ્રાચીન સંસ્કૃતિઓ છે.
અમે બંને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશો છીએ અને ગ્લોબલ સાઉથનો ભાગ છીએ. મિત્ર બન્યા રહેવું, સારા પાડોશી હોવું અને ડ્રૅગન અને હાથીનું સાથે આવવું ખૂબ જ જરૂરી છે. મોદીનો આ પ્રવાસ એવા સમયે થયો છે જ્યારે પૂર્વી લદ્દાખમાં એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિ હજુ પુનઃસ્થાપિત થઈ નથી. અત્યાર સુધી ચીન માટે ભારતનો જે અનુભવ રહ્યો છે તે પીઠ પાછળ વાર કરવાનો છે. અમેરિકાના ટ્રમ્પ બોલીને વારંવાર ફરી જાય છે પરંતુ તે જે કરે છે તે સામી છાતીએ કરે છે અને ચીન જે કંઇ કરે છે તે પીઠ પાછળ કરે છે એટલે હાલના તબક્કે તો તેના પર ભરોસો રાખી શકાય તેમ નથી.
પીએમ મોદીએ શી જિનપિંગ સાથે વાતચીત દરમિયાન કહ્યું,”ગયા વર્ષે કઝાનમાં અમારી ખૂબ જ અર્થપૂર્ણ ચર્ચા થઈ હતી. અમારા સંબંધોને એક સકારાત્મક દિશા મળી છે. સરહદ પર ડિસઍન્ગેજમેન્ટ પછી શાંતિ અને સ્થિરતાનું વાતાવરણ છે. અમારા વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે સરહદ વ્યવસ્થાપન અંગે સહમતિ બની છે. ચીને 2020 પછી અનેક વખત અરુણાચલ પ્રદેશના વિસ્તારોને મંદારિનમાં નામકરણ કર્યાં છે. ચીન અરુણાચલને દક્ષિણ તિબેટ કહે છે.જોકે, ભારત ‘વન ચાઇના પૉલિસી’ને માન્યતા આપે છે, જેમાં તિબેટ અને તાઇવાન બંનેને ચીનનો ભાગ છે.
મોદીનો ચીન જવાનો નિર્ણય ખૂબ અપેક્ષિત નહોતો માનવામાં આવ્યો. 2023માં ભારતે SCOની અધ્યક્ષતા કરી હતી અને સમિટ વર્ચ્યુઅલ રીતે યોજી હતી. આ નિર્ણયથી એવો સંકેત મળ્યો કે ભારત ચીનના પ્રભાવ ધરાવતાં ગઠબંધનો પ્રત્યે ખૂબ ઉત્સાહિત નથી. 2022માં ભારતે G20 સમિટનું આયોજન કર્યું હતું, જેમાં શી જિનપિંગ હાજર નહોતા. આથી મોદીના ચીન પ્રવાસને અમેરિકા સાથે ભારતના બગડતા સંબંધો સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. મોદી અને શી જિનપિંગ છેલ્લે ગયા વર્ષે ઑક્ટોબરમાં રશિયાના કઝાનમાં BRICS સમિટ દરમિયાન મળ્યા હતા. BRICS અને SCO બંનેને અમેરિકી હિતોનાં વિરોધી ગઠબંધનો તરીકે જોવામાં આવે છે. તિયાનજિનમાં મોદીની મુલાકાતનો ઉદ્દેશ માત્ર ભારત-ચીન સંબંધો મજબૂત કરવો એ જ નહીં, પણ અમેરિકી ટેરિફ્સનો સામનો કરવો પણ છે.