લખનૌના કુર્સી રોડ પર રવિવારે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં છ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટનાએ આખા વિસ્તારને હચમચાવી દીધો છે અને સ્થાનિક રહેવાસીઓમાં ડરનું વાતાવરણ સર્જાયું છે.
વિસ્ફોટ ગુડામ્બાના બેહતા વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. ધડાકાનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાજ 10થી વધુ ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળ પર પહોંચી ગયા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યો છે. વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર થઈને રાહત અને બચાવ કામગીરીને દિશા આપી.
આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં ફેક્ટરીમાં કામ કરતા આલમ, તેની પત્ની અને તેમના બે પુત્રોનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનાથી સમગ્ર પરિવારનો નાશ થઈ ગયો છે. જે ઘટનાને વધુ હૃદયવિદારક બનાવે છે. પોલીસના જણાવ્યા અનુસાર હજી સુધી તમામ મૃતકોની સત્તાવાર ઓળખ પ્રક્રિયા ચાલુ છે. બીજી તરફ ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ફેક્ટરીની છત ધરાશાયી થઈ ગઈ અને ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF)ની ટીમોને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ અને મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા છે.
આ ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્રે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દીધી છે. ફટાકડાની ફેક્ટરી પાસેના વિસ્તારો ખાલી કરાવાયા છે જેથી કોઈ વધુ નુકસાન ન થાય. આ દુર્ઘટનાએ ફેક્ટરીમાં સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
હવે તપાસ શરૂ કરવામાં આવી છે કે આ વિસ્ફોટનું કારણ શું હતું અને સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં.
લખનૌની આ દુર્ઘટનાએ ફરી એકવાર યાદ અપાવી છે કે ફટાકડાની ફેક્ટરીઓમાં જરા પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. હાલ માટે પ્રાથમિકતા ફસાયેલા લોકોને બચાવવા અને ઘાયલોના સારવાર પર આપવામાં આવી રહી છે.