SURAT

વીજ લાઈન માટે જંત્રીથી 4.86 ગણું વળતર

સુરત: સુરત જિલ્લાના ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન અને જનપ્રતિનિધિઓની સતત રજૂઆતો બાદ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી દ્વારા એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ પરિપત્ર અનુસાર પાવરગ્રીડની ટ્રાન્સમીશન લાઈનમાં જમીન ગુમાવનારા ખેડૂતોને અગાઉ કરતાં ચારથી પાંચ ગણું વધુ વળતર મળશે.

આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, ઈશ્વરભાઈ પરમાર, મોહનભાઈ ઢોડિયા અને સંદીપભાઈ દેસાઈ સહિતના લોક પ્રતિનિધિઓએ જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીને રૂબરૂ મળી ખેડૂતોની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. અંતે કલેક્ટરે ખેડૂતોના હિતમાં નવો દર જાહેર કર્યો છે. દોઢ વર્ષથી ખેડૂતો સતત આ લાઈનોનો વિરોધ કરી રહ્યા હતા. કારણ કે અનેક ગામોમાં જંત્રીના ભાવ બહુ નીચા હતા, જેના આધારે ખેડૂતોને મળતું વળતર ખૂબ ઓછું હતું.

ખેડૂતોના દબાણ અને રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત-ભાજપના પ્રતિનિધિઓની મુખ્યમંત્રી સુધી થયેલી રજૂઆત બાદ હવે ખેડૂતોને બમણાંથી વધુ વળતર મળશે તેવો આશાવાદ વ્યક્ત થયો છે. કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, 2011ની જંત્રીના ભાવને આધારે હવે ખેડૂતોને 4.86 ગણું વળતર ચૂકવાશે. એટલે કે, જો કોઈ ગામની જંત્રી 935 રૂપિયા હોય તો તેને 935 x 4.86 x 2378 પ્રમાણે ગણતરી કરી એક વિંઘાના જમીનનો ભાવ મળશે. ઉદાહરણરૂપ, હથુરણ ગામે એક વિંઘા જમીનનો અંદાજિત ભાવ 73 લાખથી વધુ મળશે, જ્યારે મહુવેજ, કોસંબા, કઠવાડા, હથોડા અને વેલાછામાં પ્રતિ વિંધા 1.15 કરોડ સુધીનો ભાવ મળવાની સંભાવના છે.

ખેડૂતોને મળનારા અંદાજિત વળતર (પ્રતિ વીઘાં)

  1. માંગરોળ તાલુકો – હથુરણ : 73.38 લાખ, મહુવેજ/કોસંબા/કઠવાડા/હથોડા/વેલાછા : 1.15 કરોડ, પાણેથા : 76 લાખ, શેઠી : 25 લાખ
  2. માંડવી તાલુકો – વરેઠી : 25 લાખ, તડકેશ્વર : 73 લાખ, રોસવાડ/વીરપોર : 58 લાખ
  3. કામરેજ તાલુકો – ઘલા/જીયોર/ધાતવા : 59 લાખ, નેત્રંગ/ધારૂઠા : 50 લાખ, જાત-ભરથાણા : 24 લાખ, આસ્તા : 26 લાખ, સેગવા : 29 લાખ
  4. બારડોલી તાલુકો – મોતા : 75 લાખ, ઉમરાખ : 1.39 કરોડ
  5. પલસાણા તાલુકો – ગાંગપોર/જેતપોર/બારાસડી/સોયાણી : 1.39 કરોડ, ધામદોડ/એના : 89 લાખ, ઘલુડા/ભુતપોર/કણાવ : 97 લાખ

નીચી જંત્રી ધરાવતાં ગામોને પણ ન્યાય, સૌથી ઊંચી જંત્રીને આધાર બનાવવામાં આવી
જ્યાં જંત્રી ખૂબ નીચી છે (100 રૂપિયા કે તેના કરતા પણ ઓછી), તે ગામોને નુકસાન ન થાય તે માટે કલેક્ટરે આસપાસના ગામોની સૌથી ઊંચી જંત્રીને આધાર બનાવી છે. આથી ખેડૂતોને બજાર કિંમતની નજીક કે તેથી વધુ વળતર મળી શકે છે.

તાલુકાવાર મહત્તમ જંત્રીના ભાવ (પ્રતિ ચો.મી.)

  1. માંગરોળ તાલુકો – હથુરણ : 935, મહુવેજ/કોસંબા/કઠવાડા/હથોડા/વેલાછા : 981, પાણેથા : 958, શેઠી : 218
  2. માંડવી તાલુકો – વરેઠી : 218, તડકેશ્વર : 938, રોસવાડ/વીરપોર : 508
  3. કામરેજ તાલુકો – ઘલા/જીયોર/ધાતવા : 510, નેત્રંગ/ધારૂઠા : 438, જાત-ભરથાણા : 210, આસ્તા : 228, સેગવા : 230
  4. બારડોલી તાલુકો – મોતા : 951, ઉમરાખ : 1176
  5. પલસાણા તાલુકો – ગાંગપોર/જેતપોર/બારાસડી/સોયાણી : 1179, ધામદોડ/એના : 770, ઘલુડા/ભુતપોર/કણાવ : 840

તાલુકા કેટલા સરવે નંબર
માંગરોળ 64 સરર્વે નંબર
માંડવી 64 સરર્વે નંબર
કામરેજ 65 સરર્વે નંબર
બારડોલી 28 સરર્વે નંબર
પલસાણા 51 સરર્વે નંબર

Most Popular

To Top