SURAT

મનપાની બેફામ કચરાગાડીએ રાષ્ટ્રીય કક્ષાની રમતવીર વિધિ કદમને કચડી નાંખી!

સુરત:  પનાસ કેનાલ રોડ પર  બીકોમની વિદ્યાર્થીની અને નેશનલ લેવલની રમતવીરનું  સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડી અડફેટે મોત નીપજ્યું હતું. આ ઘટનાએ ન માત્ર વિધિના પરિવારને આઘાત આપ્યો છે, પરંતુ સુરતના રમતવીરો અને એથલેટિક્સ સમુદાયમાં પણ શોકનું મોજું ફેલાઈ ગયું છે.

સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ  મૂળ મહારાષ્ટ્રના વતની  અને વેસુના પનાસ ગામમાં  પરિવાર સાથે રહેતી 19 વર્ષીય વિધિ સંતોષભાઈ કદમના પિતા વતનમાં સિલાઈનું કામ કરે છે, જ્યારે તેનો ભાઈ ફૂડ કોર્ટ ચલાવે છે. વિધિ કે.પી. કોમર્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. સાથે જ તે એક પ્રતિભાશાળી રમતવીર પણ હતી, તેણે  સ્ટેટ અને નેશનલ લેવલની દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈને ઘણાં એવોર્ડ જીત્યા હતા. વિધિ હાલ ભટારના એક જીમમાં ટ્રેનર તરીકે કામ કરતી હતી અને નેશનલ લેવલની 100 મીટર દોડની સ્પર્ધા માટે પ્રેક્ટિસ કરી રહી હતી. થોડા દિવસો બાદ ભોપાલ ખાતે યોજાનારી સ્પર્ધામાં તે ભાગ લેવાની હતી.

જો કે શનિવારે સવારે વિધિ પોતાના ઘરેથી ઓલા બાઇક દ્વારા ભટારના જીમમાં જઈ રહી હતી, તે દરમિયાન, પનાસ કેનાલ રોડના સર્વિસ રોડ પર સામેથી પૂરઝડપે આવતી સુરત મહાનગરપાલિકાની કચરાની ગાડીએ વિધિની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે વિધિ રોડ પર પટકાઈ ગઈ અને તેને ગંભીર ઈજાઓ  પહોંચી હતી. વિધિને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું . વિધિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી  સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં  ખટોદરા પોલીસે અકસ્માતનું કારણ બનેલી કચરાની ગાડીના 22 વર્ષીય ચાલક ગિરીશ અડડની અટકાયત કરી છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે ગિરીશ પાસે પાક્કું ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું અને તે ફક્ત લર્નિંગ લાઇસન્સ પર મનપાનો ટેમ્પો હંકારતો હતો. પ્રશ્ન એ ઊભો થયો છે કે નિયમોના કડક અમલ માટે કાયદાનો પાઠ ભણાવતી મનપા જ પોતાના એજન્સીઓ મારફતે કાયદા તોડવાનું મૌન મંજૂરી પત્ર આપી રહી છે કે કેમ?વિધિ કદમના અચાનક અવસાનથી પરિવારજનો શોકમગ્ન છે, જ્યારે રમતગમત ક્ષેત્રે પણ ભારે આઘાત ફેલાયો છે. એક સ્ટેટ લેવલ રનરનું આવું કરુણ મોત શહેરની વ્યવસ્થાને કટઘરમાં ઊભું કરે છે. હવે આ ઘટના બાદ મનપા સામે જવાબદારીનો સવાલ વધુ ગંભીર બની ગયો છે કે, **શું સુરક્ષા નિયમો ફક્ત કાગળ પર જ છે?

ડ્રાઇવર પાસે પાક્કું લાઇસન્સ જ ન હતું, માત્ર લર્નિંગ લાઇસન્સથી ટેમ્પો હાંકતો હતો
ઘટના અંગેની તપાસ કરી રહેલી ખટોદરા પોલીસે જણાવ્યું હતું કે સુરત મહાનગર પાલિકાની કચરા ગાડીના અકસ્માત મામલે ચોંકાવનારી હકીકત બહાર આવી છે. અકસ્માત કરનાર ડ્રાઇવર ગિરીશ અડડ પાસે પાક્કું ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતું, તે માત્ર લર્નિંગ લાઇસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો. પ્રશ્ન એ ઊભો થયો છે કે લાઇસન્સ વગરની વ્યક્તિને મનપાની ગાડી હંકારવાની છૂટ કોણે આપી? આ ગંભીર બેદરકારીને કારણે એક હોનહાર સ્ટેટ લેવલ રનર યુવતીનું કરુણ મોત નિપજ્યું છે. સમગ્ર મામલે વધુ તપાસ ખટોદરા પોલીસ દ્વારા હાથ ધરાઈ રહી છે.

મનપાની કચરાગાડીની ઝડપ અને ચાલકની બેદરકારી ઘટના પાછળ જવાબદાર
આ અકસ્માતનું મુખ્ય કારણ પાલિકાની કચરાની ગાડીની ઝડપ અને ચાલકની બેદરકારી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ખટોદરા પોલીસે ચાલક ગિરીશ અડડ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ આ ઘટનાના સંજોગો અને ચાલકની બેદરકારીની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઘટના રસ્તા સલામતી અને વાહનચાલકોની જવાબદારીના મુદ્દાને ફરી એકવાર ચર્ચામાં લાવી છે. સુરત મહાનગરપાલિકાને પણ આ ઘટના બાદ તેમના વાહનચાલકોની તાલીમ અને રસ્તા સલામતીના નિયમોનું પાલન કરાવવા માટે વધુ સખત પગલાં લેવાની માંગ ઉઠી છે.

અમદાવાદમાં પણ કચરો લેવા આવતી મનપાની ગાડીએ આધેડને કચડી માર્યા હતા
7 ઓગસ્ટે અમદાવાદના જમાલપુર પગથિયાં પાસે ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન કરતી મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાડી બેકાબૂ બની હતી. આ ગાડીએ એક પછી એક કરીને આઠ જેટલાં વાહનોને અડફેટે લીધાં હતાં. ઘટનામાં 50 વર્ષીય એક્ટિવા ચાલક મોહમ્મદભાઈને ગાડી આશરે 30 ફૂટ જેટલા ઢસડતાં તેઓનું સ્થળ પર જ દુઃખદ મોત નીપજ્યું હતું. ઉપરાંત, ત્રણ જેટલા લોકોને સામાન્ય ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વિધિનું રાષ્ટ્રીય સ્તરે સિલેક્શન થવાનું હોવાથી નિયમિત તૈયારી કરતી હતી
મૃતકનાં સબંધી રાજેશ કદમે જણાવ્યું હતું કે, વિધિ કદમ યુનિવર્સિટી લેવલ પર 100 અને 200 મીટરની દોડમાં રેકોર્ડ હોલ્ડર છે અને રાજ્ય સ્તરની સ્પર્ધાઓમાં પણ પ્રભાવશાળી દેખાવ કરી ચૂકી છે. એક મહિના બાદ રાષ્ટ્રીય સ્તરની પસંદગી હોવાને કારણે વિધિ છેલ્લા ઘણાં સમયથી નિયમિત જીમમાં ટ્રેનિંગ માટે જતી હતી.

રમતગમત જગતમાં શોકનું મોજું
વિધિ કદમ એક પ્રતિભાશાળી રમતવીર હતી, જેણે ટૂંકા ગાળામાં જ રમત ગમતના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી હતી. તે યુનિવર્સિટી રેકોર્ડ હોલ્ડર હતી અને તેની નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ ઘટનાએ સુરત ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ એસોસિએશનને  ઊંડો આઘાત આપ્યો છે. એસોસિએશન દ્વારા શોક વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું કે, “વિધિની પ્રતિભા અને તેનો દ્રઢ નિશ્ચય અદભૂત હતો. તે ફક્ત એક રમતવીર જ નહીં, પરંતુ એક દયાળુ અને પ્રેરણાદાયી વ્યક્તિ હતી. વિધિના કોચ અને સાથી ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, “વિધિની ખોટ રમતગમત જગત માટે અને અમારા માટે એક મોટું નુકસાન છે.

Most Popular

To Top