નવી દિલ્હી, તા. સુરક્ષા દળોએ શનિવારે ગુરેઝમાં આતંકવાદીઓમાં ‘માનવ જીપીએસ’ તરીકે જાણીતા બાગુ ખાનને ઠાર કર્યો હતો. બાગુ ખાન, જેને સમંદર ચાચા તરીકે પણ ઓળખવામાં આવે છે, ૧૯૯૫થી પીઓકેમાં રહેતો હતો. ઘૂસણખોરીના સૌથી જૂના અને સૌથી સફળ સહાયકોમાંના એક, બાગુ ખાનને નૌશેરા નાર વિસ્તારમાંથી ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન બીજા એક આતંકવાદી સાથે ઠાર કરવામાં આવ્યો હતો. સુરક્ષા ગ્રીડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ગુરેઝ સેક્ટરના વિવિધ વિસ્તારોમાંથી ૧૦૦થી વધુ ઘૂસણખોરીના પ્રયાસોમાં મદદગાર હતો, જેમાં મોટા ભાગમાં સફળ રહ્યો હતો. તેને પ્રદેશના મુશ્કેલ ભૂપ્રદેશ અને ગુપ્ત માર્ગોની તેની ગાઢ જાણકારી હતી. આનાથી તે બધા આતંકવાદી જૂથો માટે ખાસ બન્યો હતો અને માનવ જીપીએસ તરીકે જાણીતો હતો.
જ્યારે તે હિઝબુલ કમાન્ડર હતો ત્યારે તેણે દરેક આતંકવાદી સંગઠનને નિયંત્રણ રેખા પર ગુરેઝ અને પડોશી ક્ષેત્રોમાંથી ઘૂસણખોરીનું આયોજન અને અમલ કરવામાં મદદ કરી હતી. વર્ષો સુધી સુરક્ષા દળોથી ભાગતો ફરતો બાગુ ખાન ઘૂસણખોરીના તાજેતરના પ્રયાસ દરમિયાન તેને નસીબે સાથ આપ્યો ન હતો. બાગુ ખાનની હત્યાને આ વિસ્તારમાં આતંકવાદી સંગઠનોના લોજિસ્ટિકલ નેટવર્ક માટે એક ફટકો તરીકે જોવામાં આવી રહી છે.ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના બાંદીપોરા જિલ્લાના ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓને ભારતીય સેના દ્વારા ઠાર મારવામાં આવ્યાના બે દિવસ પછી આ એન્કાઉન્ટર થયું છે.