ડેડિયાપાડા, સાગબારા, ભરૂચ: ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે રાજ્યની ઘણી નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે. નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, ભારે વરસાદને કારણે પાણીનો પ્રવાહ વધ્યો હોવાનું જાણવા મળે છે. આવી ઘટનાઓ ગ્રામીણ વિસ્તારોમાં નદીઓની નજીક રહેતા લોકો માટે જોખમ વધારે છે.
ડેડિયાપાડાના ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા શિયાલી ગામે કરજણ નદીના પ્રવાહમાં બે બાળકો તણાઈ જતાં ગામમાં માતમ છવાયો છે. આ ઘટનામાં 13 વર્ષના વસાવા સોમકુમાર બીપીનભાઈ અને 12 વર્ષના વસાવા અક્ષયકુમાર દિનેશભાઈ શાળા છૂટ્યા બાદ ખેતરે જવા માટે નીકળ્યાં હતાં. દરમિયાન ચોમાસાના ભારે વરસાદને કારણે કરજણ નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં બંને બાળકો તેમાં તણાઈ ગયાં હતાં. તંત્રએ આ ઘટના બાદ તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. ગ્રામજનો અને રેસ્ક્યુ ટીમના સંયુક્ત પ્રયાસોથી બાળકોની લાશને શોધી કાઢવામાં આવી હતી. બંનેને તાત્કાલિક ડેડિયાપાડા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.
આ ઘટનાએ નદીઓની આસપાસના વિસ્તારોમાં સલામતીનાં પગલાંની અછતની પોલ ખોલી છે. તંત્ર દ્વારા નદી કાંઠાનાં ગામોમાં ચેતવણી બોર્ડ લગાવવા, પુલોનું નિરીક્ષણ કરવું અને ચોમાસા દરમિયાન પાણીના પ્રવાહની નિયમિત દેખરેખની જરૂર છે.
ગડખોલ ગામે છઠ્ઠ પૂજાના જળકુંડમાં 4 વર્ષીય બે બાળક ડૂબ્યા, એકનું મોત
અંકલેશ્વર: અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારમાં મહેન્દ્રનગરમાં વરસાદી માહોલ વચ્ચે મોટી દુર્ઘટના સામે આવી હતી. મહેન્દ્ર નગરમાં શિવ મંદિર કમ્પાઉંડમાં ઉત્તર ભારતીયોના પર્વ છઠ પૂજા માટે બનાવાયેલા જળકુંડમાં ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતા. આ દરમિયાન ૪ વર્ષીય વિનીતસિંહ અને 4 વર્ષીય આદિત્ય બંને રમી રહ્યા હતા, તે દરમિયાન અચાનક બંને બાળક કુંડમાં પડ્યા હતા. જે પૈકી ચાર વર્ષીય વિનીતનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. જ્યારે આદિત્યનો આબાદ બચાવ થયો હતો. આ અંગેની જાણ થતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને વિનીતના મૃતદેહને કુંડમાંથી બહાર કાઢ્યો હતો. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.