વડોદરા: જિલ્લા પંચાયત ઉપર ફરીવાર ભાજપનો ભગવો લહેરાયો છે. 2015 ની ચૂંટણીમાં હાર ખાધા પછીના પાંચ વર્ષ બાદ 2021 ની ચૂંટણીમાં સત્તા કબજે કરી છે. કુલ 34 બેઠકો પૈકી 25 બેઠકો ભાજપે કબજે કરી સત્તા મેળવી છે. જયારે કોંગ્રેસે માત્ર છ બેઠકો મેળવી છે.
જિલ્લા પંચાયત વડોદરા ગ્રામ્યની સાત બેઠક ઉપર છ ભાજપે અને એક કોંગ્રેસ મેળવી છે. પાદરાની છ બેઠકો પૈકી ભાજપે ચાર અને કોંગ્રેસે બે બેઠક મેળવી છે. કરજણની ચાર બેઠકો પૈકી ભાજપની બે અને 1 કોંગ્રેસને ફાળે ગઈ છે. શિનોરની બે બેઠકો માંથી ભાજપે બંને બેઠકો કબજે કરી છે. ડભોઈની 4 બેઠકોમાંથી ભાજપે 3 અને કોંગ્રેસે એક બેઠક જીતી છે. વાઘોડીયાની ચાર બેઠકો પૈકી બે ભાજપે જીતી છે.
જયારે કોંગ્રેસે એક પણ બેઠક જીતી નથી. સાવલીની પાંચ બેઠક ઉપર ભાજપ 4 બેઠક જીતી છે. જયારે કોંગ્રેસે એક બેઠક જીતી છે. અને ડેસરની 2 બેઠક પૈકી બંને બેઠક ભાજપે જીતી લીધી છે. એક પણ અપક્ષ ઉમેદવારનો વિજય થયો નથી. આમ ભાજપ 25 બેટક સાથે જિલ્લા પંચાયતમાં સત્તારૂઢ થશે.
વડોદરા જિલ્લાની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સત્તા હાંસલ કરી છે. જયારે કોંગ્રેસનો રકાસ થયો છે. કુલ 167 બેઠકો પૈકી ભાજપે 85 બેઠક જયારે કોંગ્રેસે 23 બેઠક હાંસલ કરી છે. જયારે 5 બેઠક અપક્ષોએ જીતી છે.
વડોદરા ગ્રામ્યની 28 બેઠકોમાંથી ભાજપે 15 જયારે કોંગ્રેસે 5 બેઠકો જીતી છે. કરજણની કુલ વીસ બેઠક પૈકી દસ ભાજપ, કોંગ્રેસને એક ફાળે ગઈ છે. શિનોરની 16 બેઠક પૈકી દસ ભાજપ અને પાંચ કોંગ્રેસને ફાળે ગઈ છે. જયારે એક અપક્ષ ઉમેદવાર જીત્યા છે. ડભોઈની વીસ બેઠકો પૈકી આઠ ભાજપ અને એક કોંગ્રેસને ફાળે ગઈ છે. એક બેઠક અપક્ષ જીતી છે. વાઘોડીયાની વીસ બેઠક પૈકી ભાજપે 13 બેઠક જીતી છે. કોંગ્રસને એક પણ બેઠક મળી નથી. એક અપક્ષની બેઠક આવી છે.
સાવલીની 22 બેઠક પૈકી 15 બેઠક ઉપર ભાજપ અને ચાર બેઠક ઉપર કોંગ્રેસ આવી છે. જયારે એક અપક્ષને ફાળે ગઈ છે. ડેસરની 16 બેઠક પૈકી પાંચ ભાજપને અને ચાર કોંગ્રેસને ફાળે ગઈ છે. એક અપક્ષ ચૂંટાઈ આવ્યા છે.
જિ.પં.ના પૂર્વ પ્રમુખ કોંગ્રેસના પન્ના અને પતિ દિલિપ ભટ્ટ હાર્યા
વડોદરા : વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પન્નાબેન ભટ્ટ અને તેમના પતિ દિલિપ ભટ્ટનો કારમો પરાજય થયો હતો. જિલ્લા પંચાયતની જરોદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર િદલિપ ભટ્ટ અને વાઘોડિયા તાલુકા પંચાયતની દેણા બેઠક ઉપર તેમના પત્ની પન્નાબેન ભટ્ટનો પરાજય થયો હતો. વડોદરા જિલ્લાની સાવલી નગર પાલિકા ઉપર 18 બેઠક સાથે ભાજપે સત્તા કબજે કરી છે. આમ સતત ચોથીવાર સાવલી નગર પાલિકા ઉપર ભગવો લહેરાયો છે.
પાદરા નગર પાલિકામાં 16 બેઠકો સાથે ભાજપે સત્તા કબજે કરી છે. ડભોઈ નગર પાલિકામાં નવ બેઠક ઉપર ભાજપ અને સાત બેઠક ઉપર કોંગ્રેસે કબજો જમાવ્યો છે. જયારે એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે.
વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર પારૂલબેન મકવાણાનો પરાજય થયો હતો. આથી તેમના ટેકેદારોએ ઈવીએમ ઉપર શંકા વ્યકત કરી હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસને મત આપવા જતા ભાજપને કેવી રીતે મત ગયા તે શંકા ઉપજાવનાર છે. જયારે ભાજપના ઉમેદવારની જીત થતા ઉજવણી કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રમુખ પન્નાબેનના પતિ દિલીપ ભટ્ટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા કારણ કે, તેઓ પન્નાબેનનું તમામ દોરીસંચાર તેઓ કરતાં હોવાથી કોંગ્રેસ પક્ષમાં જ તેમના પ્રત્યે ભારે વિરોધ વંટોળ ઊભો થયેલો અને પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ તેમનો ઠપકો પણ આપેલોએ વિગત સર્વવિદિત છે. આ હારની પાછળનો મુખ્ય કારણ ઉપરોક્ત હોઈ શકે છે.