National

પીએમ મોદીએ જાપાનની બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી, આજે ચીન જવા રવાના થશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ જાપાનના સત્તાવાર પ્રવાસ પર છે. આ બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ભારત અને જાપાનના આર્થિક મંચમાં ભાગ લીધો હતો. જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે શિખર મંત્રણા કરી અને અનેક કાર્યક્રમોમાં હાજરી પણ આપી.

આજે શનિવારે તેમની જાપાન મુલાકાતનો છેલ્લો દિવસ છે. અહીંના કાર્યક્રમો પૂર્ણ કર્યા પછી તેઓ ચીનના તિયાનજિન શહેર જવા રવાના થશે જ્યાં તેઓ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેશે.

જાપાનના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ પ્રસંગે બંને દેશોના નેતાઓએ દ્વિપક્ષીય સહકાર અને ભવિષ્યલક્ષી પ્રોજેક્ટ્સ અંગે ચર્ચા કરી.

જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાએ સોશ્યલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું કે “હું પ્રધાનમંત્રી મોદી સાથે સેન્ડાઈ જઈ રહ્યો છું. આ ક્ષણ અમારે બંને માટે ઐતિહાસિક છે.” પીએમ મોદીએ પણ આ પ્રવાસને યાદગાર ગણાવતા ફોટો શેર કર્યો હતો.

16 પ્રાંતના રાજ્યપાલોને પણ મળ્યાં: પીએમ મોદી
આ ઉપરાંત પીએમ મોદી જાપાનના 16 પ્રાંતોના રાજ્યપાલોને પણ મળ્યા હતા. તેમણે સોશ્યલ મીડિયા પર લખ્યું કે “રાજ્ય અને રાજ્ય સહકાર ભારત અને જાપાનની મિત્રતાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વેપાર, ટેકનોલોજી, નવીનતા, ઉદ્યોગસાહસિકતા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં સહયોગની અનંત સંભાવનાઓ છે.”

આ મુલાકાત દરમિયાન ભારત અને જાપાન વચ્ચે કેટલાક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા છે. જેના અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી હતી.

આજે ચીન જવા રવાના થશે: પીએમ મોદી
મુલાકાતના અંતિમ દિવસે પીએમ મોદીએ ટોક્યો ઇલેક્ટ્રોન ફેક્ટરીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબાએ તેમના સન્માનમાં લંચનું આયોજન કર્યું હતું. કાર્યક્રમો પૂર્ણ થયા પછી પીએમ મોદી બપોરે ચીનના તિયાનજિન શહેર માટે રવાના થશે.

ચીનમાં પીએમ મોદી તા.31 ઓગસ્ટ અને તા.1 સપ્ટેમ્બર દરમ્યાન યોજાનારી SCO સમિટમાં ભાગ લેશે. આ શિખર સંમેલનમાં પ્રાદેશિક સુરક્ષા, વેપાર સહકાર, આતંકવાદ વિરોધી પગલાં તથા ઉર્જા સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. ભારત માટે આ સમિટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે SCO મંચ એશિયાઈ દેશો વચ્ચેના આર્થિક અને વ્યૂહાત્મક સહકાર માટે એક અસરકારક પ્લેટફોર્મ છે.

પીએમ મોદીની આ જાપાન મુલાકાત ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ આપશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. બુલેટ ટ્રેનના અનુભવથી લઈને રાજ્યપાલો સાથેની બેઠક સુધીના કાર્યક્રમોએ બંને દેશોની મિત્રતા અને સહકારને વધુ મજબૂત બનાવ્યો છે. હવે નજર પીએમ મોદીની ચીન મુલાકાત અને SCO સમિટ તરફ છે.

Most Popular

To Top