Columns

જાપાન અને દક્ષિણ કોરિયા બ્રિક્સમાં જોડાય તો અમેરિકાની આર્થિક દાદાગીરી ખતમ થઈ જાશે

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ગયા તેને કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું બ્લડપ્રેશર વધી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં સમગ્ર વિશ્વના વેપાર આંકડા બદલવામાં વ્યસ્ત છે. જ્યારથી તેમણે સત્તા સંભાળી છે, ત્યારથી તેમનું એકમાત્ર લક્ષ્ય અમેરિકાને મોખરે રાખવાનું અને ફક્ત અમેરિકાના ફાયદાના આધારે વેપાર કરાર કરવાનું છે. આ દોડમાં, તેમણે મિત્ર અને શત્રુ, બધાને એક જ ત્રાજવે તોળ્યા છે. તેઓ ફક્ત અમેરિકાનો ફાયદો ઇચ્છે છે, જેના માટે તેઓ કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. આ જ કારણ છે કે તેમને કોઈ પણ દેશ કે સંગઠન પસંદ નથી જે અમેરિકાને પડકારતું હોય. એટલા માટે ટ્રમ્પ માત્ર ૧૬ વર્ષ પહેલાં રચાયેલા બ્રિક્સ દેશોના સંગઠનથી ડરે છે.

જો દક્ષિણ કોરિયા અને જાપાન આ સંગઠનમાં જોડાયતો અમેરિકાના શ્વાસ અદ્ધર થઈ જશે. બ્રિક્સ સંગઠન પાંચ દેશોથી શરૂ થયું હતું, પરંતુ હવે તેના સભ્યોની સંખ્યા દસ પર પહોંચી ગઈ છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ કોરિયા ઉપરાંત, ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સંયુક્ત આરબ અમીરાત અને ઇન્ડોનેશિયા પણ આ સંગઠનમાં જોડાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાપાન અને દક્ષિણ કોરિયા પર ૨૫ ટકાનો સીધો ટેરિફ લાદવામાં આવ્યા પછીઆ બે દેશો પણ બ્રિક્સમાં જોડાય તેની શક્યતા પણ વધી ગઈ છે. બ્રિક્સ દેશોના વેપારના આંકડા અને અમેરિકા અને જાપાન-દક્ષિણ કોરિયા સાથેના તેમના વેપારના આંકડા જોતાં એવું લાગે છે કે આ સંગઠનમાં દેશોની સંખ્યા ૧૨ સુધી પહોંચ્યા પછી ટ્રમ્પનો ટેરિફ પ્લાન સંપૂર્ણપણે નિષ્ફળ જશે.

દક્ષિણ કોરિયા અને જાપાન પણ બ્રિક્સમાં જોડાય તો તેની અસર સમજતા પહેલા એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે બ્રિક્સના દેશોનો તેમની સાથે કેટલો વેપાર છે. ચીન બ્રિક્સમાં સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બ્રિક્સના દેશોનો દક્ષિણ કોરિયા અને જાપાન સાથે કુલ વેપાર આશરે ૮૨૦ અબજ ડૉલર હોવાનો અંદાજ છે. વર્ષ ૨૦૨૩ના ડેટા અનુસાર ચીનનો દક્ષિણ કોરિયા સાથે દ્વિપક્ષીય વેપાર લગભગ ૩૦૦ અબજ ડૉલર હતો અને જાપાન સાથે તે લગભગ ૩૫૦ અબજ ડૉલર હતો. ૨૦૨૩માં ભારતનો દક્ષિણ કોરિયા સાથેનો વેપાર લગભગ ૨૫ અબજ ડૉલરનો હતો અને જાપાન સાથેનો વેપાર લગભગ ૨૨ અબજ ડૉલરનો હતો. રશિયાનો દક્ષિણ કોરિયા અને જાપાન સાથેનો વેપાર મુખ્યત્વે તેલ અને ગેસ પર આધારિત છે. ૨૦૨૩ માં રશિયાનો દક્ષિણ કોરિયા સાથેનો વેપાર લગભગ ૩૦ અબજ ડૉલર અને જાપાન સાથે ૨૦ અબજ ડૉલર હતો.

દક્ષિણ કોરિયા અને જાપાન સાથે બ્રાઝિલનો વેપાર મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો અને ખનિજો પર આધારિત છે, જે ૨૦૨૩ માં લગભગ ૧૫ અબજ ડૉલર જેટલો હતો. દક્ષિણ આફ્રિકાનો જાપાન અને દક્ષિણ કોરિયા સાથેનો વેપાર ખનિજો અને ઓટોમોટિવ ક્ષેત્રોમાં કેન્દ્રિત છે, જે ૨૦૨૩ માં લગભગ ૫ અબજ ડૉલર હતો. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, યુએઈ અને ઇન્ડોનેશિયા જેવા નવા બ્રિક્સના સભ્યોનો દક્ષિણ કોરિયા અને જાપાન સાથે કુલ ૫૦ અબજ ડૉલરનો વેપાર છે.

જાપાન અને દક્ષિણ કોરિયા સાથે જોડાયા પછી બ્રિક્સ સંગઠન વધુ મજબૂત બનશે અને અમેરિકાને સીધો પડકાર આપવાની સ્થિતિમાં હશે. તેની અસર જાણવા માટે આપણે બ્રિક્સના દેશો અને અમેરિકા વચ્ચે થઈ રહેલા વેપારને સમજવો પડશે. ૨૦૨૩-૨૪ના ડેટાના આધારે ૨૦૨૫ સુધીમાં અમેરિકા સાથે બ્રિક્સ દેશોનો વેપાર ૧,૧૭૦ અબજ ડૉલર સુધી પહોંચવાનો અંદાજ છે. અમેરિકાનો સૌથી મોટો વેપારી ભાગીદાર ચીન છે, જેનો અમેરિકા સાથેનો કુલ વેપાર ૨૦૨૫ માં આશરે ૭૦૦ અબજ ડૉલર થવાની ધારણા છે. ભારતનો ૨૦૨૩ માં અમેરિકા સાથેનો કુલ વેપાર આશરે ૧૯૧ અબજ ડૉલર હતો, જે ૨૦૨૫ માં ૨૫૦ અબજ ડૉલર સુધી પહોંચી શકે છે અને ૨૦૩૦ સુધીમાં લક્ષ્ય ૫૦૦ અબજ ડૉલરનું છે. બ્રાઝિલનો ૨૦૨૩ માં અમેરિકા સાથેનો વેપાર ૮૯ અબજ ડૉલર હતો, જે ૨૦૨૫ માં ૧૦૦ અબજ ડૉલર સુધી પહોંચી શકે છે.

૨૦૨૩માં અમેરિકા અને જાપાન વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર લગભગ ૨૩૦ અબજ ડૉલરનો હતો, જે ૨૦૨૫માં ૩૦૦ અબજ ડૉલર સુધી પહોંચવાની ધારણા છે. જાપાન સાથે અમેરિકાની વેપાર ખાધ ૭૦ અબજ ડૉલર છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાપાનને સૂચન કર્યું છે કે જો જાપાની કંપનીઓ અમેરિકામાં ઉત્પાદન કરે તો ૨૫ ટકા ટેરિફ ટાળી શકાય છે. ૨૦૨૩માં દક્ષિણ કોરિયા અને અમેરિકા વચ્ચેનો વેપાર લગભગ ૧૫૦ અબજ ડૉલર હતો, જે ૨૦૨૫માં ૨૦૦ અબજ ડૉલર સુધી પહોંચી શકે છે. આનાથી અમેરિકાને લગભગ ૨૮ અબજ ડૉલરની વેપાર ખાધ રહેશે.

ચાલો માની લઈએ કે જાપાન અને દક્ષિણ કોરિયા બ્રિક્સ સંગઠનમાં જોડાય તો અમેરિકા સાથેના તેમના વેપારને અસર થશે, પરંતુ આ બંને દેશોનો અમેરિકા સાથેનો કુલ વેપાર ફક્ત ૫૦૦ અબજ ડૉલર સુધીનો છે, જ્યારે તેમનો બ્રિક્સના દેશો સાથેનો કુલ વેપાર ૮૨૦ અબજ ડૉલરનો છે. જો બ્રિક્સના દેશો એકબીજા સાથે મુક્ત વેપાર કરાર કરેતો જાપાન અને દક્ષિણ કોરિયાના આ નુકસાનની ભરપાઈ સરળતાથી થઈ જશે. તેમને સ્થાનિક ચલણમાં વેપાર કરવાનો પણ લાભ મળશે. બ્રિક્સ સંગઠન આ બે દેશો સાથે હાથ મિલાવે તો અમેરિકા સાથેના તેના કુલ ૧,૧૭૦ અબજ ડૉલરના વેપારમાં પડનારી સંભવિત ખોટને પણ મોટા પ્રમાણમાં ભરપાઈ કરી શકાશે.

જાપાન આમ તો અમેરિકાનો આશ્રિત દેશ ગણાય છે, પણ તેણે અમેરિકાની દાદાગીરી સામે માથું ઊંચકવા માંડ્યું છે. તેની નિશાનીના રૂપમાં જાપાનના ટોચના વેપાર વાટાઘાટકાર ર્યોસેઈ અકાઝાવાએ તેમની અમેરિકાની મુલાકાત રદ કરી છે. આ મુલાકાત છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી તેના કારણે ૫૫૦ અબજ ડૉલરના રોકાણ પેકેજ પરની વાટાઘાટોમાં વિલંબ થશે. જાપાને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ૨૫ ટકાના ટેરિફમાંથી મુક્તિ મેળવવા માટે આ પેકેજ રજૂ કર્યું છે.

અકાઝાવા રોકાણની શરતો નક્કી કરવા વોશિંગ્ટન જઈ રહ્યા હતા. અમેરિકા અને જાપાન વચ્ચે નફો કેવી રીતે વહેંચવામાં આવશે તેની મંત્રણા થવાની હતી. એ બીજી બાબત છે કે જાપાન આ પહેલાં પણ કડક વલણ અપનાવી ચૂક્યું છે. જાપાને આ પગલું એવા સમયે લીધું છે જ્યારે અમેરિકા અને ભારત વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકાએ ભારતીય માલ પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો છે. જાપાન ભારત સાથે મૈત્રી ધરાવે છે. ભારતના વડા પ્રધાન મોદીની જાપાન મુલાકાતના ટાંકણે જ જાપાન તરફથી આ પગલું લેવામાં આવ્યું હોવાથી ડોનાલ્ડ ટ્રમ્પનું બ્લડપ્રેશર વધી ગયું છે.

જુલાઈમાં બંને દેશો જાપાની વસ્તુઓ પરનો ટેક્સ ૧૫ ટકા ઘટાડવા સંમત થયા હતા. તેના બદલામાં જાપાન અમેરિકાને રોકાણ પેકેજ આપવાનું હતું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાને આ સોદામાં ૯૦ ટકા નફો મળશે. હવે આ કરાર પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સોદામાં જાપાન સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જાપાને ડોનાલ્ડ ટ્રમ્પના દબાણમાં આવીને આ સોદો કર્યો હતો. હવે જાપાને આ સોદાનો અમલ જ અટકાવી દીધો છે. જાપાની અધિકારીઓએ જણાવ્યું હતું કે રોકાણ અંગેનો નિર્ણયો બંને દેશોને થતા ફાયદાઓને ધ્યાનમાં લીધા પછી જ લેવામાં આવશે. અકાઝાવાની મુલાકાત રદ થવાથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો અંગે ચિંતા વધી છે. જાપાન ઇચ્છે છે કે અમેરિકા કરમુક્તિ આપે તો અમેરિકા ઇચ્છે છે કે જાપાન વધુ રોકાણ કરે. વાતચીતમાં વિલંબથી આર્થિક નુકસાન થઈ શકે છે.

બ્રિક્સ પછી હવે જાપાન હવે અમેરિકાના ટ્રેઝરી બોન્ડ વેચી રહ્યું છે અને પ્રતિકૂળ વ્યાજદરના દાવથી તેને થયેલા નુકસાનને ઘટાડી રહ્યું છે. નવીનતમ ડેટા દર્શાવે છે કે જાપાને માર્ચ ૨૦૨૫ સુધીમાં ૬૩ અબજ ડૉલરના મૂલ્યના અમેરિકન અને યુરોપિયન સોવરિન બોન્ડનું વેચાણ કર્યું છે. અમેરિકન બોન્ડનું વેચાણ સેન્ટ્રલ બેંક ઓફ જાપાનના પોર્ટફોલિયોના લગભગ છઠ્ઠા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. જાપાન ભારે દબાણ હેઠળ છે કારણ કે યેન અમેરિકન ડૉલર સામે ૩૪ વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયો છે. તેથી, જાપાન બજારમાં અમેરિકન અને યુરોપિયન સોવરિન બોન્ડ ડમ્પ કરીને બ્રિક્સની નકલ કરી રહ્યું છે. જાપાન પાસે ૧,૩૦૦ અબજ ડૉલરના અમેરિકન ટ્રેઝરી બોન્ડ છે. જો જાપાન આ બોન્ડ વેચવા કાઢે તો અમેરિકામાં આર્થિક ભૂકંપ આવી શકે છે. જો મોદી જાપાનને બ્રિક્સમાં જોડાવવા માટે સમજાવવામાં સફળ થાય તો તે તેમની મોટી જીત હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top