તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા મંત્રાલયે રિપોર્ટ જાહેર કર્યો છે કે વર્ષ 2023-24માં ગુજરાતમાં સરકારી ગોડાઉનોમાં 4322 મે.ટન અનાજ બગડી ગયું હતું. તેમજ વર્ષ 2024-25માં 6278 મે.ટન અનાજ ખાવા લાયક રહ્યું ન હતું. આમ કુલ મળીને 10,600 મે.ટન અનાજ બગડી ગયુ હતું. જેની કિંમત રૂપિયા 34.50 કરોડ થવા જાય છે. આના ઉપરથી એક બાબતનો ખ્યાલ આવે છે કે રાજ્યમાં સરકારી ગોડાઉનોની દશા એવી છે કે, ભારે વરસાદ, કે પૂર આવે તો સરકારી ગોડાઉનો અનાજને સલામત કે સુરક્ષિત રાખી શકે તેવા સક્ષમ નથી. જો આ અનાજ સંગ્રહવાની બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવી હોત તો દેશના લાખો ગરીબો સુધી તે અનાજ પહોંચાડી શકાયુ હોત. એક તરફ દેશના લાખો ગરીબોને બેટંક પૂરતું ભોજન પણ નથી મળતું તો બીજી તરફ સરકારી ગોડાઉનોમાં યોગ્ય અને પૂરતી જાળવણીના અભાવે અનાજ બગડી જાય અને તે ગરીબો સુધી પહોંચાડી ન શકાય, તેનાથી મોટી વિડંબણા બીજી શી હોઇ શકે? કેન્દ્રના અન્ન પૂરવઠા વિભાગે સરકારી ગોડાઉનોમાં અનાજની સંભાળ લેવા અર્થે 2 વર્ષ અગાઉ ભલામણો જે કેટલીક કરી છે તે લક્ષમાં લઇ તાકીદે યોગ્ય ઘટતા પગલાં લેવા રહ્યા.
પાલનપુર- મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ભર ચોમાસે ફરવા જવાનો શોખ ?
છેલ્લાં 3 વર્ષથી ઉત્તરાખંડના કોઈ ભાગમાં વાદળ ફાટવાથી ખૂબ વરસાદ પડે છે, પૂર આવે છે, અનેક લોકો જીવ ગુમાવે છે, મિલકત-રસ્તાઓની ખાના-ખરાબી થાય છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ વ.વિસ્તારોમાં વરસાદ આમેય ખૂબ વધારે હોય છે. પૂર ત્યાં સામાન્ય ઘટના છે. આવા માહોલમાં લોકો ત્યાં સુધી ફરવા કેમ થાય છે તે સમજાતું નથી. 2013 માં કેદારનાથમાં ભયંકર પૂર આપેલ હતા. તે સમયે હૈદ્રાબાદની એન્જીનિયરીંગ કોલેજનાં 26 વિદ્યાર્થીઓ નદીનાં ધસમસ્તા પ્રવાહમાં તણાઈ ગયા હતા. આ વખતના પૂરમાં તમામ ગુજરાતી પ્રવાસીઓ સલામત હોવાની સરકારે જાહેરાત કરી છે. આ તમામ ગુજરાતી પ્રવાસીઓ સલામત હોવાની વાત સારા છે. પરંતુ તણાઈ ગયેલ મૃતકો પરત્વે ગુજરાત સરકારે સહાનુભૂતિનો એકપણ શબ્દ ઉચ્ચારેલ નથી તે શોભનીય છે? તેઓ ભલે ગુજરાતના ન હોય, તેઓ આપણા બંધુઓ છે અને તેમણે જીવ ગુમાવ્યા બદલ આપણને અફસોસ થવો જોઈતો હતો.
પાલનપુર, બનાસકાંઠા- અશ્વિનકુમાર કરીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.