સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર જૂન 2025 ના ક્વાર્ટર દરમિયાન ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) માં 7.8 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડો ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં 6.5 ટકાના વિકાસ કરતા સારો છે. જ્યારે પાછલા ક્વાર્ટરમાં GDP દર 7.4 ટકા હતો. ઔદ્યોગિક વિકાસને કારણે કામગીરી પર દબાણ હતું. આ વૃદ્ધિ દર RBI ના 6.5 ટકાના અંદાજ કરતા પણ વધારે છે.
PTI ના સમાચાર અનુસાર આ વૃદ્ધિ અમેરિકા દ્વારા ભારત પર ઊંચા ટેરિફ લાદવામાં આવ્યા તે પહેલાંની છે. શુક્રવારે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય (NSO) દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર ખેતી (કૃષિ ક્ષેત્ર) એ આ વૃદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ ક્વાર્ટરમાં કૃષિ ક્ષેત્રે 3.7 ટકાનો વિકાસ નોંધાવ્યો છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.5 ટકા હતો. સરકાર માને છે કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનું અર્થતંત્ર મજબૂત રીતે વધશે, જોકે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને ચોમાસાની સ્થિતિ પર પણ નજર રાખવામાં આવી રહી છે.
ભારત સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર બન્યું
ભારતે ફરી એકવાર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થાનો ખિતાબ જાળવી રાખ્યો છે. આ પ્રદર્શનની તુલનામાં ચીનનો GDP વૃદ્ધિદર આ જ સમયગાળામાં 5.2 ટકા રહ્યો. ઉત્પાદન ક્ષેત્રે નજીવો સુધારો દર્શાવ્યો અને 7.7 ટકાનો વિકાસ નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 7.6 ટકા હતો. અગાઉનો સૌથી વધુ GDP વૃદ્ધિદર જાન્યુઆરી-માર્ચ 2024માં જોવા મળ્યો હતો જ્યારે અર્થતંત્ર 8.4 ટકાના દરે વધ્યું હતું.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આ મહિનાની શરૂઆતમાં 2025-26 માટે GDP વૃદ્ધિદર 6.5% રહેવાનો અંદાજ મૂક્યો હતો. એપ્રિલ-જૂનનો 7.8% નો વિકાસદર RBIના અંદાજ કરતા ઘણો વધારે છે જે આર્થિક મજબૂતાઈ તરફ નિર્દેશ કરે છે, જોકે ભારે યુએસ ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતાઓની અસર ભવિષ્યમાં જોઈ શકાય છે.