સુરતથી દુબઈ આવી રહેલી ખાનગી એરલાઈન્સ ઈન્ડિગોની ફ્લાઈટના એન્જિનમાં સમસ્યા ઉભી થતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પાયલોટે સમયસૂચકતા વાપરીને ફ્લાઈટને ડાયવર્ટ કરી હતી. આ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. આમ, મોટી દુર્ઘટના ટળી હતી.
- મધદરિયે પ્લેનનું એન્જિન અચાનક બગડતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
- પાયલોટે સમયસૂયકતા દાખવી પ્લેનને અમદાવાદ તરફ વાળી લીધું
- સહીસલામત પ્લેન લેન્ડ થતાં મુસાફરો સહિત તમામે રાહતનો શ્વાસ લીધો
સુરતથી આજે સવારે દુબઈ ખાતે રવાના થયેલી ફ્લાઈટમાં મધદરિયે ટેક્નિકલ ખામી સર્જાતાં પાયલોટ દ્વારા તાત્કાલિક પ્લેનને અમદાવાદ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. પ્લેનનાં એન્જીનની ક્ષમતામાં ખામી સર્જાતાં અમદાવાદ ખાતે લેન્ડ થયા બાદ હાલમાં ટેક્નિકલ સ્ટાફ દ્વારા પ્લેનનું ઝીવણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે.
જો કે, આ સમસ્યાને પગલે પ્લેનમાં સવાર મુસાફરોનાં જીવ તાળવે ચોંટ્યા હતા. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બોર્ડરની નજીક પહોંચેલા પ્લેનનાં એન્જીનમાં સમસ્યાને પગલે પાયલોટ દ્વારા ત્વરિત આ નિર્ણય લેતાં મોટી હોનારત ટળવા પામી છે.
અલબત્ત, આજે સવારે 9.45 વાગ્યે ઈન્ડિગો એરલાઈન્સનું પ્લેન સુરતથી દુબઈ ખાતે રવાના થયું હતું. નિર્ધારિત 12.30 કલાકે દુબઈ ખાતે આ પ્લેન લેન્ડ થાય તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સીમા મધદરિયે પ્લેનનાં નજીક એન્જીનમાં ખામી જોવા મળતાં પાયલોટ સતર્ક થઈ ગયા હતા.
કોઈપણ પ્રકારની સંભાવનાને ધ્યાને રાખીને પાયલોટ દ્વારા તાત્કાલિક પ્લેનને અમદાવાદ એરપોર્ટ ખાતે ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. 172 મુસાફરોની કેપિસીટી ધરાવતાં પ્લેનમાં અંદાજે 100થી વધુ મુસાફરો હોવાનું જાણવા મળ્યું છે.
સપ્તાહમાં બે દિવસ ઉડતી દુબઈની આજની ફ્લાઈટમાં એન્જીનમાં સમસ્યા સર્જાતાં પાયલોટ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે લેન્ડ કરાવવામાં આવતાં એરપોર્ટ ખાતે ફરજ બજાવતાં ટેક્નીકલ સ્ટાફ પણ સતર્ક થઈ ગયો હતો. હાલમાં પ્લેનનાં એન્જીનની સધન તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ દુબઈની ફ્લાઈટમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આખરે અમદાવાદ ખાતે પ્લેનનું સફળતાપૂર્વક લેન્ડિંગ થતાં મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે.
અમદાવાદ પ્લેન ક્રેશની યાદ તાજી થઈ
જુન મહિનામાં અમદાવાદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બપોરનાં સુમારે લંડન ખાતે જઈ રહેલ ફ્લાઈટ ગણતરીનાં સેકન્ડમાં ધડાકાભેર તુટી પડતાં 200થી વધુ નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. આ ઘટનાને પગલે સમગ્ર દુનિયામાં ભારે ચકચાર મચી જવા પામી હતી. એવિએશન સેક્ટરમાં પણ બોઈંગનાં વિમાનોની ગુણવત્તા અને સુરક્ષાનાં માપદંડો પર પ્રશ્નાર્થ ઉઠ્યા હતા. જો કે, આ ઘટના બાદ હવાઈ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ ભારે હોલાહલ જોવા મળ્યો હતો અને ખાનગી કંપનીઓ દ્વારા પણ વિમાનોની સુરક્ષા સંદર્ભે જરૂરી પગલાં ભરવામાં આવ્યા હતા.