પ્રતિનિધિ સંખેડા
તેર વર્ષ અગાઉ સંખેડાન ગોલાગામડી નજીકથી ચૂંટણી સમયે કાવીઠાના નરહરિભાઇ પટેલને કારમાં રૂા. ૬ લાખ રોકડા લઇ જતા ઝડપી પાડી તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતા અદાલતે બચાવ પક્ષના ધારાશાસ્ત્રીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જો કે રોકડ રકમ સરકારને ખાલસા કરવા જણાવાયું છે. કાવીઠા ગામના આગેવાન નરહરિભાઈ પટેલ વિધાનસભાની ચૂંટણી ટાણે ગત ૨૦૧૨ના ૧૦મી ડિસેમ્બરે પોતાની સ્વીફ્ટ ડિઝાયર કારમાં છ લાખ રોકડા લઈ પસાર થતા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. તેમણે આ નાણાં ભાજપાના કાર્યકર માટે ભાડા અને અન્ય ખર્ચના હોવાનું લેખિત તેમજ મૌખિક જણાવ્યું હોવા છતાં તેમની સામે ગુનો દાખલ કરી નાણાં કબ્જે કરવામાં આવ્યા હતા. આ કેસ અત્રેના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ પંક્તિ સોનીની કોર્ટમાં ચાલી જતા આરોપી તરફે વકીલ સંજય પરમારની દલીલોને ગ્રાહ્ય રાખી ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો હોવાનું જણાવી નરહરિ પટેલને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.