Comments

રસ્તાઓ ઉપર ટ્રાફિક વધતો જાય છે ત્યારે આ આંકડો ગંભીરતાથી લેવા જેવો છે

એક જમાનો હતો જ્યારે અમારા સિદ્ધપુર જેવડા નાનકડા શહેરમાં કોઈ સાઇકલ છોડાવે એટલે કે સાઇકલવાળાની દુકાનેથી નવી સાઇકલ ખરીદે તો બધા એની સામે અહો્ભાવથી જોઈ રહેતા. છાપાનાં ફેરિયાવાળાથી માંડી કૉલેજનાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો સુદ્ધાં સાઇકલ વાપરતા. ડૉક્ટર પી. સી. વૈદ્ય સાહેબ જેવા પ૨મ વિદ્વાન વ્યક્તિને મેં સાઇકલ પર આવતાં જોયા છે. હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરિયન ડૉ. એલ. એમ. પાધ્યા સાહેબ એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિત્વ. ટાઇ, સુટ-બુટમાં રહે. ગુજરાતની સૌથી અદ્યતન લાઇબ્રેરી એટલે કે એમ.એસ.યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીના એ વડા, પણ આવે એ સાઇકલ ૫૨ જ.

એક જમાનો હતો જ્યારે સ્કૂટર વસાવવું તે મોભાનું પ્રતીક ગણાતું અને ગાડી તો ભાગ્યે જ ગણ્યાગાંઠ્યા લોકો વસાવી શકતા. હું જ્યારે ૧૯૭૦ના દાયકામાં કૉલેજમાં ભણતો હતો ત્યારે વેસ્પા સ્કૂટર નોંધાવીએ ત્યાર બાદ ૧૫-૧૬ વર્ષનો વેઇટિંગ પીરિયડ હતો અને લેમ્બેટા ૯-૧૦ વર્ષે મળતું. આ દેશમાં બે જ ગાડીઓ બનતી, એક ફિયાટ અને બીજી એમ્બેસેડર. બંને લગભગ ૨૫,૦૦૦ની કિંમતની આજુબાજુમાં મળતી. આ ખખડધજ ગાડીઓ માટે હળવાશમાં એવું કહેવાતું કે એમાં હોર્ન સિવાય બધું જ વાગે અને તોય ફિયાટનું પ્રીમિયમ પદ્મિની મૉડેલ માટે વેઇટિંગ પીરિયડ હતો.

આગળ જતાં એમ્બેસેડરે કોન્ટેસા કાઢેલી અને એક અત્યંત નાજુક-નમણી ગઝલ પણ બજારમાં આવેલી. આ બધાનો એક ભવ્ય ભૂતકાળ હતો. આજે તો રસ્તા ઉપર જાતજાતની કંપનીઓનાં દ્વિચક્રી અને ચાર પૈંડાંવાળાં વાહનોની ભરમાર છે. આયાતી ગાડીઓ પણ આંખ મીંચીને હાથ લંબાવો એમ રસ્તા ઉપર ફરતી જોવા મળે છે. ભારતમાં ૨૦૧૯-૨૦ નાણાંકીય વર્ષથી ૨૦૨૩-૨૪ સુધીનાં બે પૈંડાંવાળાં વાહનો સંખ્યા તેમજ પેસેન્જર વાહનોની સંખ્યા સોસાયટી ઑફ ઇન્ડિયન ઑટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના સંદર્ભથી નીચે પ્રમાણે રહી. ઉપરોક્ત વિગતો પરથી જોઈ શકાશે કે ૨૦૨૩-૨૪ના વર્ષ સુધી છેલ્લાં પાંચ વર્ષમાં દ્વિચક્રી વાહનોના વેચાણમાં લગભગ સ્થગિતતા અથવા ઘટાડો નોંધાયો છે, જ્યારે પેસેન્જર વાહનોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે.

આ ચર્ચાના પરિપ્રેક્ષ્યમાં એમ પણ કહી શકાય કે, વાહનોની વધતી જતી સંખ્યાને કારણે માર્ગ અકસ્માતો પણ સતત વધી રહ્યા છે. ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા ઉપલબ્ધ વિગતો મુજબ ૨૦૨૧ બાદ ૪,૦૩,૧૧૬ માર્ગ અકસ્માતો થયા જેમાંથી ૨,૪૦,૮૨૮ એટલે કે લગભગ ૬૦ ટકા જેટલા માર્ગ અકસ્માતોનું કારણ ઓવર સ્પીડીંગ અર્થાત્ બેફામ ઝડપે વાહન ચલાવવું તે છે. તાજેતરમાં જ અમદાવાદમાં ઝાંસીની રાણીના બાવલા જેવા પૉશ વિસ્તારમાં જ્યાં રસ્તાઓ પણ પ્રમાણમાં સારા અને પહોળા છે ત્યાં એક યુવાને બેફામ ગતિએ પોતાની કાર હંકારતાં બે આશાસ્પદ યુવાનોનાં મોત નિપજ્યાં હતાં. હાઈ વે હોય કે શહેર, માર્ગ અકસ્માતો અને એનાથી થતાં મૃત્યુની સંખ્યા સતત વધતી રહી છે.

આ બાબતથી ચિંતિત થઈને કેન્દ્ર સરકારે ૨૦૩૦ના અંત સુધીમાં માર્ગ અકસ્માતમાં ૫૦ ટકા ઘટાડો કરવા માટેનું લક્ષ્યાંક રાખી રોડ-રસ્તાઓની ગુણવત્તા તેમજ સ્પીડ પર નિયમન અને ઓવર સ્પીડીંગ કરતાં વાહનો માટે રોડ ઉપર સંજ્ઞાઓની સાથોસાથ રાજ્ય ધોરી માર્ગ, નેશનલ હાઈ વે કે પછી એક્ષપ્રેસ હાઇ વે પર પાંચ કિ.મી.ના અંતરે સ્પીડો મીટર લગાવવા જેવાં પગલાં લેવાનું નક્કી કર્યું છે. જે વ્યક્તિ ગતિમર્યાદાનો ભંગ કરશે તેને આગળના ટોલટેક્સ પર ચેતવણી આપવામાં આવશે એટલું જ નહીં પણ હવે આવી રહેલા કાયદા પ્રમાણે આ પ્રકારે ઓવર સ્પીડીંગ કે નશો કરીને વાહન ચલાવવા જેવા ગુનાઓ બદલ લાઇસન્સ રદ કરવું, ભારે દંડ અથવા ફોજદારી ગુનો નોંધી એની કાનૂની કાર્યવાહી કરવા જેવાં પગલાંઓનો સમાવેશ થશે.

ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયનાં સૂત્રો પાસેથી ઉપલબ્ધ માહિતી મુજબ મોટર વ્હીકલ ઍક્ટ તેમજ સંબંધિત કાયદાઓમાં જરૂરી સંશોધન કરી ૨૦૩૦ સુધીમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ૫૦ ટકા ઘટે તેવી નેમ સાથે ભારત સરકાર કાર્યવાહી કરવા માગે છે. એક એવું પણ તારણ નીકળ્યું છે કે, જ્યાં રસ્તા પર વળાંકો ઓછા હોય અને રસ્તો એકદમ સરસ અને સીધોસટ હોય ત્યાં પ્રમાણમાં અકસ્માતો વધારે થાય છે. માર્ગ વાહન-વ્યવહારમાં સલામતીની અગત્ય દર્શાવતું એક સૂત્ર એવું કહે છે કે, ‘સાવચેતી હટી, દુર્ઘટના ઘટી’. આપણે ત્યાં જ્યારે એક બાજુ સારા રસ્તાઓ અને એ થકી કરવામાં આવતી મુસાફરી તેમજ માલ-પરિવહનની ટકાવારી વધતી જાય છે ત્યારે મુસાફરી સલામત બની રહે એ જોવાની ફરજ એકલા ભારત સરકારના માથે ન થોપી દેવાય. સરેરાશ દર વર્ષે દોઢ લાખ માણસો માર્ગ અકસ્માતમાં જાન ગુમાવે છે.

આનો અર્થ એ થાય કે રોજનાં ૪૧૧ લોકો અને દર કલાકે ૧૭ માણસો તેમજ દર સાડા ત્રણ મિનિટે દેશમાં ક્યાંક ને ક્યાંક માર્ગ અકસ્માતમાં મોંઘેરી જિંદગી હોમાઈ જાય છે. ભારત સરકાર આ બાબત સતર્ક બનીને ૨૦૩૦ સુધી માર્ગ અકસ્માતોનું પ્રમાણ પ૦ ટકા ઘટાડવા માગે છે અને તે માટે જરૂરી કાયદામાં ૨૦૨૫ના અંત સુધીમાં સુધારા કરવા માગે છે તે આવકારદાયક અને સાચી દિશાનું પગલું છે પણ એની સફળતાનો આધાર વાહનચાલકો કેટલા જવાબદાર નાગરિકો તરીકે વર્તે છે તેના ઉપર રહેશે, કારણ કે, બે હાથ વગર તાળી પડતી નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top