મકરપુરા લેન્ડફીલ સાઈટ પર કચરો સમથળ કરવા પોકલેઇન મશીનો ભાડેથી લેવાશેટ
ટેન્ડર સ્ક્રુટિની દરમિયાન પાંચમાંથી બે એજન્સીઓ ડિસ્કવોલીફાઈ થઈ હતી
વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મકરપુરા લેન્ડફીલ સાઈટ ખાતે કચરાને સમથળ કરવાની કામગીરી માટે પોકલેઇન (હિટાચી-200 અથવા સમકક્ષ) મશીનો ભાડેથી લેવા માટે પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. આ કામગીરી માટે પ્રતિ કલાકના ભાવે ઇ-ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પાલિકા દ્વારા જાહેર થયેલા ટેન્ડરમાં કુલ પાંચ એજન્સીઓએ ભાગ લીધો હતો. જેમાંથી બે એજન્સીઓ સ્ક્રુટિની દરમિયાન ડિસક્વોલિફાઇ થતાં બાકીની ત્રણ એજન્સીઓના પ્રાઈઝ બીડ ખોલવામાં આવ્યા હતા. જેમાં વડોદરાની મે. એસ.એમ. પટેલ એ પ્રતિ કલાક રૂ. 1300/- નો દર રજૂ કર્યો હતો. બાદમાં દર ઘટાડો જણાવાતા તેમણે તા. 21-8-2025 ના પત્ર દ્વારા ભાવ ઘટાડીને રૂ.1080/- પ્રતિ કલાક કરવા સંમતિ આપી હતી. આ દર અંદાજીત દર કરતાં ઓછો હોવાથી તેઓનો દર સૌથી નીચા હતા. બીજી એજન્સી ઓડેદરા કન્સ્ટ્રક્શન કો.એ રૂ. 1350/- પ્રતિ કલાકનો દર રજૂ કર્યો હતો, જે અંદાજીત દર કરતાં આશરે 25 ટકા વધારે હતો. જ્યારે માધવ એન્ટરપ્રાઇઝે રૂ. 1440/- પ્રતિ કલાકનો દર રજૂ કર્યો હતો, જે અંદાજ કરતાં 33.33 ટકા વધારે હતો.
ટેન્ડર સ્ક્રુટિની કમિટીએ સૌથી ઓછો દર આપનાર મે. એસ.એમ. પટેલને ટેન્ડર ફાળવવા માટે ભલામણ કરી છે. આ કામગીરી માટે કુલ રૂ. 1.09 કરોડની નાણાકીય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ખર્ચ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના બજેટ હેડ હેઠળ કરવામાં આવશે. હવે આ પ્રસ્તાવ મંજુરી માટે વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે. આગામી શુક્રવારે સ્થાયી સમિતિ આ અંગે નિર્ણય લેશે.