ગણેશોત્સવની ઉજવણીની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે ત્યારે સુરતના એક ઝવેરીએ અનોખું કામ કર્યું છે. ઝવેરીએ વિશ્વની સૌથી નાના કદની ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ માત્ર 1 ઈંચ ઊંચી અને 10 ગ્રામ વજનની છે. 3ડી પ્રિન્ટ ટેક્નોલોજી અને એન્ટિક ફિનિશ ટેક્નિકનો ઉપયોગથી 22 કેરેટ સોનામાંથી બનાવાયેલી આ મૂર્તિ ઝીરો ડિફેક્ટ ધરાવે છે.
- ગણેશજી અને લક્ષ્મીજીની વિશ્વની સૌથી નાના કદની મૂર્તિ સુરતના ઝવેરીએ બનાવી
- 22 કેરેટ સોનામાંથી તૈયાર થયેલી મૂર્તિની લંબાઈ માત્ર એક ઈંચ, વજન 10 ગ્રામ
- સુરતના ઝવેરીએ ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં આ મૂર્તિઓને સ્થાન મળે તે માટે પ્રયાસ આદર્યા
મૂર્તિ બનાવનાર ઝવેરી વિરેન ચોક્સીએ કહ્યું કે, મૂર્તિની કારીગીરી ખૂબ ઝીણવટભરી છે. તેના નિર્માણમાં 20 દિવસનો સમય લાગ્યો છે. 40 કારીગરોએ આ મૂર્તિ બનાવવા મહેનત કરી છે. તેની કિંમત 1.50 લાખ રૂપિયા છે. આ મૂર્તિને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે અરજી કરાઈ છે.
આ નાની મૂર્તિ બનાવવા પાછળું કારણ જણાવતા વિરેન ચોક્સીએ કહ્યું કે, પીળી ધાતુ સોનાની કિંમત ખૂબ વધી છે. તેથી ગ્રાહકોને પોષાય એવી કિંમતે ભગવાનની મૂર્તિ ઉપલ્બ્ધ કરાવવા તેનો આકાર નાનો કરાયો છે. નાની મૂર્તિ હોવા છતાં તેની ગુણવત્તા ઉત્તમ છે.