વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. ગઈકાલે સોમવારે અમદાવાદમાં જાહેર સભાના સંબોધન બાદ આજે મંગળવારે વડાપ્રધાન હાંસલપુર સ્થિત મારૂતિ સુઝુકી કંપનીના પ્લાન્ટ પર પહોંચ્યા હતા. અહીં તેઓએ મારુતિ સુઝુકીની પહેલી ઈલેક્ટ્રિક કાર મારૂતિ ઈ વિટારા લોન્ચ કરી હતી. આ સાથે બેટરી પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું હતું.
ભારતમાં ઉત્પાદિત મારૂતિની આ પહેલી ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરાશે. આ કાર સિંગલ ચાર્જમાં 500 કિલોમીટરનું માઈલેજ આપશે એવો કંપનીનો દાવો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું કે, હવે ભારતમાં ઉત્પાદિત ઇલેક્ટ્રિક વાહનો વિશ્વના 100 દેશોમાં એક્સપોર્ટ થશે. આજનો દિવસ ભારત અને જાપાનની મિત્રતા માટે નવો પડાવ છે. હું દેશવાસી અને મારુતિ સુઝુકી કંપનીને અભિનંદન પાઠવું છું.
એક પ્રકારે ટીનએજ સપનાઓને પાંખ આપવાનો કાળખંડ હોય છે. એક પ્રકારે પગ જમીન પર હોતા નથી. મને ખુશી છે કે, આજે મારૂતિ ટીનએજમાં પ્રવેશી રહ્યું છે. ગુજરાત અને મારુતિનો ટીનએજમાં પ્રવેશ એટલે આગામી દિવસોમાં મારૂતિ નવી પાંખો ફેલાવશે. નવી ઉમંગ અને ઉત્સાહ સાથે આગળ વધશે એવો મને વિશ્વાસ છે.
ભારતની સક્સેસ સ્ટોરીના બીજ 2012માં હું મુખ્યમંત્રી હતો ત્યારે વવાયા હતા. મારૂતિ સુઝુકીને હાંસલપુરમાં જમીન ફાળવી હતી. તે સમયે પણ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનું જ વિઝન હતું.
ભારતને લઈને ગ્લોબલ કંપનીઓના ભરોસાને પણ પ્રસ્તુત કરે છે. એક રીતે મારુતિ સુઝુકી જેવી કંપનીઓ મેકઈન ઇન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની ચૂકી છે. સતત 4 વર્ષથી મારુતિ સુઝુકી ભારતની સૌથી મોટી કાર એક્સપોર્ટર છે. આજથી ઇવી એક્સપોર્ટને પણ એ જ સ્કેલ પર લઈ જવાની શરૂઆત થઈ રહી છે. દુનિયાના ડઝનો દેશમાં જે ઇવી દોડશે તેના પર લખ્યું હશે મેડ ઈન ઇન્ડિયા.
જાપાનના ઇન્ડિયામાં રાજદૂત એચઈ ઓનો કેઈચીએ ગુજરાતી સંબોધન કરતા જણાવ્યું કે, આ પ્રસંગે મને અનેરો આનંદ છે. 30મી ઓગસ્ટે જાપાનના હમામાત્સુ સિટી સાથે ગુજરાતના અમદાવાદ સાથે સિસ્ટર સિટી ટ્વિનિંગ થવાનું છે.